________________
સંયમ કબ હી મિલે?
મારા આત્માની વિકાસયાત્રાને એમણે હજી આગળ વધારી. સ્કુલ-કૉલેજમાં મને જેની બારાખડીનો ય પરિચય ન'તો થયો, એ તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ મને ગુરુદેવની કૃપાથી થઈ. આખા ય સંસારનું ચિત્ર મારા મનમાં સ્પષ્ટ થઈ ગયું. આમ તો મેં મારી આસ-પાસમાં ઘણી વાર એવા શબ્દો સાંભળ્યા હતા, કે સંસારમાં કોઈ સાર નથી. સંસાર અસાર છે...વગેરે વગેરે... પણ હવે મને પોતાને અંતરથી એવું લાગે છે, કે આ વાત સાવ સાચી છે. આપને પોતાને ય આવો અનુભવ છે જ. આપ પોતે જિનશાસનના હાર્દને પામેલા છો. સુશ્રાવક-સુશ્રાવિકા છો. સંસારને પણ આપે જામ્યો છે અને મોક્ષને પણ આપે જાણ્યો છે. આ જીવનમાં ખરેખર શું કરવા જેવું છે, આપણું ખરું લક્ષ્ય શું છે, આત્માનું હિત શેમાં છે, પરલોકમાં શેનાથી સુખ મળશે, એ બધી જ આપને ખબર છે. કાલ સુધી કદાચ એવું પણ બન્યું હોય, કે જ્યારે જ્યારે આપને આત્મહિતના માર્ગે જવાની ઇચ્છા થઈ હોય, ત્યારે ત્યારે આપને મારી જવાબદારીનો અહેસાસ થયો હોય, અને તેનાથી આપ પાછા પડ્યા હો... આપની ભાવના પૂરી ન થઈ હોય. પણ આજે હું પોતે આપને ભાવભરી વિનંતિ કરી રહ્યો છું. ચાલો, આપણે સૌ આત્મહિતના માર્ગે આગળ વધીએ. પરમ પાવન શ્રી પંચસૂત્રના સ્વાધ્યાય દ્વારા મેં જાણ્યું છે કે આ રીતે આલોક પણ સફળ થાય છે અને પરલોક પણ સફળ થાય છે.