SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ મહાનુભાવોનાં કિશોરભોગ્ય ચરિત્રો આપ્યાં. મોટેરાંને પણ રસ પડે એવી કલમની કામિયાબી એમાં હતી. સાહિત્યના ક્ષેત્રમાં તેની (પ્ર)ગતિ થવા માંડી એટલે અમારો જૂનો સ્નેહસંબંધ ફરી તાજો થવા માંડ્યો. સાહિત્યના પ્રસંગો નિમિત્તે અમારે મળવાનું થતું. એવા પ્રસંગોમાં પણ એ મારી સમક્ષ તો વિદ્યાર્થી રૂપે જ અદબપૂર્વક ‘સાહેબ’ કહીને જ સંબોધવાનું ચૂકતો નહિ. એનામાં મિત્રો કરવાની, ગણ્યા ગણાય નહિ તેટલા લોકો સાથે સ્નેહથી બંધાવાની નિરાળી શક્તિ હતી. માત્ર મોટા માણસો સાથે જ નહિ, સામાન્ય માણસો સાથે પણ એનો વર્તાવ વિવેકભર્યો જ રહેતો અને કોઈનાંય કામ કરી આપવામાં, કોઈ પણ પ્રકારની સહાય કરવામાં તેનો ઉત્સાહ રહેતો. એ ડૉક્ટરેટની પદવી ‘આનંદધન’ની કવિતા વિશે મહાનિબંધ લખીને મેળવી ચૂક્યો હતો. એ પછી તો એણે હરણફાળ જ ભરવા માંડી. ગુજરાતી સાહિત્ય પરિષદનો મંત્રી થયો, ગુજરાત સાહિત્ય અકાદમીમાં ઉપપ્રમુખ થયો. ગુજરાત સાહિત્ય સભામાંય મારી વિનંતી સ્વીકારીને મારા કાર્યમાં મદદરૂપ થવા મંત્રીપદ પણ સ્વીકાર્યું. વર્તમાનપત્રમાં નિયમિત કટારો લખવી, સાહિત્યક્ષેત્રમાં સતત કલમને પ્રવૃત્ત રાખવી, પુસ્તકોનાં પ્રકાશન કરવાં, એ બધું તો ખરું જ, પણ પિતાનો જે વા૨સો હૃદયમાં ઊતર્યો હતો તે તેને ધર્મના વિચારક્ષેત્રે આકર્ષાતો જ રહ્યો અને જૈન સાહિત્યમાં તેણે જે વાચન, મનન-પરિશીલન કર્યું તે તેને માટે યશોદાયી બની રહ્યું. ગુજરાતમાં અને ગુજરાતની બહાર પર્યુષણ વ્યાખ્યાનમાળામાં કુમારપાળનું ધાર્મિક દૈવત ઝળકી ઊઠ્યું અને એની એ પ્રતિષ્ઠા માત્ર દેશમાં સીમિત રહી નહિ. જૈન ધર્મના એક અનોખા રસિક વિદ્વાન અને ચિંતક તરીકે તેની માગ પરદેશમાંય થવા માંડી. અમેરિકા, ઇંગ્લૅન્ડ, આફ્રિકા અને દુનિયાના બીજા અનેક દેશોમાં તેને વ્યાખ્યાનો માટે આગ્રહભર્યાં ઇજનો મળવા માંડ્યાં અને જોતજોતામાં તો એની એક રસિક ધર્મચિંતનના વ્યાખ્યાતા તરીકે કીર્તિ દૂર દૂર સુધી પ્રસરી રહી. કુમારપાળ એક સમર્થ વક્તા છે. પોતે વ્યાખ્યાનનો જે વિષય નિરૂપે છે તેમાં તેમની રસિકતા, તાર્કિકતા અને ધર્મગ્રંથોમાંથી સમુચિત અવતરણો—પ્રસંગો ટાંકવાની કુશળતા ખાસ ધ્યાન ખેંચી ૨હે છે. અહીં મારો એક પ્રસંગ યાદ આવે છે. મને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો ત્યારે વક્તાઓમાં એને માત્ર મંત્રી તરીકે ઔપચારિક શબ્દો કહેવાના હતા, પણ એણે તો સ્પષ્ટ કહી દીધું કે હું સાહેબ વિશે વક્તવ્ય આપીશ જ. બીજા વક્તાઓને હટાવીનેય હું વક્તા તરીકે રહીશ. એની મારા પ્રત્યેની અપાર સદ્ભાવના, કદાચ ગુરુભક્તિ એમાં નિમિત્ત હતી. અને મારે કહેવું જોઈએ કે મારા વિશે, મારા પિતા વિશે અને મારી સાહિત્ય-પ્રવૃત્તિ વિશે એણે વીસેક મિનિટ જે વક્તવ્ય આપ્યું તે સર્વ વક્તાઓમાં ઉત્તમ નીવડ્યું. કુમારપાળની વક્તા તરીકે એક આગવી છટા છે. એ વક્તવ્યમાં વિગતો કેમ ૨જૂ ક૨વી, તેને કેમ બહેલાવવી, વચમાં રસિકતા કેમ આણવી તે બધી કળા બરાબર સમજે છે અને એનાં વ્યાખ્યાન હંમેશાં વ્યવસ્થિત હોય છે. 17 મધુસૂદન પારેખ
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy