________________ જેની ઉપર ગુસ્સો આવે તેને ત્યાં જ રૂ. 100 કે રૂા. 1000 આપી દેવા. જેના ઉપર ગુસ્સો આવે તે વ્યકિત જો પરિવારની જ હોય તો રૂા. 100 કે રૂ. 1000 સાધારણ ખાતામાં આપી દેવા. દાદરમાં શિબિરની અંદર આ જ વાત મૂકી હતી. એક યુવાને આ નિયમ સ્વીકાર્યો. બીજા રવિવારે તે યુવાન મને મળવા આવ્યો અને વાત કરી કે “સાહેબ ! આ નિયમ લીધા પછી તો ક્રોધનું સૂરસૂરીયું થઈ ગયું. ગયા રવિવારે શિબિર બાદ સાંતાક્રુઝ જવા ટેક્સીમાં બેઠો. ડ્રાયવરે ચાલાકી કરી લાંબો રસ્તો લીધો. થોડી વાર થયા બાદ મને ખ્યાલ આવ્યો. મેં ડ્રાયવરને ખખડાવી નાખ્યો. ત્યાં જ મને મારો નિયમ યાદ આવ્યો. જે ડ્રાયવરે મને છેતર્યો તેને માટે રૂા. 100 આપવાના આવ્યા હતા. ભારે ગડમથલ મનમાં ચાલી. નિયમ લીધો હતો એટલે બીજો કોઈ વિચાર કરવાનો હતો નહીં. જ્યારે મને તેણે સાંતાક્રુઝ ઉતાર્યો ત્યારે છેલ્લે મેં એના હાથમાં ભાડા ઉપરાંતમાં રૂા.૧૦૦ ની નોટ મૂકી. ડ્રાયવર આશ્ચર્યચકિત થઈ ગયો. ડ્રાયવરના મનમાં એમ કે હવે તો ભાડાના પૈસા પણ પૂરા નહીં આપે. પરંતુ જ્યારે એના હાથમાં રૂા. 100 ની નોટ ભાડા ઉપરાંતમાં આવી ત્યારે પલભર તો તે મારી સામે જોઈ જ રહ્યો. એની મૂંઝવણ હું કળી ગયો. મેં તેને કીધું - “દોસ્ત ! તેં મારી સાથે છેતરપિંડી કરી. છતાં ય તને મેં રૂા. 100 વધારામાં આપ્યા છે. કારણ કે આજે જ અમારા મહારાજ સાહેબની શિબિરમાં મેં નિયમ લીધો છે કે જેના ઉપર ગુસ્સો આવે તેને માટે રૂા.૧૦૦ આપવા. માટે મેં તને રૂા. 100 વધારે આપ્યા છે. એટલે મારી એક વાત માનજે કે કોઈને ફરીથી આ રીતે છેતરતો નહીં.” મારી વાત સાંભળીને ટેક્ષી ડ્રાયવર ચકિત થઈ ગયો. એણે લાગણીભર્યા સ્વરે કીધું કે - “શેઠ ! આ જમાનામાં મારી પણ લાચારી છે. છતાં ય આપની વાતનો હું અમલ કરીશ. એક વાત નક્કી કે દર રવિવારે હવે તમને ટેક્ષીમાં લઈ જવા હું જ આવીશ.” 257