________________
સત્સંગ-સંજીવની
જેમ બને તેમ દૃઢતા રાખ. તે પુરૂષે પાછળની ઉંમર બધી વગડો સેવવામાં ગાળી છે. હાલનાં સમયમાં પણ એક ક્ષણમાત્ર પણ વગડા સિવાય બીજાં સેવતાં નથી અર્થાત પરમ ત્યાગી હતા, પરમ મુનિ હતા અને આ ભવે પણ પરમત્યાગી છે, પરમ મુનિ છે, કૈવલ્યજ્ઞાની છે. અનુક્રમે વરસે બેવરસે અને છેવટ દશ વર્ષે પણ દ્રવ્ય ચારિત્ર ધારણ કરશે.
તે ધારણ કર્યા પછી જિનમાર્ગ મહા ઉજ્જવળપણું પામશે. કંઇક હળુકર્મી જીવો તે પુરૂષથી ઉધ્ધાર પામી કલ્યાણ કરશે. પછી પરમોત્કૃષ્ટ કૈવલ્યજ્ઞાન પદ પ્રાપ્ત થશે. છેવટ ટુંકસારમાં જે તે પુરૂષને, હવે પછી બીજો ભવ નથી. આજ ભવમાં મોક્ષે જાવાવાળા છે, આટલું નિઃસંદેહ માન્ય કરજે. વિગેરે વિગેરે સં.૧૯૫૨ના આસો માસમાં મને પરમહિતકારી ઉપદેશ કર્યો હતો. તે ઉપરથી કોઇ વખત કોઇનાં મોઢે મારાથી એવી રીતે કહેવાય છે જે અનુક્રમે એટલે વહેલે મોડે પણ દિક્ષા લેશે. હે સાહેબ! કાંઇ પણ મન કલ્પનાથી કહેવાયું નહોતું. હે બાપજી! તે બાબત ક્ષમાપના ઇચ્છું છું.
મારા પિતાશ્રી મને લખે છે કે તારે સહકુટુંબના સહવાસમાં રહેવું. તો મારે સાથે રહેતાં તેમની વર્તણુંક પ્રમાણે વર્તવું પડેજ. ઉપાશ્રય જવું પડેજ. વ્યાખ્યાન સાંભળવું પડેજ એટલું તો અવશ્ય કરવું પડેજ. પ્રથમ તે ઓળખતા હતા જે સૌભાગ્યશા તો દૃઢધર્મી હતા તો પણ અપાશરે જતા હતા અને તુંતો ખોટી હઠ લઇને બેઠો છું. માધુશેઠ પાસે તારા નામથી લેણું હોવાથી જો દાવો બાંધવો પડશે તો તારે કાંપમાં આવવું પડશે તેના જવાબમાં મેં લખ્યું હતું જે આવવાને માટે દીન છોરૂ તૈયાર છું પરંતુ જ્યાં સુધી તમારા અંતઃકરણમાં ધર્મ સંબંધિ સંકલ્પ વિકલ્પો સમુળગા નાશ નથી થયાં ત્યાં સુધી મને કોઇપણ રીતે આપને મોઢું દેખાડવાની ઇચ્છા થતી નથી. પ.પૂ સૌભાગ્યભાઇ તો જ્ઞાની પુરૂષ હતા, તેઓનું દૃષ્ટાંત મારા જેવા દીન, અનાથ પામરને પોસાય નહીં વિગેરે બીના લખી હતી. હે પ્રભુ! જો વિચારી જોઉ તો આજ પ્રમાણે જગતનું અસારપણું હશે. આ એક વૈરાગ્ય ઉત્પન્ન થાય તેવું મોટું સબળ કારણ છે.
લિ. ઠાકરશીના પ્રણામ
પુત્ર-૮૯
હે પ્રભુ! આ બાળક અનંત દોષનો ભરેલો છે. હવે આ દોષો તો મોટા પુરૂષની કૃપા વિના જાય નહીં. મોટા પુરૂષની કૃપા અત્યંત છે. પણ મારી પાત્રતા નથી એજ મારો મહાન દોષ છે. તે આપ પત્ર દ્વારા નિવારણ કરશો. સમાગમનો હાલમાં વિયોગ છે, તેમાં તો પત્રનો જ આધાર છે. કીલાભાઇને ત્યાં અંબાલાલભાઇ, કરસનદાસ, પોપટલાલ, છોટાલાલ, ભાઇચંદ વિ. રાતના મળે છે, ધર્મસંબંઘી પુસ્તકો વખતે વખતે વંચાય છે પણ તેવી દાવિના સ્ફુરાયમાન યથાર્થ થતું નથી. યોગ્યતાની ન્યૂનતાથી એમ થતું હશે. હે ભગવાન! હું શું લખું? આપ સર્વ જાણો છો. આ બાળક હજા સ્વચ્છંદી છે, તેને આપના પ્રતાપે દોષ તો હવે સૂઝે છે પણ હજા ટાળી શક્તો નથી, તે વિટંબના ટાળનાર આપ છો.
લી. પોપટના વારંવાર નમસ્કાર.
શ્રી વવાણીયા પહોંચે.
શાહ શ્રી પ.-શાહ રવજીભાઇ પંચાણજી સાહેબજીને દેજો
૯૧
પત્ર-૯૦
જેઠ સુદ ૪, ભોમ, ૧૯૫૪