________________
[૫.૨] પૂર્વેના સંસ્કાર થયા જાગ્રત, માતા થકી
૧૪૩
માયા ! “આ સહેલું સટ્ટ, પેલી શી ઉપાધિ ! મેં કહ્યું. પછી એ બધા માણસો જમ્યા-કર્યા. શીરો ખાઈને ખુશ થઈ ગયા એ લોકો.
ગમે તેવા સંજોગોમાં ભાવ બગાડશો નહીં
એટલે એ બધા જમીને ગયા પછી મેં બીજે દહાડે મધર ને વાઈફને કહ્યું, “હવે જો ફરી આવું વર્તન થશે, કોઈ વખત આવા ભાવ થશે ઘરમાં, તો હું વૈરાગ લઈ લઈશ ઘરમાંથી. તો હું અહીં આગળથી ત્યાગ કરીશ સંસારનો, સાધુ દશા લઈ લઈશ.” એવું જરા કડકાઈથી બીક માટે કહેલું. એટલે તે દા'ડે જ્ઞાન નહીં પણ આ કડકાઈથી કહેલું. એવું દબડાવેલા મેં. તે ત્રાગું કરેલું. એવું કેમ ફાવે? આ લોકો ડરે પાછા.
પણ મારે કહેવું પડ્યું કે કોઈ પણ માણસ રાત્રે ત્રણ વાગે આવે તોય તે એને જમવાનું પૂછવાનું ને કોઈનું મન સહેજેય બગડવું ના જોઈએ, ગમે તેવા સંજોગોમાં. અહીં કોઈ ગેસ્ટ આવ્યા ગમે તે ટાઈમે, મધરાતે, ગમે તેટલા આવે તો જરા પણ મનનો ભાવ ના બગડવો જોઈએ.” તે દિવસથી બન્નેને મેં નિયમ લેવડાવ્યો.
- તમારું મન બગડશે તો વૈરાગ લઈ લઈશ
બપોરે બાર વાગ્યા પછી જો કોઈ પણ માણસ આવે તો તમારે તબિયત નરમ હોય તો સૂઈ રહેવું, હું જાતે બનાવી આપીશ. આવ્યો એટલે ભાવ બગાડવાના નહીં, નહીં તોય જમાડવો તો પડશે જ પણ ભાવ બગાડીને જમાડવો એ મને પોસાશે નહીં. આચાર બગડશે તે ચાલશે પણ તમારું મન બગડશે તો હું વૈરાગ લઈ લઈશ.
આટલી ધમકી મેં એમને આપેલી. ત્યાર પછી એમણે નથી કર્યું. એટલે ત્યાર પછી એ ઘરમાં અભાવ પેઠો નથી જરાકેય. કેમ શોભે આપણને ? ત્યાર પછી બધા ફરી ગયેલા. કારણ કે એમને ભડક પેસી ગઈ કે આ વૈરાગ લઈ લે તો. તે ત્યાર પછી આજ સુધી ઘેર વાતાવરણ એવું થઈ રહેલું. કોઈ પણ આવે તોય ભાવ બગડ્યો નથી. મેં કહ્યું, તે પછી ઘણાં વર્ષો સુધી રહેલું, મનેય બગડેલું નહીં.