________________
સાગરમાંથી ગાગર...
આચાર્ય વિજય હેમચન્દ્રસૂરિ.
આર્યરક્ષિતસૂરિજી મહારાજે વિદ્વત્તાના અભિમાનવાળા પોતાના એક પ્રશિષ્યનું અભિમાન ઉતારવા તેમની પાસે શેરીમાં રહેલ ધૂળમાંથી એક ખોબો ભરીને ધૂળ મંગાવી. તેઓ લાવ્યા. તેને એક સ્થાને મૂકાવી. પછી તેમની પાસે તે ઢગલીને ઉપડાવીને અન્ય ઠેકાણે મૂકાવી. ત્યાંથી ફરી તેમની પાસે તે ઢગલી ઊંચકાવી અન્ય ઠેકાણે મૂકાવી. આમ તેમણે તેમની પાસે પંદર વાર ઢગલી ઉપડાવી અને અન્ય અન્ય ઠેકાણે મૂકાવી. દરેક વખતે ઢગલીની રેતી ઓછી થતી હતી. પંદરમી ઢગલીમાં તો બહુ જ ઓછી રેતી હતી. પછી સૂરિજીએ પ્રશિષ્યને સમજાવ્યું - ‘તીર્થંકરપ્રભુનું કેવળજ્ઞાન શેરીની ધૂળ જેવું વિશાળ અને અગાધ છે. પ્રભુ પાસેથી ત્રિપદી પામીને ગણધર ભગવંતોએ દ્વાદશાંગીની રચના કરી. તેમનું આ જ્ઞાન પહેલી ઢગલીની ધૂળ જેવું પરિમિત છે. પછી પછીની ઢગલીઓમાં જેમ ધૂળ ઘટતી ગઈ તેમ પરંપરામાં થયેલ મહાપુરુષોનું જ્ઞાન ઘટતું ગયું. પંદરમી ઢગલીમાં જેમ એકદમ થોડી ધૂળ રહી તેમ આપણુ જ્ઞાન સાવ અલ્પ છે. તીર્થંકરો અને ગણધરોના જ્ઞાન પાસે એ કોઈ વિસાતમાં નથી. વળી જ્ઞાનથી દોષોને ઓળખી તેમને દૂર કરવાના છે. જો તે જ જ્ઞાનથી અભિમાન થતું હોય તો દોષો ઘટવાને બદલે વધ્યા. વૃક્ષ પર જેમ જેમ ફળ આવે છે તેમ તેમ તે નીચું નમે છે. તેમ જેમ જેમ આત્મામાં જ્ઞાન આવે તેમ તેમ તે નમ્ર બનવો જોઈએ. માટે જ્ઞાનનું અભિમાન કરવું નહીં.’