________________
દુર્લભ એવો મનુષ્યદેહ
૬૪૩
દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં.
પરમકૃપાળુદેવે બહુ અગત્યની વાત કરી છે કે અનેક વાર આપણને મનુષ્યભવ તો મળ્યો. એ અનંત ભવમાં અનંતવાર જ્ઞાનીઓનો યોગ પણ થયો. બહારમાં તપ-ત્યાગ અને શાસ્ત્રજ્ઞાન પણ ખૂબ કર્યા. ધર્મની ક્રિયાઓ પણ ઘણી કરી. “યમ-નિયમ” માં બતાવ્યું છે કે ઘણી સાધના કરી છતાં આત્માની પ્રાપ્તિ ન થઈ. આત્માની પ્રાપ્તિ ન થાય તો મનુષ્યભવ સફળ કહેવાય નહીં. સફળતા રત્નત્રયની અભેદતાના કારણે છે. આપણે બોલીએ છીએ કે,
સફળ થયો ભવ મારો તો કૃપાળુદેવ, પામી શરણ તમારું હો કૃપાળુદેવ. સમ્યક્દર્શન જ્ઞાન રમણતા, ત્રિવિધ કર્મની ટાળી મમતા;
સહજાનંદ કર્યું પ્યારું હો કૃપાળુદેવ. સફળ. રત્નત્રયની અભેદતા જેને પ્રગટ થાય તેનો મનુષ્યભવ સફળ થયો કહેવાય; બાકીના ગમે તેટલા મોટા ધર્માત્મા કહેવાતા હોય, પણ જો તેમણે સમ્યગદર્શન પ્રાપ્ત નથી કર્યું તો તેમનો ભવ નિષ્ફળ કહેવાય. કેમ કે, એમના ભવની પરંપરાનો અંત આવ્યો નહીં. ભવની પરંપરાનો અંત આવે તો મનુષ્યભવ સફળ થાય. મનુષ્યદેહ કેવો છે? તો કહે દુર્લભ. ખરેખર, દુર્લભ જ છે. કારણ કે, ચાર ગતિમાં સૌથી ઓછી સંખ્યા મનુષ્યની છે અને સંયમની આરાધના, ધ્યાન, તપશ્ચર્યા, પરમ અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન આ બધા જ્ઞાન મનુષ્યભવ વગર કોઈને પ્રાપ્ત થતા નથી. સંયમનું ધારણ મનુષ્યભવ વગર થઈ શકતું નથી.
રત્નત્રયની અભેદતા પ્રાપ્ત થવી એ કઠિન છે. માટે મનુષ્યભવની દુર્લભતા છે. તો આવો મનુષ્યભવ આપણને અનંતવાર મળ્યો. અનંતવાર આપણે સાધુ થયા, અનેક પ્રકારની ધર્મની ક્રિયાઓ કરી તો પણ સફળપણું ન થયું. આ ભવનો વિચાર કરો તો આ ભવમાં પણ જયાં સુધી આત્માનો અનુભવ ન થાય ત્યાં સુધી એ મનુષ્યભવ સફળ કહેવાય નહીં. ભલે આત્મજ્ઞાનનું બીજ વાવીને જાઓ તોય ઘણું છે. હવે આ ભવ નિષ્ફળ ન જાય એ જાગૃતિ આપણે રાખવાની છે.
વારંવાર બોલવાથી નિષ્ફળપણું મટી જતું નથી, કામ કરવાથી નિષ્ફળપણું મટે છે. વારંવાર બોલી જઈએ, સાંભળી જઈએ, વાંચી જઈએ અને બીજાને કહી દઈએ, એના વિશે લખી નાખીએ, ગમે તે કરીએ, પણ સફળતા તો ગ્રંથિભેદ વગર શક્ય નથી. ચોર્યાસી