SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ પત્રકાર : એક વિધાયક પરિબળ એની પત્રકારચર્યામાં નિર્ભીકતાની સાથે તટસ્થતા, સમતુલા અને વિધાયકતા સિદ્ધ થવાની સુભગ શક્યતા રહે. પત્રકારની સાંસ્કૃતિક ચર્ચા પ્રજાજીવનની સૂક્ષ્મ સંપત્તિને સ્પર્શતી હોવાથી તેણે પોતાની એ પ્રવૃત્તિ પરત્વે સવિશેષ સાવધાન અને સુસજ્જ રહેવું જોઈએ એ સ્વાભાવિક પરંતુ પત્રકારની ઇમેજ તથા એને વિષેના ખ્યાલો સંબંધે આનાથી કંઈક જુદી જ પરિસ્થિતિ પ્રવર્તતી હોવાનો ખ્યાલ આવે છે. પત્રકાર એટલે સ્પષ્ટવક્તા, કટુભાષી, જેની ને તેની ટીકા કરનારો, વાંકદેખો, ખણખોદિયો, નિંદારસનું પરોક્ષ-અપરોક્ષ પોષણ કરનારો, ઉતાવળિયા અને બદ્ધ અભિપ્રાયો આપનારો, પોતાને સર્વજ્ઞ માનનારો, પોતાને વળતી ટીકાથી પર માનનારો, અસહિષ્ણુ એવી તેને વિષેની છાપ ક્યાંક ક્યાંક પ્રવર્તે છે. આ છાપ સંપૂર્ણતઃ સાચી નથી તેમ છેક ખોટી છે એમ કહેવુંયે મુશ્કેલ છે. આ છાપામાંના જે તથ્થાત્મક અંશો છે એ પત્રકારને ક્યારેક પૂર્ણપણે સહૃદય, વિચારશીલ અને સ્વાતંત્ર્યપ્રેમી બનાવવામાં વિજ્ઞકાર નીવડે છે જેથી એની સાંસ્કૃતિક સજ્જતામાં ઓછપ અનુભવાય છે. દૈનિક પત્રકારત્વની સાથે જે ઝડપ, ઉતાવળ, તત્કાળ અભિપ્રાય આપવો, ઊંડાણમાં ઊતરવાની શક્યતાની ઊણપ, એને કારણે એવી વૃત્તિનો ક્રમશઃ હ્રાસ થવો, અખબાર જેવું સબળ સાધન પોતાની પાસે હોવાની સભાનતામાંથી જન્મતાં ચોક્કસ પ્રકારનાં વૃત્તિ-વલણો, સર્વજ્ઞતાના ક્યારેક ક્યાંક કરાતા દાવા, શૈક્ષણિક લાયકાતની અનિવાર્યતાનો અભાવ, Specialisation વિકસાવવા માટેની સાનુકૂળતા, સુવિધા તથા વૃત્તિની ગેરહાજરી, વધારે પડતો રૂટીની કાર્યબોજ, આ બધાં કારણોને લીધે આપણા પત્રકાર માટે સાંસ્કૃતિક સજ્જતા કેળવવા-ટકાવવા-સંમાર્જિત કરવાનું મુશ્કેલ બને છે ને એ પરિસ્થિતિ એની સહૃદયતા તથા વિચારશીલતાને કુંઠિત કરનારી નીવડે છે. એનો અર્થ એ નથી કે પત્રકારે કોઈની કે કશાની ટીકા ન કરવાની હોય અને બધું સુખું સુખું જ કહેવા-લખવાનું હોય, પણ એની પાસે એટલી તો અપેક્ષા રહે કે એ જે કાંઈ લખે એમાં એની વિચાર-સંપત્તિ, જ્ઞાન, નિષ્ઠા અને આત્મપ્રતીતિનો રણકો હોય; એમાં દોષદૃષ્ટિ, પૂર્વગ્રહ, અભિગ્રહ, અંગત ગમા-અણગમા, કોઈને ઊંચે ચઢાવવાની ને કોઈને ઉતારી પાડવાની વૃત્તિ ન જ હોય; એમાં એની માહિતીની પરિમિતતા કે સત્યની વિકૃતિ પણ ન હોય. એ જે કાંઈ કહે-લખે એ સ્પષ્ટપણે છતાં સહૃદયતાના તંતુને ગુમાવ્યા વિના, દિલચોરી રાખ્યા વિના, અંતિમવાદી ને ખંડનાત્મક બન્યા વિના, સામાના દૃષ્ટિકોણને સમજવાની ખેવના રાખીને કહે–લખે તો એના લેખનમાં, અભિપ્રાયદર્શનમાં સચ્ચાઈ, નિષ્ઠા અને વિધાયકતા આવે અને એમાં એની સાંસ્કૃતિક સજ્જતા પ્રતિબિંબિત થાય.
SR No.032344
Book TitleSahitya Ane Patrakaratva
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarati Sahitya Parishad
Publication Year1999
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy