SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧ પશ્ચિમની મિશ્ર), અર્ધમાગધી (પૂર્વ ને મધ્યની મિશ્ર), બાલ્હીકી (ઉત્તરની), અને દાક્ષિણાત્યા (દક્ષિણ-પશ્ચિમની). આ ઉપરાંત આભીર, ચાંડાલ, વગેરે પ્રદેશના બોલીભેદોની પણ એકાદ લક્ષણવાળી નોંધ આપી છે. આ પછીના ગાળા માટે મૈત્રક રાજાઓનાં દાનશાસનોમાં આવતાં કેટલાંક સ્થળનામોના સ્વરૂપ ૫૨થી આપણે સમકાલીન ઉચ્ચારણની થોડીક ઝાંખી કરી શકીએ. સંઘદાસની ‘વસુદેવહિંડી,' જિનભદ્રના ‘વિશેષાવશ્યક-ભાષ્ય' આદિ ગ્રંથો વગેરેની પ્રાકૃત પર – થોડાક વિશિષ્ટ શબ્દો અને પ્રયોગો રૂપે – જે સ્થાનિક પ્રભાવની છાયા વરતાય તે પણ કામમાં આવે. હ્યુએનત્સંગ અને ઇત્સિંગની પશ્ચિમ ભારતને લગતી પ્રવાસનોંધોમાં તે-તે પ્રદેશની બોલીઓ વિશે નક્કર સામગ્રીરૂપે કશી માહિતી નથી. હેમચંદ્રની “દેશીનામમાલા”માં પૂર્વવર્તી શતાબ્દીઓની શબ્દસામગ્રી સંચિત હોઈને વચગાળાની શતાબ્દીઓની બોલીઓની થોડીક સામગ્રીનું પગેરું તેમાં મળે ખરું. અપભ્રંશનો ઉદ્ગમ પાંચમી-છઠ્ઠી શતાબ્દીના અરસામાં પશ્ચિમ કાંઠાની અને મધ્યદેશની લોકબોલીઓના આંશિક મિશ્રણવાળી એક નવી સાહિત્યભાષા પ્રચલિત બની. એ ભાષા તે અપભ્રંશ. અપભ્રંશને લગતા પ્રાચીનતમ ઉલ્લેખ ઈસવી પાંચમી સદીથી બહુ આગળ જતા નથી. સાતમી સદીનો બાણભટ્ટ ‘ભાષાકવિ'નો ઉલ્લેખ કરે છે. છઠ્ઠી સદીનો વલભીનો રાજા મૈત્રક ગુહસેન સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ એમ ત્રણે ભાષાઓમાં સાહિત્યરચના કરતો એવો મોડેના સમયનો ઉલ્લેખ છે. પાંચમી સદીના જૈન માહારાષ્ટ્રી ભાષાના ગ્રંથ વસુદેવહિંડી'માંના એક પદ્યમાં કેટલાંક વિશિષ્ટપણે અપભ્રંશ રૂપ વપરાયેલાં છે. એ પહેલાંના કેટલાક બૌદ્ધ ગ્રંથોની મિશ્ર કે સંકર સંસ્કૃત ૫૨ અને પાંચમી સદી પછીના જૈન માહારાષ્ટ્રી ગ્રંથ ‘પઉમચરિય’ની ભાષા પર તત્કાલીન લોકબોલીની, અપભ્રંશને મળતી, અસર છે. આ ઉપ૨થી ઈસવી પાંચમી-છઠ્ઠી શતાબ્દી લગભગ અપભ્રંશ ભાષા સંસ્કૃત અને પ્રાકૃતની હરોળમાં બેસવાને પાત્ર એક સાહિત્યભાષા તરીકે પ્રતિષ્ઠિત થઈ ચૂકી હતી એમ ચોક્કસ કહી શકાય. મૈત્રક રાજાઓની રાજધાની વલભી વૈદિક, જૈન અને બૌદ્ધ ધર્મનું તથા વિદ્યાનું કેંદ્ર હતી. દેવર્ધ્વિગણિ, ભટ્ટિ અને કદાચ સ્થિરમતિ, ગુણમતિ વગેરે અનેક આચાર્યો અને કવિઓએ ત્યાં રહીને સાહિત્યરચના કરેલી છે. રાજસ્થાન-પ્રદેશમાં પણ બ્રહ્મગુપ્ત, હરિભદ્ર, ઉદ્યોતન વગેરે પ્રખર વિદ્વાનો થયા. એ સમયમાં રાજસ્થાન, ગુજરાત અને માળવામાં સંસ્કૃત, માહારાષ્ટ્રી, અર્ધમાગધી, પાલિ અને અપભ્રંશનું અધ્યયન-અધ્યાપન સારા પ્રમાણમાં થતું. નવમી શતાબ્દી સુધીમાં અપભ્રંશનું સાહિત્યભાષા લેખે વર્ચસ્વ
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy