SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ અનુભવ વધતો જાય છે. આ અનુભવ એક વાત શીખવે છે કે જે કરવાથી અહં અને મમત્વ અને એષણા વધતાં હોય તેને કદાપિ “ધર્મ ગણાય નહિ. ધર્મ ક્યારેક ક્રિયારૂપ હોય, કદીક જ્ઞાન રૂપે હોય કે ક્વચિત્ તપ-સ્વરૂપે હોય. કોઈપણ પ્રકારની આ ધર્મકરણી કરવાથી જો અહંકાર વધતો હોય, મમત્વ પોષાતું હોય અને ઇચ્છાઓ જો વકરતી હોય તો તે ક્રિયા, જ્ઞાન કે તપ, ધર્મ' તરીકે લોકરૂઢિએ ગવાતાં હોવા છતાં, “ધર્મ' ગણાતાં કે બનતાં નથી. શાસ્ત્રોએ તો આ વાત વારંવાર, ઠેરઠેર, ગાઈ વગાડીને કરી છે. પરંતુ આ વાત જ્યાં સુધી આપણાં વ્યક્તિગત અનુભવનો વિષય ન બને, ત્યાં સુધી આપણા ચિત્તમાં પરિણમતી નથી, અને તેથી તેનું રહસ્ય સમજાતું નથી. અને તેથી જ તે વાતો બીજાને સંભળાવવા પૂરતી કે બીજા ઉપર છાકો પાડવા માટે કામની બની રહે છે. પણ પોતાની સમજણનો ઉઘાડ કરવામાં તે સહાયભૂત થતી નથી. ધર્મ એ એક એવું અદ્ભુત તત્ત્વ છે, જે આપણી સમજણદશાનો ઉઘાડ કરી આપવામાં બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. વસ્તુતઃ તો જેના થકી સમજણદશા ઉઘડે તેનું જ નામ ધર્મ છે. આવો ધર્મ એ માત્ર જાણવાનો કે કરી બતાવવાનો વિષય નથી રહેતો પરંતુ સમજવાનો તથા અનુભવવાનો વિષય બને છે. ધર્મતત્ત્વનો આવો અનુભવ, મનુષ્યને નમ્ર, હળવો, સરલ અને અનાગ્રહી બનાવે છે. રોજિંદા - સામાન્ય વ્યવહારમાં કે પછી કોઈક ખાસ બાબતમાં પણ, પછી, તે વ્યક્તિ પોતાની માન્યતા, સમજણ, જિદ્દ કે આગ્રહને વળગી નથી રહેતી. તેનાથી સાવ વિપરીત બને તો પણ શાંતભાવે તેનો સ્વીકાર તે કરી શકે છે. ધૈર્ય ન શીખવે તે ધર્મ શાનો? અધીરા અને હઠીલા બનાવે તેને ધર્મ કેમ ગણાય? એ વ્યક્તિમાં વિકસેલી કે વિકસતી સમજણ, તેને ઈર્ષ્યા અને દુર્ભાવની ચુંગાલમાંથી મૂકાવે છે. તેને પોતાના સ્વભાવગત તથા વર્તનમાં ડોકિયાં કરતી આછકલાઈ, છીછરાઈ, અને તોછડાઈનું પછી ભાન થવા લાગે છે, અને તે તેને ડંખવા પણ માંડે છે. સમજણનો વિકાસ સ્વભાવમાં, પદ્ધતિમાં તથા પ્રવૃત્તિમાં, પરિવર્તન આણે જ આણે. પોતાની ક્ષુદ્રતાનું પોતાને ભાન પ્રેરે તેનું જ નામ સમજણ.
SR No.032360
Book TitleDharm Tattva Chintan Part 01
Original Sutra AuthorN/A
AuthorSheelchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy