SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ] [મહામણિ ચિંતામણિ - - શ્રી દેવેન્દ્ર મુનિ શાસ્ત્રી જણાવે છે કે, “સ્પષ્ટ મંતવ્ય છે કે તીર્થંકરનો જીવ ભૂતકાળમાં એક દિવસ સામાન્ય માફક સાંસારિક પ્રવૃત્તિઓથી અનેક પ્રકારે ફસાયેલો હતો, પાપરૂપી કાદવથી ખરડાયેલો હતો. કષાયની કાલિમાથી કલુષિત હતો, મોહની મદિરાથી મત્ત હતો. આધિ, વ્યાધિ અને ઉપાધિઓથી ત્રસ્ત હતો. હેય, શેય અને ઉપાદેય પ્રતિ પણ એનો વિવેક ન હતો. ભૌતિક તેમ જ ઇન્દ્રિયજન્ય સુખોને સાચું સુખ માની પાગલની માફક એની પાછળ દોડી રહ્યો હતો. પરંતુ એક દિવસે મહાન પુરુષના સંગથી એનાં નેત્રો ખૂલી ગયાં. ભેદ-વિજ્ઞાનની ઉપલબ્ધિ થવાથી તત્ત્વ પ્રતિ અભિરુચિ જાગૃત થઈ. સાચી અને સત્ય સ્થિતિનું એને ભાન થયું.” ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીર થયા. બૌદ્ધ સાહિત્યમાં મહાવીર અને એમના શિષ્યોને ચાતુયમયુક્ત તરીકે ઉલ્લેખ્યા છે. “દીઘનિકાયમાં એક પ્રસંગ છે. એમાં અજાતશત્રુ તથાગત બુદ્ધને શ્રમણ મહાવીરની સાથે, પોતે કરેલી એક મુલાકાતનું વર્ણન કરતાં કહે છે : ભન્ત, હું નિગ્રંથ જ્ઞાતપુત્રની પાસે ગયો હતો. એમને સાંદષ્ટિક શ્રમણ્ય-ફલ અંગે પૃચ્છા કરી હતી ત્યારે એમણે મને ચાતુર્યામ સંવરવાદ સમજાવ્યો. એમણે કહ્યું હતું કે નિગ્રંથ ચાર સંવરોથી સંવૃત્ત રહે છે. ૧. જલ (કાચું પાણી)નો ઉપયોગ કરતા નથી કેમ કે જલના જીવ ન મરે. ૨. તે સર્વ પાપોનો ત્યાગ કરે છે....” તીર્થકરોની અર્થરૂપ વાણીને સૂત્રરૂપમાં ગ્રથિત કરવા માટે કુશળ શબ્દશિલ્પીઓની જરૂર હોય છે. આવા કુશળ શિષ્યો અને અસાધારણ પ્રતિભા ધરાવતા વિદ્વાનો અર્થાત્ ગણધરો તીર્થંકર ભગવંતોના ધર્મસંદેશને ફેલાવતા હોય છે. ચોવીસમા–છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર થયા. મધ્યમ પાવાના સમવસરણમાં અગિયાર વિદ્વાનોએ ભગવાન મહાવીર સમક્ષ પોતાની શંકાનું સમાધાન કરી દિક્ષા લીધી હતી. આ વિદ્વાનો ભગવાન મહાવીરના પ્રથમ શિષ્યો–ગણધરો કહેવાયા. ગણધરો ભગવાનના ગણના સ્થંભરૂપ હોય છે. શબ્દકોશમાં ગણધર શબ્દનો અર્થ આ પ્રમાણે આપ્યો છે : “જ્ઞાન, દર્શન આદિ વિશિષ્ટ ગુણોને ધારણ કરનાર, તીર્થકરોના પ્રધાન શિષ્યો જેઓ એમની મહત્ત્વપૂર્ણ વાણીને સૂત્રરૂપમાં સંકલિત કરે છે.” આ ગણધરોમાં અગ્રસ્થાન ધરાવતા ઇન્દ્રભૂતિ ગૌતમ ભગવાન મહાવીરના મુખ્ય શિષ્ય હતા. “આવશ્યક નિર્યુક્તિ'માં જણાવ્યા મુજબ મગધની રાજધાની રાજગૃહની પાસે આવેલ ગોબરગામ એમની જન્મભૂમિ હતી. આજે ગોબરગામ નાલંદાનો એક વિભાગ ગણાય છે. એમના પિતાનું નામ વસુભૂતિ, માતાનું નામ પૃથ્વી અને ગોત્રનું નામ ગૌતમ હતું. “અભિધાન રાજેન્દ્રકોશમાં ગૌતમનો વ્યુત્પત્તિજન્ય અર્થ કરતાં જૈનાચાર્ય લખે છે કે “બુદ્ધિ દ્વારા જેનો અંધકાર નષ્ટ થઈ ગયો છે તે ગૌતમ.” આમ તો ગૌતમ શબ્દ કુળ અને વંશનો વાચક છે. “સ્થાનાંગમાં સાત પ્રકારના ગૌત્ર દર્શાવવામાં આવ્યા છેઃ ૧. ગૌતમ, ૨. ગાર્ગ્યુ, ૩. ભારદ્વાજ, ૪. આંગિરસ, ૫. શકરાભ, ૬. મક્ષકાભ, ૭, ઉદકાત્માભ. ગૌતમ નામ કુળ સાથે સંકળાયેલ છે અને ઋષિઓ સાથે પણ સંકળાયેલ છે. ઋગ્વદમાં
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy