SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૧ વિપુલ છે. મધ્યમ ભૂમિકાના ભાષાભેદોમાં નિબદ્ધ સાહિત્ય એમનો સંતોષપ્રદ ખ્યાલ આપવા માટે તદ્દન અપર્યાપ્ત છે. ગુજરાતી ભૂમિકાના પ્રાચીન અને મધ્યમ તબક્કા માટે સેંકડો કૃતિઓ અને હસ્તપ્રતો જળવાઈ રહી છે, જો કે આરંભના સમયમાં રચાઈ હોય તેવી કૃતિઓ ઘણી થોડી છે. પંદરમી શતાબ્દીથી સંખ્યાબંધ કૃતિઓ આપણને મળે છે. સંસ્કૃતના સ્વરૂપના વૈજ્ઞાનિક અધ્યયન માટે તો બીજું એક અમૂલ્ય સાધન પણ ઉપલબ્ધ છે. પાણિનિ અને એના પુરોગામીઓની અસાધારણ વ્યાકરણી પ્રતિભાને પરિણામે સંસ્કૃતનું સૂક્ષ્મતમ પૃથક્કરણ અને કડકમાં કડક શાસ્ત્રીય પદ્ધતિને આધારે તૈયાર થયેલું સમકાલીન વર્ણન આપણને મળે છે, પણ પાલિ પ્રાકૃત કે અપભ્રંશનો પ્રાચીન ભારતીય વૈયાકરણોએ આપેલો વૃત્તાંત તુલનાએ તદ્દન ઉપરચોટિયો, સ્થૂળ અને પદ્ધતિદોષથી ભરેલો છે. એ સ્વાયત્ત વૃત્તાંત નથી, પણ સંસ્કૃતથી ઈતર સાહિત્યભાષાઓ જે વિગતોમાં જુદી પડતી તે વિગતોનું વ્યાવહારિક પ્રયોજનથી કરેલું તારણ છે. અર્વાચીન ભૂમિકાની કોઈ બોલીનું સાચું-ખોટું વર્ણન કરવાનો પણ પ્રાચીનોએ પ્રયાસ નથી કર્યો, ઔક્તિકોમાં મળતી આછીપાતળી સામગ્રીના અપવાદે. પ્રાચીન અને મધ્યમ ગુજરાતી ભૂમિકા પૂરતા પ્રચુર નમૂના મળે છે એમ ઉપર જણાવ્યું છે, પણ એનાથી બહુ હરખાવા જેવું નથી, કેમકે એમાંથી અમુક કૃતિઓની જ રચનાનાં ચોક્કસ સમય અને સ્થળ આપણે જાણીએ છીએ, બાકીની કૃતિઓ માટે એ ચોક્કસ કયા સ્થળે રચાઈ એનો નિર્ણય કરવાનું કોઈ સાધન નથી; જ્યારે તેમના રચનાસમય અંગે તો સાપેક્ષ રીતે અટકળ કરવા સિવાય વિશેષ કશું કહી શકાય એમ નથી. પણ રચના સમય અને સ્થળને લગતી ચોક્કસ માહિતીના અભાવ કરતાં બીજી એક ગંભીર ખામીને લીધે પ્રાગર્વાચીન ગુજરાતીના ભરપૂર જળવાયેલા નમૂનાઓનું મૂલ્ય આપણે માટે ઓછું થઈ જાય છે. ઘણીખરી કૃતિઓની હસ્તપ્રતો એમના રચના સમય કરતાં એક-બે કે એથીયે વધારે શતાબ્દીઓ પછીની છે. બીજા શબ્દોમાં કહીએ તો કૃતિના રચનાસમય અને એની મળતી હસ્તપ્રતોના પ્રતિલિપિસમય વચ્ચે ઘણુંખરું ઠીકઠીક અંતર રહેલું છે. સાથે વ્યાકરણસ્થાપિત ધોરણ અને શિષ્ટરૂઢ સ્વરૂપની અસ્પષ્ટતાને લીધે સાહિત્યમાં પ્રયુક્ત ભાષા પણ બોલચાલની ભાષામાં થયે જતા ફેરફારોનું વધતેઓછે અંશે પ્રતિબિંબ પાડતી રહેતી. કૃતિ જેમ લોકપ્રિય તેમ આ મર્યાદા એને વધુ લાગુ પડે. ત્રીજી બાજુ, લેખનપદ્ધતિ માટે ધોરણ નિશ્ચિત ન થયું હોવાથી, સૂક્ષ્મપણે બદલાયે જતા ઉચ્ચારણને વ્યક્ત કરવાના અધકચરા પ્રયત્નોને કારણે જબરી ગરબડ ઊભી થઈ હતી, આથી લહિયાને હાથે જાણતાંઅજાણતાં પ્રતિલિપિપ્રાપ્ત કૃતિની ભાષાને પોતાની બોલીનો પાસ અપાતો ને
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy