________________
ખંડ ૧
પ્રાસ્તાવિક
પ્રકરણ ૧
સાઘન-સામગ્રી
૧, ફારસી-અરબી તવારીખ ભારતનાં સર્વ રાજ્યમાં ઈતિહાસ-વિષયક સામગ્રીની વિપુલતા અને વિવિધતાની બાબતમાં ગુજરાત એના સલતનત-કાલ માટે સૌથી વિશેષ સમૃદ્ધ છે. ઈ.સ. ૧૩૦૪થી ૧૫૭૩ સુધીના આ કાલ દરમ્યાન રાજ્યવહીવટની ભાષા ફારસી જ રહી હતી. સરકારી ફરમાને એ ભાષામાં નીકળતાં, સરકારી પત્રવ્યવહાર એ ભાષામાં થતો, અને અદાલતમાં પણ એ જ ભાષા વપરાતી. આને લઈને આ ગાળા અંગે આધારભૂત ઇતિહાસ લખવા માટેની સામગ્રી ફારસી ભાષામાં ઉપલબ્ધ છે; ક્યારેક તવારીખ અરબી ભાષામાં લખાતી. એ ફારસી–અરબી ગ્રંથ લખનારા તવારીખનવીસો કે એમના પૂર્વજો કાં તો અરબસ્તાનમાંથી આવ્યા હતા કે કાં તો ઈરાનમાંથી, આથી એમણે ઇતિહાસ-લેખનની ઈરાની પદ્ધતિને ઉપયોગ કર્યો હતો. ઈરાની ઈતિહાસકારે દરબારી ઇતિહાસ-આલેખક હતા, શાહી તખ્તથી જ સામાજિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરતા. પોતાના આશ્રયદાતાને ખુશ કરવા તરફ જ એમનું લક્ષ્ય કેંદ્રિત રહેતું હતું. એમના દોષો ઉપર ઢાંકપિછોડે કરવાને ઉપમા અને રૂપકેથી ભરેલી આલંકારિક, છટાદાર અને અસરકારક ભાષાને તેઓ ઉપયોગ કરતા. જે કંઈ તેઓમાં સારું જણાતું તેમાં અત્યુક્તિને પાર રહે નહિ.
આવા ઈતિહાસકારોએ ગુજરાતમાં આવીને સુલતાનના દરબારમાં આશ્રય મેળવ્યો હતો, તેથી એમણે લખેલા ઇતિહાસમાં ઉપર જણાવેલી ખાસિયત ઉપરાંત ગેરમુસ્લિમો પ્રત્યે અકારણ દેશ અને અણગમો થતાં રહે એવું પણ થયેલું છે.
સ.૧