SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ડાકુઓ હસી પડ્યા. એ હાસ્યના પડઘા પણ ભયાનક હતા. જવાબ મળ્યો : બાન તરીકે તમારી ધરપકડ થઈ છે. તમારા મા-બાપ પાસેથી મોં માંગી રકમ લઈને પછી જ અમે તમને છોડીશું! અજંપાભર્યો દિવસ પૂરો થયો, આવી કોતરોમાં પ્રકૃતિની આવી મુક્ત છાયામાં, નિરાંતની રાતના સ્વપ્નો અમારી આંખમાં રમવા માંડ્યા, પણ ત્યાં તો પાછો પ્રવાસ શરૂ થયો. ડાકુઓની દૂરંદેશિતા અમને છક્ક કરી ગઈ. પડાવમાં પડેલાં બીડીનાં ઠૂંઠાંઓ ને દિવાસળીઓનેય એમણે દૂર-દૂર કોતરોમાં ફંગોળી દીધી. શિયાળાની ઠંડી હવાના જોરદાર સૂસવાટા પાછા શરૂ થયા. ચંબલની ખીણમાં શિયાળાની રાત, જાણે બરફની વર્ષાથી શરૂ થતી હોય, એવી ધ્રુજારીથી અમારાં શરીર થરથર ધ્રૂજવા લાગ્યાં. . ડાકુઓ ગમે તેમ તોય માણસ હતા બેગમાંથી ધાબળા કાઢીને અમને ઓઢવા આપ્યા. એમની દૃષ્ટિએ કટોકટીનો પ્રવાસ હવે શરૂ થતો હતો. ચોર-પગલે આગળ વધવાની કડક સૂચના પછી પગલા ઉપડ્યા. હાથમાં કે સાથમાં પ્રકાશનું કોઈ સાધન નહોતું. અંધારભર્યો પ્રવાસ શરૂ થયો. ખાડા આવતા. પથ્થરો આવતા. ટેકરા આવતા. પણ ચાલ્યે જ છુટકો હતો! અમારી સ્વતંત્રતાને બંદૂકની અણી આગળ શરણાગત બનવાની ફરજ પડી હતી. અમારી ટુકડીની આગળ એક ડાકુ ચાલતો હતો. રસ્તાની ચકાસણીની જવાબદારી એને માથે હતી. અર્ધો-પોણો કલાકની કેડ-તોડ રખડપટ્ટી પછી અમે દૂર-દૂર દીવાઓ જોયા. અંધારામાં ટમટમતા એ દીવાઓ અમને આશાપ્રદ લાગ્યા. પણ એ આશા પણ મરી ગઈ. ટમટમતા એ દીવાની દિશાને તરછોડીને ડાકુઓ આડેધાડ ચાલવા માંડ્યા. એ પ્રવાસમાં ખેતરોના મોલને ઊભા ને ઊભા ચીરવા પડ્યા. અમે પણ ડાકુઓની સચિંતતા કળી ગયા. લગભગ નવ વાગે અમારી કૂચ થંભી ગઈ. ડાકુઓ કોઈની પ્રતીક્ષામાં હતા. અમને થયું : હાશ! રાતવાસો અહીં જ ગાળવાનો હશે! પણ ત્યાં તો એક ડાકુ આવી લાગ્યો. અમને નવાઈ લાગી. એ થોડો સામાન લઈને આવ્યો હતો. એમાં પાણી હતું, મીઠું-મરચું હતું. એ વાળુ કરવાની સામગ્રી હતી. ડાકુઓ વાળુ કરીને ફફડતા દિલે આડા પડ્યા. અમને પણ આરામ માટે સૂચના મળી. પરંતુ અજંપા વચ્ચે જંપ કેવો? અમારી આંખ સામે સવારની લૂંટનું કરુણ દૃશ્ય તરવરી રહ્યું હતું. વહાલસોયી એ માતાઓ, અપહૃત પુત્રો પાછળ કેવું કરુણ ક્રંદન કરી રહી હશે? સ્વજનોના એ સિસકાર કેવા દર્દીલા હશે? આવા અનેક વિચારો અમારા હૈયાને વલોવી રહ્યા હતા. આકાશ આખું અંધાર-ઘેર્યું લાગવા છતાં, દૂર-દૂર ઘ્રુવતારકના સ્થાને અમને અમારી અડગ-શ્રદ્ધા દેખાતી હતી. શંખેશ્વરનો અજપાજપ અમને અનેરી અભયતાથી ભરી રહ્યો હતો. નીરવ-રાત જામતી જતી હતી. અમારી નીંદરડી વેરણ-છેરણ થઈ ગઈ હતી. દૂર-દૂર, ખૂબ જ દૂર-દૂર મોટરના હોર્નનો આછો ધ્વનિ ને ખૂબ જ ઝાંખો પ્રકાશ અમારી આંખને આશા-સૃષ્ટિ બતાવીને અલોપ થઈ જતો : એકાદ મોટર અહીં આવે તો! પણ એ શક્ય જ ક્યાં હતું? મધરાત થઈ ન થઈ, ત્યાં તો ડાકુઓ સફાળા બેઠા થઈ ગયા. એકદમ પ્રવાસની તૈયારી થઈ ગઈ અને અમને પણ ઊભા કરવામાં આવ્યા. મધરાતની મૂંઝવણભરી મુસાફરી • પાછી આરંભાઈ. દૂર-દૂર સડકની દિશા તરફ આગળ વધતા હોઈએ એવું અમને લાગ્યું. મોટરના હોર્ન સંભળાતાં ડાકુઓ ઊભા રહી જતા. થોડી વાર થઈ અને સડક આવી. ખૂબ જ ચૂપકીદીથી સડક ઓળંગીને, અમે બધા એક ખેતર પાસે આવી ઊભા. લગભગ ત્રણ-ચાર ક્લાકના આ રઝળપાટમાં આરામની પળોનો અનુભવ જ ન થયો. સમાધિ મરણને લાવતો મહામંત્ર નવકાર; દિવ્ય ઔષધિ જાણજો, મહામંત્ર નવકાર.’–૧૦ ૬૯
SR No.032463
Book TitleJena Haiye Navkar Tene Karshe Shu Sansar
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashan Trust
Publication Year2015
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy