SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ | પત્રકારત્વ : એક પડકાર લોકશાહી દેશોમાં તો સંસદ પછી સૌથી વધુ શક્તિશાળી “પ્રેસ' ગણાયું છે. લોકપ્રિય સરકારના મુખ્ય આધારસ્તંભોમાં તેનું સ્થાન છે અને આથી પત્રકારોની પણ એક સામાજિક જવાબદારી સિદ્ધ થાય છે. તેમણે “જન-હિતૈષી' બનવું રહ્યું. જનતાંત્રિક સંસ્થાઓના વિકાસમાં પત્રકારત્વ મહત્ત્વનો ફાળો આપી શકે એમ છે. અમેરિકન રાષ્ટ્રપતિ જેફર્સને કહ્યું છે કે સમાચારપત્ર વિનાના શાસન અને શાસન વિનાના સમાચારપત્ર – એ બેમાંથી મારે એકની જ પસંદગી કરવાની હોય તો હું શાસન વિનાના સમાચારપત્રને પસંદ કરું. પત્રકારોએ પણ જનમત ઘડવાનો જ નથી, તેને કેળવવાનો પણ છે અને તેના અગ્રણી પણ થવાનું છે. આ દૃષ્ટિએ પત્રકારોની ક્રિયાશીલતા અતિ મહત્ત્વની બને છે. પત્રકારોએ અસંદિગ્ધ રજૂઆત, બનાવોના ભેદ પારખવાની આંતરસૂઝ, અભિવ્યક્તિની તેજસ્વિતા, ખંત, બુદ્ધિચાતુર્ય, હિંમત અને અગાધ શ્રમશક્તિ કેળવવા રહ્યાં. બીજી પત્રકાર પરિષદ વખતે આચાર્ય આનંદશંકર ધ્રુવે યોગ્ય જ કહેલું, “સત્ય પ્રકટ કરી અસત્ય અને અજ્ઞાનને વિદારવું એ પત્રકારની પહેલી ફરજ છે... આ ઉપરાંત (તેની પાસે) સમાચારની સત્યાસત્યતા, એનું લાઘવ, ગૌરવ અને સરસતાનીરસતા પારખવાની શક્તિ તેમજ એને શબ્દોમાં મૂર્તિમંત કરવાની સાહિત્યશક્તિ જોઈએ.” પત્રકારત્વનો આશય સત્ય-સંશોધન દ્વારા, સત્ય તરફ જનતાને દોરવા દ્વારા અને લોકકલ્યાણ દ્વારા સેવા-વ્યવસાય ચલાવવાનો છે. આ કાર્ય અત્યંત નાજુક, ગંભીર અને જવાબદારીભર્યું છે અને આ બધું કરવા છતાં મહેનતના પ્રમાણમાં પૈસા મળે પણ ખરા, ન પણ મળે છતાં “One must go on writing and recording until the pen drops from one's hand' એ તૈયારી ન હોય અને આ ક્ષેત્રને વ્યવસાય તરીકે નહીં પણ ધર્મ તરીકે અપનાવવા જે સજ્જ હોય, જે અભિપ્રાયના અહંકાર કે સત્તાના લોભથી અલિપ્ત ન હોય, જે વિધાયક, સહિષ્ણુ, સંયમી, સર્વદા નીડર અને પ્રત્યેક માનવીને શક્ય તેટલી તકો આપનાર ન હોય, અન્યાય પરત્વે અસહિષ્ણુ અને છતાં સહૃદય ન હોય એવા પત્રકારોનું આ ક્ષેત્ર નથી. સ્વ-વિવેકી, સજાગ અને સતત ક્રિયાશીલ પત્રકાર શું કરી શકે એ આપણે અમેરિકન પ્રમુખ નિકસનના પ્રસંગથી જાણીએ છીએ. ગાંધીજીનાં ‘નવજીવન’ કે ‘યંગ ઇન્ડિયા' કે તિલકનું ‘કેસરી' કે અમૃતલાલ શેઠનું પ્રદાન આપણાથી અજાણ્યું નથી. અને તેથી જ ક્રિયાશીલ પત્રકાર શું કરી શકે એવો પ્રશ્ન પૂછવા કરતાં એ શું ન કરી શકે એમ પૂછવું વધુ સાર્થક ગણાશે. ઉત્તમ પત્રકાર શું કરી શકે એનું એક જ ઉદાહરણ પર્યાપ્ત થશે.
SR No.032344
Book TitleSahitya Ane Patrakaratva
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarati Sahitya Parishad
Publication Year1999
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy