SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યિક પૂર્વપરંપરા ૭૩ પણ રાજકીય, આર્થિક અને સામાજિક બળોએ પણ વ્યાપક ભાગ ભજવ્યો હોવાનું સ્વીકારીએ તો જ તેનો ઘટતો ખુલાસો મળે. | ગુજરાતી સાહિત્ય પૂરતી વાત કરીએ તો બારમી શતાબ્દીના ઉત્તરાર્ધથી આપણને પ્રાદેશિક ભાષામાં રચાયેલી કૃતિઓ મળવા લાગે છે, એટલે હેમચંદ્રાચાર્યને અપભ્રંશના અંતિમ પ્રતિનિધિ ગણીને આપણે ચાલી શકીએ. આ જે નૂતન સાહિત્યનો ઉદય થયો તે અનેક રીતે પોતાની વિશિષ્ટતા વિકસાવતું અને નિરાળી મુદ્રા ધારણ કરતું ચાલે છે. સાથે એ પણ સ્પષ્ટ છે કે પુરોગામી સાહિત્યમાં પણ તેમાં ઘણા મોટા પ્રમાણમાં અનુવાદ, અનુકરણ કે અનુવર્તન છે, અને પછીના ઘણા લાંબા ગાળા સુધી પણ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યોનો તેના પર સતત અને વ્યાપક પ્રભાવ પડતો રહ્યો છે. આથી ગુજરાતી સાહિત્યનાં મૂળ, ઉદ્ગમ અને વિકાસને યોગ્ય રીતે સમજવા માટે તેના પુરોગામી (અને સમકાલીન સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યોની પરંપરા અને પ્રણાલિઓનો પરિચય હોવો અત્યંત આવશ્યક છે. (૨) સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યની પરંપરા દસમી શતાબ્દી સુધીમાં સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યના વિવિધ પ્રકારો વિશાળ પ્રમાણમાં ખેડાઈ ચૂક્યા હતા. આમાં (૧) મહાકાવ્ય, (૨) ગદ્યકાવ્ય, (કથા, આખ્યાયિકા), (૩) ચંપૂ, (૪) ખંડકાવ્યાસંઘાત), (૫) મુક્તક (સુભાષિતસમુચ્ચય, કોશ), (૬) લૌકિક કથા, (૭) દષ્ટાંત કથા, અને (૮) દશ્યકાવ્ય(રૂપક, ઉપરૂપક) એવા પ્રકારો લૌકિક સાહિત્યમાં હતા, તો (૧) પૌરાણિક આખ્યાન, (૨) ધર્મકથા(બોધકથા), (૩) સ્તોત્ર વગેરે પ્રકારો ધાર્મિક સાહિત્યમાં હતા. આ ઉપરાંત, વિવિધ વિષયોને લગતું શાસ્ત્રીય સાહિત્ય અત્યંત વિપુલ હતું. ગુજરાત, રાજસ્થાન અને માળવાનો સમાવેશ કરતું પશ્ચિમ ભારત પણ પોતાનો ફાળો વિવિધ સાહિત્યપ્રકારો અને વિદ્યાવિષયોમાં આપતું આવ્યું હતું. ઉજ્જયિની, વલભી અને ભિલ્લમાલ(અને પછીથી ધારા અણહિલપાટક) તે તે સમયનાં મહાન વિદ્યાકેંદ્રો હતાં, જેમાં વિવિધ પ્રશિષ્ટ સાહિત્યોના અને ધર્મોના મહત્ત્વના ગ્રંથો રચાયા હતા. માત્ર થોડીક કળશરૂપ કૃતિઓના નિર્દેશથી પણ ઉક્ત પ્રદેશોની પ્રબળ પરંપરાઓનો અંદાજ મળી રહે તેમ છે : ભટિનું ‘રાવણવધ', હરિભદ્રસૂરિનાં ‘સમરાઇચકહા' અને ધૂર્યાખ્યાન', ઉદ્યોતનસૂરિની ચંપૂકથા “કુવલયમાલા', સિદ્ધર્ષિની ‘ઉપમિતિભવપ્રપંચકથા', હરિષણનો બૃહત્કથાકોશ તે ઉપરાંત શ્વેતાંબર જૈનોના અર્ધમાગધી આગમ સાહિત્યની પ્રચલિત વાચના વલભીમાં તૈયાર થયેલી, તથા દિગંબર જૈન સિદ્ધાંતગ્રંથ વીરસેનકૃત “જયધવલા' સંભવતઃ ગુજરાતના વાટગ્રામપુરમાં સમાપ્ત થયેલો એ હકીકતો પણ અત્યંત નોંધપાત્ર છે.
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy