SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માના સહજ ગુણો અને સ્વરૂપને ભૂલીને અજ્ઞાન અને મોહવશ શરીરમાં ગાઢ આસક્ત થયેલો આત્મા પણ જ્ઞાનબળનું નિમિત્ત પામીને કર્મબંધનમાં પડવાને બદલે કર્મનો નાશ પણ કરી શકે છે. એક સાંસારિક ઉદાહરણ જોઈએ – સુંદરીના રૂપ પર મોહિત થયેલો એક માનવી અહર્નિશ તેનું જ ચિંતન કરવા લાગ્યો. દરેક વખતે એનું ધ્યાન તેનામાં જ રહેતું હતું. એ ક્યારે મળે અને ક્યારે હું મારી પ્રેમિકાને મળીને મારા મનની ઈચ્છા પૂરી કરું, આ જ વિચાર સતત તેના ચિત્તમાં ચાલ્યા કરતો. તેની પડોશમાં એક વિચારશીલ સદાચારિણી બહેન રહેતી હતી. આ પુરુષની આવી વ્યાકુળ દશાનું કારણ પારખી લીધું. તે સદાચારી બહેને વિચાર્યું, “આ માનવી પેલી નારીના શરીર પર આસક્ત થઈને સ્વયં તો ડૂબશે જ, કિંતુ પેલી નારીને પણ ડુબાડશે. આત્માનો એને સહેજે ખ્યાલ નથી, તેથી તેને યુક્તિથી સમજાવીને પાપકર્મમાંથી ઉગારવો જોઈએ.” તે બહેન પેલા કામાંધ પુરુષના ઘેર જઈને કહેવા લાગી, “ભાઈ ! તું ચિંતામાં ને ચિંતામાં પાતળો કેમ થતો જાય છે ? હું તારા મનની વાત જાણી ગઈ છું. જો તું મારું કહ્યું માને તો તારો એ સ્ત્રી સાથે મેળાપ કરાવી શકું તેમ છું.” આ સાંભળતાં જ એ ચમકી ઊઠ્યો અને બોલ્યો, “ઓહ ! તમે મારા મનની વાત કઈ રીતે જાણી ગયાં ? શું મને એનો મેળાપ કરાવી આપશો ?” એ બોલી, “તમારી ચેષ્ટાઓ પરથી તમારા મનનું પ્રતિબિંબ જોયું છે. ફિકર ન કરો, મારા કહ્યા મુજબ ચાલશો તો જરૂર એક દિવસ તમને હું એની સાથે મેળવી આપીશ.” કામી પુરુષની મૂંઝવણ હળવી થઈ. તેણે વિચાર્યું, “સામે ચાલીને મફતમાં આવી દૂત મળી જાય, તો એનું કહ્યું માનવામાં મને વાંધો શું હોય ? કામાંધ પુરુષે એ બહેનને કહ્યું, “જો તમે મારું આ કામ કરી આપશો તો હું તમારા પર મારું તન-ધન સર્વસ્વ ન્યોછાવર કરી દઈશ. તમે જ કહેશો, તે હું માનીશ.” “ભલે !” આટલું કહીને તે બહેન ચાલી ગઈ. બીજા દિવસે તે ફરી આવી અને તે પુરુષને કહ્યું, “ચાલો ભાઈ !” આત્મોદ્ધારનું અમૃતતત્વ ૧૦૩
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy