________________ પૈસા પાછળ પીડા : હવે આગળ વધો બીજા નંબરમાં પૈસા એ ઉપાધિ. કહો જો એને લાવવા, સાચવવા, વધારવા, ખરચવા, રોકવા વગેરે ક્રિયાઓમાં કેટલો શ્રમ, કેટલી તકલીફ, અને કેટલો ત્રાસ અનુભવો છો ? એ તાપ નથી તો શું છે ? એમ, ઘર, રાચરચીલું, સરંજામ, વાસણ, ફર્નિચર વગેરે વેઠ કરાવે છે કે નહિ ? કહો ને એકેકી ચીજ પાછળ કઈ જાતની મહેનત લેવી પડે છે, કષ્ટ ઉઠાવવા પડે છે. ત્યારે પરિવાર માટે શી શી તકલીફ, ત્રાસ, નથી ઉઠાવવા પડતા ? પ્ર.- પણ આ બધું ન કરીએ તો જીવન કેમ ચાલે ? ઉ.- તો એટલું તો નક્કી ને કે જીવન જે જાતનું જીવો છો એમાં આ બધા તાપ સહવા પડે છે ? માટે જ કહો કે તાપ દેનારી એ બધી વસ્તુ ઉપાધિ છે. અને તમે કહો છો “જીવન ચલાવવા માટે; પણ એ તો કહો કે બીજી જાતનું કોઈ જીવન જગતમાં છે કે નહિ કે જ્યાં આ ઉપાધિઓથી સંતાપ્યા રહેવું ન પડે. પ્ર.- જીવન તો છે, સાધુજીવન. પણ હમણાં એ બને એવું નથી, પછી શું થાય ? ઉ.- બરાબર. તો હવે તમારું ચાલુ જીવન જીવતાં એમ તો થયા કરવું જોઈએ ને કે, ગૃહસ્થની શુભ ભાવના : જીવને આ આધિ-ઉપાધિઓના યંત્રમાં પીસનારું જીવન તુચ્છ છે ! વેઠ છે ! માનવપણાના પુણ્યને નિષ્ફળ કરનારું છે ! જીવન તો સાધુપણાનું ! ક્યારે એ ધન્ય દિવસ સાંપડે કે જ્યારે હું ઉપાધિમુક્ત એવું પવિત્ર જીવન પામું ! ન પામું ત્યાં સુધી અહીંનું જીવન એવું જીવું કે એ સાધુજીવન પામવાની નિકટ પહોંચાડે. એનો સીધો ઉપાય આ કે ચાલુ જીવનમાંથી બને તેટલી ઉપાધિ ઓછી કરતો ચાલુ. જે ઉપાધિ છૂટે એવી ન હોય ત્યાં પણ એના તાપ ઓછા થાય એવો રસ્તો કાઢે !.." આવું ઉપાધિ થી સમાધિ તરફ 1C