SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી ભાષાનો કુળક્રમ ૪૧ ગુજરાતીઓની ભાષામાં અન્યાન્ય ભાષાઓમાંથી સામગ્રીની આયાત થતી રહી હોય એ સમજી શકાય તેમ છે. દસમી શતાબ્દી સુધીમાં ગ્રીકો, શક-ક્ષત્રપો, હૂણો, ગુર્જરી જેવી વિદેશી જાતિઓ સ્થળાંતર કરીને ગુજરાતમાં આવી અને કેટલીક જાતિઓએ રાજકીય વર્ચસ પ્રાપ્ત કર્યું. એમની બોલીઓમાંથી કેટલીકને અપનાવીને ગુજરાતની લોકભાષા સમૃદ્ધ બનતી રહી. પછીના સમયમાં મુસ્લિમો દ્વારા ગુજરાતી ઉપર અરબીફારસીનો ઘણો દૂરગામી પ્રભાવ પડ્યો અને ખાસ કરીને ગુજરાતી શબ્દભંડોળને આ સંપર્કથી ઘણી અસર પહોંચી. હિંદી ને મરાઠી ને ફિરંગી અસરોએ પણ આજ દિશામાં કામ કર્યું. પણ અંગ્રેજીના સંપર્કથી તો ગુજરાતીની કાયાપલટ થઈ ગઈ. વિચારની સાથોસાથ વાક્યનાં ઢાળા ને લઢણો ધરમૂળથી પલટાઈ ગયાં ને બુદ્ધિ ને તર્કના ભારને ઝીલતું ગદ્ય વિકસ્યું. બીજી દષ્ટિએ, ઈસવી સનના આરંભથી અહીંના લોકો યથાપ્રાપ્ત સંસ્કૃત પ્રાતા અપભ્રંશ ને દેશી ભાષામાં સાહિત્યપ્રવૃત્તિ કરતા રહ્યા હોવાથી તેમની ભાષાને સંસ્કારનું પોષણ સતત મળ્યા કર્યું છે અને વ્યાવહારિક ઉપરાંત સાંસ્કારિક જીવનની સૂક્ષ્મ અને અનેકવિધ આવશ્યકતાઓને પહોંચી વળવાની ક્ષમતા તે ખીલવતી રહી છે. બોલીભેદોનો વિકાસ પ્રાચીન ગુજરાતમાં આનર્ત (ઉત્તર), લાટ (દક્ષિણ), સુરાષ્ટ્ર જેવા વિશિષ્ટ નામ ધરાવતા વિભાગો હતા. મૌર્ય, ક્ષત્રપ અને ગુપ્ત, મૈત્રક અને ગુર્જરપ્રતિહાર, રાષ્ટ્રકૂટ, ચૌલુક્ય અને વાઘેલા, તથા મુસ્લિમ – એ વિવિધ યુગો દરમ્યાન આખું ગુજરાત હમેશાં કોઈ એક જ રાજકીય વર્ચસ નીચે નથી રહ્યું, એના જુદાજુદા વિભાગો ઉપર અવારનવાર જુદું જુદું રાજશાસન પણ રહેતું હતું. બીજી તરફ, ઈતિહાસના વિવિધ ગાળા દરમ્યાન ઉત્તરની સરહદે મારવાડ અને સિંધની સાથે, પૂર્વમાં માળવા સાથે, તો દક્ષિણમાં ખાનદેશ અને મહારાષ્ટ્ર સાથે ગુજરાતનો ગાઢ સાંસ્કૃતિક સંબંધ – ક્વચિત્ ઓછો, ક્વચિત્ વધુ પણ સતત – રહ્યો છે. સાંસ્કૃતિક દૃષ્ટિએ તે તે દિશામાં ચોક્કસ સીમાડા દોરવાનું હમેશાં ઓછુંવધતું મુશ્કેલ રહ્યું છે. ત્રીજી તરફ, ગુજરાતના આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક જીવનમાં પ્રવાસપ્રવણ વેપારવણજ કરનાર વર્ગ અને વિહારધર્મી જૈન સાધુઓનો વર્ગ ઘણો પ્રભાવક રહ્યો છે. આવાં પરિબળો અને પરિસ્થિતિને પરિણામે, ગુજરાતીમાં પોતપોતાની અમુક લાક્ષણિકતાવાળા બોલીભેદો વિકસ્યા હોવા છતાં તેમનાં સ્વરૂપોમાં એવી કશી ઉગ્ર વિભાજકતા જણાતી નથી અને તેમનું આગવાપણું વ્યાપક વ્યવહાર માટેનું એક માન્ય ભાષાસ્વરૂપ વિકસવાની આડે આવ્યું નથી. રાજકીય, સાંસ્કૃતિક અને વ્યાપારી કેંદ્રોની બોલીઓ ભેળસેળવાળી અને
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy