SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્યપુરુષની મહત્તાના શિખર પર કલશ સમું છે. શકટાલ જેવા મગધ સામ્રાજ્યના સર્વસત્તાધીશ ભવ્ય પુરુષનું સ્વેચ્છાએ આત્મવિસર્જન, તેના અંગેનો શકટાલ તથા શ્રીયક પિતા-પુત્રનો તેજસ્વી સંવાદ, શકટાલની સ્મશાનયાત્રા, સ્થૂલિભદ્રજીના કોમળ હૃદયમાં લાગેલી ચોટ, સ્થૂલિભદ્રનું આત્મનિરીક્ષણ વગેરે પ્રસંગો એક પછી એક ક્રમશઃ એવા આલેખાયા છે કે લેખકને દાદ આપવાનું મન થયા વિના રહે નહિ. અદ્ભુત શૈલીમાં વર્ણવાયેલ પ્રસંગો વાંચતા આત્મા તેમાં તઘકાર બની જાય છે. નવલકથામાં જૈન ધર્મના સિદ્ધાંતોનો જે રીતે પ્રચાર-પ્રસાર કરાયો છે તે ખરેખર અભિનંદનીય છે. ભોગ ગમે તેટલા ભોગવીએ છતાં તેનાથી તૃપ્તિ થવાની નથી, નથી અને નથી એ બાબતને સ્પષ્ટતાપૂર્વક, દાખલા દલીલો સાથે સ્થૂલિભદ્રજીના પાત્ર દ્વારા ખૂબ સુંદર રીતે રજૂ કરવામાં આવી છે. વળી એક એક પાત્રના પહેરવેશનું, આભૂષણોનું, પુરુષોના શસ્ત્ર આદિનું જે રીતે વર્ણન કરવામાં આવ્યું છે તે ખરેખર અકલ્પનીય છે. રાજનર્તકી, રાજવી સ્ત્રીઓ વગેરેના વસ્ત્રોના વર્ણનમાં જે ઝીણવટપૂર્વક કામ થયું છે અને તેને વર્ણવાયા છે તે ખરેખર કાબિલે દાદ છે. નગરીના જુદાજુદા વિભાગોનું વર્ણન, રાજમહેલનું વર્ણન, જુદાજુદા વસવાટો નગરીના જુદાજુદા ભાગમાં હોય તેનું વર્ણન વાંચતા વાંચતા જાણે વાંચક પોતે જ એ નગરીમાં વિહરી રહ્યો હોય એવું હૂબહૂ વર્ણન કરાયું છે. રૂપકોશાની માતા સુનંદા એક નર્તકી હોવા છતાં સંસ્કાર, ચારિત્ર, તેજસ્વિતા, બુદ્ધિ, ચાતુર્ય, સ્ત્રીઓની ૬૪ કલામાં પ્રાવિણ્ય, પ્રેમ અને પુત્રી પ્રત્યેની લાગણીમાં કોઈપણ સારા ઘરની કુળવધૂને પણ પરાસ્ત કરી શકે તેવી છે. તેણે રૂપકોશાના ઉછેરમાં, તેનામાં રીતિ-નીતિનું આરોપણ કરવામાં, સંસ્કારોનું સીંચન કરવામાં, ભારતીય સંસ્કૃતિની એક નખશિખ સુંદર કલાકૃતિનું, જીવતી જાગતી સાધનામૂર્તિનું ઘડતર કરવામાં જે કૌશલ્ય દાખવ્યું છે તે અદ્ભુત છે. નર્તકી હોવા છતાં ક્યાંયે વિલાસિતા, અભદ્રતા, ઉછાંછળાપણું, સ્વેચ્છાચાર કે સ્વચ્છંદતાનો એક છાંટો જોવા મળતો નથી. એ જ શ્રી ધામીની કલમનું અદ્ભુત કૌશલ્ય બતાવે છે. આજે જૈન અને જૈનેતર લેખકો જૈન ઇતિહાસના સુવર્ણ પાત્રોને નવલકથાની શૈલીએ આલેખતા જે પ્રકારે કલ્પનાના વિકૃત રંગો ચઢાવી, ઇતિહાસને તથા તેના પ્રસિદ્ધ પાત્રોના વ્યક્તિત્વને જાણ્યે-અજાણ્યે અન્યાય કરી પોતાની કળાને કલંકિત કરી રહ્યા છે તેવા લેખકોએ ધામીજીની નવલકથાઓ વાંચીને તેમાંથી પ્રેરણા લેવા જેવી છે. શૃંગા૨૨સ હોવા છતાં ક્યાંય બેહૂદાપણું નહિ, અશ્લીલતા નહિ, કલ્પનાશીલ પ્રસંગો હોવા છતાં ક્યાંય ઇતિહાસ સાથે તડજોડ નહિ, પાત્રને અનુરૂપ બીજા પાત્રોને જોડી વાર્તાને કેવી રીતે લંબાવવી અને છતાંય ક્યાંય કંટાળો ન આવે તે રીતે રસસભર વર્ણન કરી વાંચકોને જકડી રાખવાની કલામાં ધામીજીનું પારંગતપણું દેખાઈ આવે છે, એટલે જ તેમણે રચેલી નવલકથાઓને જબ્બર લોકપ્રતિસાદ મળ્યો છે. તેમની દરેક નવલકથા લોકપ્રિય અને લોકભોગ્ય બની છે તેનું શ્રેય તેમની અદ્ભુત લેખનકલાને ફાળે જાય છે. સુપ્રસિદ્ધ નવલકથાકાર શ્રી મોહનલાલ ચુ. ધામી - ૧૫૫
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy