SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ ] [ મહામણિ ચિંતામણિ અને એટલે જ, કવિએ ગુરુ ગૌતમની સ્તુતિ માટે પ્રભાતિક–પ્રભાતિયા-રાગને પસંદ કર્યો છે છે. પ્રાભાતિક એટલે પ્રભાતે ગવાય છે. પ્રભાતે ગવાતો આ રાગ પ્રભાતના પહોરની સહજ પ્રસન્નતાને વધુ બહેલાવે છે. અને તે સમયની નિર્દોષતાનું વાહન બની તેને પૂરબહારમાં રેલાવે છે. ખાસ કરીને, મીઠી હલકથી કોઈ આ રાગ ગાય તો કઠિન-કઠોર માનવના હૈયામાં પણ કોમળતા આણવાની એનામાં તાકાત છે. નરસિંહ મહેતાનું પ્રસિદ્ધ ભજન “રાત રહે જ્યાહરે પાછલી ખટ ઘડી, તેમ જ મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિનું પ્રસાદ-મધુર સ્તવન ‘ઋષભ જિનરાજ ! મુજ આજ દિન અતિ ભલો’ આ જ રાગમાં છે. ગૌતમગુરુનું નામસ્મરણ માનવજીવનનું મંગલ હોય તો પ્રાભાતિક રાગમાં ગવાતી એમની સ્તુતિ જો માનવની પ્રત્યેક દિવસની કારકિર્દીનું મંગલાચરણ જ મનાવું જોઈએ. કદાચ એટલે જ આપણા કવિ પણ “માત પૃથ્વી સુત પ્રાતઃ ઊઠી નમો’ કહીને પોતાનું સ્મૃતિગાન આરંભે છે : “માત પૃથ્વીસુત પ્રાતઃ ઊઠી નમો, ગણધરા ગૌતમ નામ ગેલે; પ્રહ સમે પ્રેમ શું જેહ ધ્યાતા સદા, ચઢતી કળા હોય વંશ વેલે.” કવિ કહે છે : (કવિને સંબોધ્ય તરીકે કોઈ ખાસ વ્યક્તિ કે વર્ગ નહિ, પણ જનસાધારણમાં વસતું ભક્તહૃદય અભિપ્રેત હોય એમ લાગે છે.) પ્રાતઃકાળે ઊઠીને માતા પૃથ્વીના પુત્રને-ગૌતમને નમસ્કાર કરવા જોઈએ. અહીં બ્રહ્માંડનો સનાતન નિયમ–કારણ વિના કાર્ય ન સંભવે, એ-ભક્તના મુગ્ધ હૃદય પાસે, અલબત્ત, જિજ્ઞાસાભાવે, અને નહિ કે કોઈ જાતની અભીપ્સાના ભાવે–એક પ્રશ્ન કવિને પુછાવે છે કે પ્રભાતના પહોરમાં ગુરુ ગૌતમને નમસ્કાર કરવાનું કાંઈ પ્રયોજન ખરું? એનું કાંઈ ફળ ખરું? આ સવાલ માટે કવિ સજ્જ હોય એમ લાગે છે. જ્યારે આડંબર કે ડોળદમામ વિના, ખૂબ જ સહજ રીતે એ આ જિજ્ઞાસાનો ઉત્તર કડીના ઉત્તરાર્ધ દ્વારા વાળે છે. અને જિજ્ઞાસુની જિજ્ઞાસા અને એ રીતે જનહૃદયની ભક્તિભાવનાને તુષ્ટ કરી દે છે : “જેઓ પ્રભાત સમયે ગેલે–ગેલપૂર્વક–હૈયાની ઊલટપૂર્વક–ગૌતમ ગણધરના નામના જપ કરે છે તેનો વંશવેલો પાંગરે છે.' ધનસંપત્તિ અને સત્તા વગેરેના સુખવૈભવ તો માનવને વારંવાર અને અણધાર્યા મળ્યા જ કરતા હોય છે. પણ એની સુખવાંછા એટલાથી સંતોષાતી નથી. એ તો ત્યારે જ તૃપ્ત થાય છે જ્યારે એના એ વૈભવનો કોઈક વારસદાર એને મળે. ધનિક હોય કે ગરીબ, શેર માટીની ખોટ બંનેને એકસરખી જ લાગે છે. આ “શેર માટી’ વિના સુખીને પોતાનું સુખ જ નહિ, જીવન પણ વ્યર્થ ભાસે છે. આ બધી વાતને લક્ષમાં રાખીને જ હોય તેમ કવિ કહે છે : “જે કોઈ આ ગૌતમગુરુનું ધ્યાન પ્રેમથી ધરે છે, તેના વંશવેલે ચઢતી કળા હોય છે. તો એની વળતી જ પળે કવિ ધ્યાતાને આ ધ્યાનના ફલસ્વરૂપે તેના નસીબ આડેનું પાંદડું–જો હોય તો-ખસી જવાની ખાતરી આપતા હોય એવું લાગે છે
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy