________________ આવો વિકલ્પ તમને મગજમાં ઉઠતો જ નથી. કારણ કે તમને ખબર છે કે મેં એની પાસેથી ર૫,૦૦૦ રૂપિયા લીધા છે તો તે મારી પાસે જ માંગે ને ? બીજા પાસે તો ન જ માંગે ને ? આ જ વિચારધારા કોઈ અપમાન કરે ત્યારે અપનાવવાની છે. “મેં એનું અપમાન ભૂતકાળમાં કર્યું છે. તેનો બદલો તે અત્યારે વાળી રહેલ છે. હિસાબ ચૂકતે થાય છે. મારું દેવું પૂરેપૂરું વળી રહ્યું છે. તો મારે રાજી થવું જોઈએ કે નારાજ ?" - આવી ઉન્નત વિચારધારા અપનાવી ગુસ્સાને તિલાંજલિ આપવી જોઈએ. ટૂંકમાં, (1) જ્યારે કોઈ તમારા ઉપર ગુસ્સો કરે, જાહેરમાં અપમાન કરે ત્યારે વિચારવું કે - આ તો જૂનો હિસાબ ચૂકતે થઈ રહ્યો છે. (2) જ્યારે સામેવાળી વ્યક્તિ સામાન્ય વ્યવહાર જ કરે છે ત્યારે તેના જૂના વ્યવહારને યાદ કરી સામેવાળાને કટાક્ષ કરવાના બદલે તેને ભૂલી તેના વર્તમાનકાલીન વ્યવહારને નજર સમક્ષ રાખી સદ્ભાવપૂર્ણ વ્યવહાર જ કરવો. આ જ છે ‘ટેઈલર” પોલિસી ! ‘ટેઈલર પોલિસી'નો ટૂંકસાર - “દરજી જેમ જૂના માપ દ્વારા આજે કપડાં સીવતો નથી, તેમ જૂના વ્યવહારને આધારે આજે કોઈ પણ વ્યવહાર કોઈ પણ વ્યક્તિની સાથે કરવા જેવો નથી. તેમાં સામેવાળી વ્યક્તિને અન્યાય થઈ જવાની શક્યતા છે. સામેવાળાના ભવ્ય ભાવિકાળની કામના સાથે વર્તમાનમાં સદ્ભાવનાપૂર્વક વ્યવહાર કરવામાં જ સ્વ-પરનું કલ્યાણ સમાયેલું છે.” પોલિસી ગમે તે હોય પ્રિન્સીપલ (= સિદ્ધાંત) એક જ છે કે ક્રોધને દૂર કરો, ક્ષમા-નમ્રતા વગેરેના ગુણ-વૈભવને આત્મસાત્ કરો. 143