________________
કોઈ હસ્તક્ષેપ નહીં થાય એની ખાતરી મળતાં મેં આ કામ સ્વીકાર્યું. ડિસેંબર ૧૯૭૮ થી ડિસેમ્બર ૧૯૭૯ દરમ્યાન દોઢબે ક્લાકની પંદરેક બેઠકો ચરિત્રનાયક સાથે ગોઠવાઈ. તેમણે પોતાને વિશે, કુટુંબ વિશે તેમ જ વેપારઉદ્યોગ અંગે મુક્ત મને ઘણી હકીકત કહી. પ્રત્યેક વિગતની સચ્ચાઈ અંગેની તેમની ચીવટને ચોકસાઈ ધ્યાન ખેંચે તેવી હતી. પરંતુ તેથીયે વિશેષ, મને તેમને માટે માન એ વાતનું થયું કે પોતાને વિશેનાં ટીકાત્મક વિધાનોમાં ફેરફાર કરવાનું કે તેને વિશે નાપસંદગી વ્યક્ત કરવાનું વલણ તેમનામાં જરા પણ દેખાયું નહીં. તેઓ એને વિશે સાવ નિર્લેપ હતા. કસ્તૂરભાઈના મનની આ મોટાઈથી–મહાનુભાવિતાથી હું પ્રભાવિત થયો છું.
આ કાર્યને અંગે મને શ્રી સિદ્ધાર્થભાઈ, શ્રી શ્રેણિકભાઈ, શ્રી બલુભાઈ મજુમદાર, શ્રી રામનારાયણ શેઠ અને અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના સેક્રેટરી શ્રી નગીનદાસ શાહે પોતાનો અમૂલ્ય સમય કાઢીને કેટલીક મહત્ત્વની માહિતી આપેલી છે તે માટે તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું. મારા સ્નેહી શ્રી રતિભાઈ દેસાઈએ આ વિષયને લગતી પોતાની પાસેની સામગ્રીનો છૂટથી ઉપયોગ કરવા દીધો છે તે બદલ તેમનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. પ્રત્યેક પ્રક્રણને અંતે આપેલી ટીપમાં આ પ્રકારનાં આધારસ્થાનોનો ઉલ્લેખ કરેલો છે.
કસ્તૂરભાઈની ડાયરી, તેમનો અંગત પત્રવ્યવહાર, વિવિધ મુલાકાતનો તેમ જ તેમના અવસાન પછી આવેલા સંદેશા વગેરે સાહિત્ય સુલભ કરી આપવા બદલ તેમનાં કુટુંબીજનો તેમ જ આ કાર્યમાં સાયંત સહાયરૂપ થયેલ મારા મિત્ર શ્રી મનુભાઈ શાહનો હું ઋણી છું.
મુંબઈના ધી એ. ડી. શ્રોફમેમોરિયલ ટ્રસ્ટે યુવા પેઢીના ઘડતરના સદુદ્દેશથી પ્રેરાઈને ભારતીય અર્થનીતિના આધારસ્તંભરૂપ ઉદ્યોગવીરોનાં જીવનચરિત્રો પ્રસિદ્ધ કરવાનો ઉપક્રમ રાખેલો છે. તે શ્રેણીમાં ઉચિત રીતે જ કસ્તૂરભાઈનું ચરિત્ર પ્રથમ લીધું છે. તેને નિમિત્તે ગુજરાત અને ભારતના કાપડઉદ્યોગ તથા વેપારના સંદર્ભમાં કસ્તૂરભાઈના વ્યક્તિત્વ તથા કાર્યનો અભ્યાસ કરવાની તક સાંપડી તે બદલ ધી એ. ડી. શ્રોફ મેમોરિયલ ટ્રસ્ટનો તેમ જ તેના માનાર્હમંત્રી તથા ટ્રસ્ટી શ્રી એમ. આર. પાઈનો ખાસ આભાર માનું છું.
Scanned by CamScanner