SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદના એ એકમાં અનેક હતા. અનેકમાં એ એક હતા. અધ્યાત્મયોગી આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીનું જીવન માત્ર બે પચ્ચીસીનું, પરંતુ એમના જીવનના પૂર્વાર્ધમાં એક ઉત્કટ સાધક અને ધર્મજિજ્ઞાસુ આત્માનો આલેખ જોવા મળે છે. એમના જીવનના ઉત્તરાર્ધમાં જૈનાચાર્ય તરીકેની એમની આગવી ગરિમા નજરે પડે છે. જિનશાસનને પામવાના પોતાના ધ્યેયની આડે આવતા તમામ અવરોધો એમણે પાર કર્યા અને વિજાપુરના શેઠ નથુભાઈનો સહયોગ સાંપડતાં જીવનઉત્થાનના સોપાન પર એક પછી એક ડગલું આગળ ભરતા રહ્યા. એમાંથી મહાન ત્યાગી, તેજસ્વી અને શાસનપ્રભાવક સૂરિપુંગવ સમાજને મળ્યા. એ મહાન યોગી હતા, ઉત્તમ કવિ હતા, પ્રવચન પ્રભાવક હતા, માનવતાની ભાવનાથી પરિપૂર્ણ હતા, વજાંગ બ્રહ્મચર્યનું તેજ ધારણ કરતા હતા. વિશેષે તો યોગી આનંદઘનની યાદ આપે એવા અને અઢારે આલમની ચાહના મેળવનારા મસ્ત અવધૂત હતા. અધ્યાત્મયોગી યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજીના એ સમયનો પણ વિચાર કરવો જોઈએ કે જે સમયે વહેમ, અજ્ઞાન અને ભૂતપ્રેતના ભયથી પ્રજા બીકણ બનેલી હતી, ત્યારે એમણે નિર્ભયતાનો સિંહનાદ કર્યો અને પ્રજામાં મર્દાનગીનું પ્રાગટ્ય કર્યું. એક સત્યવીરની સમ્યકુદૃષ્ટિ આત્મસાધુતા દર્શાવતી એમની ગ્રંથરચનાઓ માત્ર જૈનસમાજમાં જ નહીં, પણ વિરાટ અને વ્યાપક જનસમૂહમાં આત્મજ્ઞાનનાં અજવાળાં પાથરનારી બની રહી. દેશ ગુલામીની જંજીરોમાં જકડાયેલો હતો, ત્યારે એમણે એમની ગ્રંથરચનાઓ દ્વારા આધ્યાત્મિકતાનો શંખનાદ ફૂંક્યો. સમય જતાં કેટલીક પરંપરાઓ ઝાંખી પડે છે અને વિસ્તૃત થાય છે, એ રીતે યોગસાધનાની પરંપરા વિસરાતી જતી હતી ત્યારે યોગનિષ્ઠ આચાર્યશ્રીએ પોતાના ધ્યાનપૂર્ણ જીવનથી અને ઉત્કૃષ્ટ ગ્રંથરચના કરીને યોગની પરાકાષ્ઠા બતાવી. બાહ્યાચારોમાં ડૂબેલા સમાજને આત્માના ઊર્ધ્વ માર્ગનો પરિચય આપ્યો અને અલૌકિક આનંદ આપતી અધ્યાત્મ- સાધનાની ઓળખ આપી. આને કારણે આ ગ્રંથનું નામ ‘આત્મચૈતન્યની યાત્રા” એવું રાખ્યું છે. એમાં આત્મચૈતન્યની સાક્ષીએ વહેતું યોગીનું જીવન કેવું હોય એના સહુ કોઈને દર્શન થશે. આ ગ્રંથ એમના જીવનના કેટલાક પ્રસંગોનું પુનઃ સ્મરણ કરે છે, તો એની સાથે એમની ભવિષ્યને પારખનારી દીર્ઘદૃષ્ટિને બતાવતાં ગદ્ય-લખાણો આપ્યાં છે અને એમનાં કાવ્યોની મૂળ પ્રત સાથે એ કાવ્યો આપ્યા છે. વળી આ ગ્રંથમાં ઠેર ઠેર મોતીઓ વેરાયા હોય એ રીતે યોગનિષ્ઠ આચાર્ય ભગવંત શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીના જીવનપ્રેરક વાક્યો છે, તો સાથોસાથ એમની અમર કાવ્યપંક્તિ અને ઉત્કૃષ્ટ ગદ્યકણિકા અહીં મળશે. | આ ગ્રંથના કાર્યમાં પૂજ્ય સાધુ-સાધ્વીજીઓએ અને અમદાવાદના જુદા જુદા શ્રીસંઘોએ ઉમદા સહયોગ આપ્યો છે. યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીની દીક્ષા ભૂમિ પાલનપુરમાં ધર્મપ્રેમી શ્રી ગીરીશભાઈ રસિકલાલ શાહ પરિવાર (પાલનપુર) દ્વારા આ ગ્રંથવિમોચન થઈ રહ્યો છે, તે આનંદની બીના છે. આ ગ્રંથમાંથી મળતો આત્મિક ઊર્ધ્વતાનો સંદેશ વાચનાર સહુને સ્પર્શી જશે, તેવી શ્રદ્ધા છે. - સંપાદકો (viii)
SR No.034268
Book TitleAatm chaitanyani Yatra
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Samadhi Mandir
Publication Year2014
Total Pages201
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size166 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy