________________ 46 યોગનિરોધ ભગવાન આત્માની અચિંત્ય વીર્યશક્તિથી સ્વાભાવિક રીતે બાદર કાયયોગમાં રહીને બાદર વચનયોગ અને બાદર મનોયોગને સૂક્ષ્મ કરે છે. ત્યારપછી બાદર કાયયોગને છોડીને સૂક્ષ્મ વચનયોગ અને સૂક્ષ્મ મનોયોગમાં રહીને બાદ કાયયોગને સૂક્ષ્મ કરે છે. ત્યારપછી સૂક્ષ્મ કાયયોગમાં એક ક્ષણ રહીને સૂક્ષ્મવચનયોગ અને સૂક્ષ્મમનોયોગનો નિરોધ (અભાવ) કરે છે. ત્યારપછી સૂક્ષ્મ કાયયોગમાં રહીને સૂક્ષ્મક્રિયાવાળા, જ્ઞાનરૂપ પોતાના આત્માને જ પોતે અનુભવે છે. સૂક્ષ્મક્રિયાઅનિવૃત્તિ શુલધ્યાન ધ્યાવતા કેવળી ભગવાનનું નિશ્ચલશરીર એ જ ધ્યાન છે. જેમ છદ્મસ્થ યોગી માટે મનની સ્થિરતા એ ધ્યાન છે તેમ કેવળી માટે શરીરની નિશ્ચલતા એ ધ્યાન છે. જેમનું આયુષ્ય પાંચ હુસ્વારના ઉચ્ચારણકાળ જેટલું બાકી છે એવા, પર્વતની જેમ નિશ્ચલ કાયાવાળા, શૈલેશીકરણની શરૂઆત કરનારા તે કેવળી ભગવાન સૂક્ષ્મ કાયયોગમાં રહીને અયોગી ગુણઠાણે જવાની તૈયારી કરે છે. સયોગીકેવળી ગુણસ્થાનકના અંતિમ સમયે ઔદારિક 2, અસ્થિર 2, વિહાયોગતિ 2, પ્રત્યેક 3, સંસ્થાન 6, અગુરુલઘુ 4, વર્ણાદિ 4, નિર્માણ, તૈજસ, કાર્મણ, પહેલું સંઘયણ, સ્વર 2, સાતા / અસાતા - આ 30 પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ થાય છે. તેથી અંગોપાંગના ઉદયનો વિચ્છેદ થવાથી છેલ્લા શરીરના અંગોપાંગમાં રહેલા નાસિકા વગેરેના છિદ્રોને પૂરવાથી આત્મપ્રદેશો ઘન થઈ જાય છે. તેથી છેલ્લા શરીરના આકારની અવગાહના કરતા આત્મપ્રદેશોની અવગાહના ત્રીજો ભાગ ન્યૂન કરે છે. ત્યારપછી જીવ અયોગી કેવળી ગુણસ્થાનકે જાય છે. (14) ચૌદમું અયોગી કેવળી ગુણસ્થાનક ચૌદમા ગુણસ્થાનકે સમુચ્છિન્નક્રિયઅનિવૃત્તિ શુક્લધ્યાન હોય છે.