SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૨ ] [મહામણિ ચિંતામણિ પાન કાર ના કાકા અમારા બસ, ત્યારે જ બહારના રાજમાર્ગ પર, વેગથી આવતા ઘોડાને કોઈ અચાનક રોકતું હોય તેવો ખરખરાટીનો અવાજ સંભળાયો. અશ્વારોહી ઘોડેથી ઊતર્યો અને ઘોડાની લગામ એક હાથથી ખેંચતો, વિશાળ પ્રવેશદ્વારવાળા મકાનને ઉત્સુકતાપૂર્વક નીરખી રહ્યો. મકાનના પ્રવેશદ્વારની કમાનની ટોચે મૂકેલું વાગ્દવીનું કળામય ચિત્ર જોઈને તેને ખાતરી થઈ કે જેને તે શોધી રહ્યો હતો તે આ ગૌતમવિદ્યાશાળા-ભવન.” | ‘શુભાંગ, સિતાંગ! જાઓ અને જુઓ. કોઈ અતિથિ ગૌતમવિદ્યાશાળા શોધી રહ્યો લાગે છે? જો તે આપણા અતિથિ હોય તો તેમને સન્માન સહ અતિથિકક્ષમાં તેડી લાવો. રોહિતાંગ, વજાંગ ! તમે પણ જાઓ. અતિથિના અશ્વને પ્રાણીશાળામાં દોરી જાઓ અને તેના માટે ઉચિત ખાદ્યનો પ્રબંધ કરો.” ઇન્દ્રભૂતિ પંડિત એકીસાથે બોલી રહ્યા. વિનય અને વિવેક બ્રાહ્મણોનાં ભૂષણ ગણાતાં હતાં. શિષ્યો સફાળા ઊઠ્યા. ગુરુજીનું કથન તેમને મન શિરસાવંદ્ય હતું. ઇન્દ્રભૂતિ મનોમન વિચારી રહ્યાઃ કોણ હશે એ અતિથિ? શું પ્રયોજનથી આવ્યો હશે એ? અને ભોળી ઉત્સુકતાના ઝૂલતા તરંગોનું સમાધાન તેમના મને શોધી કાઢ્યું. મનોમન તેમણે કહ્યું, ‘નક્કી એ કોઈ પુરજન હોવા જોઈએ. દેહકષ્ટીના દાસ ગ્રામજનોને પ્રાજ્ઞ પંડિતોનું શું કામ હોય? અને ગૌતમ ઇન્દ્રભૂતિની પાંડિત્યપ્રખ્યાતિ તો દૂરના નગરજનોને નિમંત્રી દશે દિશાએ પ્રસરી ગઈ નથી શું?” પ્રશસ્ત દર્પનો એક આછો અણસારો ગૌતમની કરોડરજ્જુમાંથી પસાર થઈ ગયો! પાદપ્રક્ષાલનાદિ ક્રિયાઓ પૂર્ણ કરીને સોમિલેશ્વર વિપ્ર વિદ્યાકક્ષમાં પ્રવેશ્યા. પંડિતો તો તેમને જોઈ જ રહ્યા! શુભ્ર અંગરખાની રક્તરંગી કોરને વિશેષ ઓપ આપતી નીલવર્ણા કસો આગંતુકની ગૌર-પુષ્ટ દેહયષ્ટિને શોભા આપી રહી હતી. પીતવર્ણી પાઘડીની સોનેરી ધાર, ગળામાં નાની રૂદ્રાક્ષની માળા સાથે લાંબી મોતીની માળા, હસ્તકંકણ અને કર્ણકુંડલ અને વદન પર વિખરાયેલી ધનગૌરવાંકિત તેજસ્વી કાંતિ ! સર્વ પ્રમાણો જાણે સોમિલેશ્વરનાં અંગોમાંથી બ્રાહ્મણ છતાં ધનાઢ્ય અને સન્માન પ્રાપ્ત દ્વિજનું અનોખું દર્શન ઉપસાવતાં હતાં ! ઊભા થઈને ચાર ડગલાં સામે આવેલા ઇન્દ્રભૂતિએ હાથ જોડીને સસ્મિત કહ્યું, પ્રણામ. પધારો વિપ્રવર ! બિરાજો અહીં આસન પર. ગોબર ગામની આ “ગૌતમીય વિદ્યશાળામાં આપનું સ્વાગત છે. કહો, આપનાં પાવન પગલાં અમારે આંગણે કરવાનું શું પ્રયોજન છે?” સોમિલ વિપ્ર ઇન્દ્રભૂતિની સપ્રમાણ અને સુડોળ દેહયષ્ટિને નીરખી જ રહ્યા હતા. વિદ્યાકક્ષના પવિત્ર વાતાવરણથી અને છાત્રોની વિનયાન્વિત સ્વાગત-સુશ્રુષા વડે તેઓ પ્રભાવિત થયા હતા. તેમણે નરમાશથી કહ્યું, હું અપાપાપુરીનો સોમિલ બ્રાહ્મણ, આપની ખ્યાતિ સાંભળીને જ અહીં આવ્યો છું. આજે અહીં પ્રત્યક્ષ જોઈને આપની વિદ્યાપારંગતતા વિશે મને કોઈ શંકા રહી નથી. જેવું સાંભળ્યું હતું તેથી પણ વિશેષ વ્યક્તિત્વ આપ ધરાવો છો. એટલે હવે સીધી જ વાત કરી દઉં કે હું આપને મારા યજ્ઞના પુરોહિત તરીકે સ્થાપિત કરવા ઇચ્છું છું. આવતા વૈશાખ માસમાં એક શ્રેષ્ઠ યજ્ઞનું આયોજન કરવાની મારી મનોકામના છે. એમ તો અમારા અપાપાપુરીમાં શતશઃ ક્રિયાકાંડી બ્રાહ્મણો છે જ. પણ મારે તો અંગ, બંગ, કલિંગ, મગધ, કોશલ, અને વત્સ ઇત્યાદિ સર્વ દેશોના ઉત્તમ પુરોહિતોને બોલાવવા છે અને દ્રવ્યનો શ્રેષ્ઠતમ સવ્યય પણ કરવો છે.'
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy