SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તિના વીસ દોહરા ૪૩ આ કાળમાં ક્યાં છે ભાઈ ! એમની રાહ જોવામાં તારો અમૂલ્ય મનુષ્યભવ જતો રહેશે અને જ્યારે બીજો મનુષ્યભવ કરોડો, અબજો વર્ષે આવશે ત્યારે પાછું આવું ને આવું જ રહેવાનું. કારણ કે પૂર્વે અનંતી વા૨ પ્રબળ નિમિત્ત મળ્યા તોય કામ ના કર્યું તો અત્યારે તું શું કામ કરીશ? વળી, તારું પુણ્ય પણ એવું નથી કે તને પરમકૃપાળુદેવ જેવા મળી જાય. જ્યાં છે ત્યાંથી આગળ વધ એટલે આગળની ભૂમિકાવાળા પુરુષો તને મળતા જશે. પરમકૃપાળુદેવ પત્રાંક-૨૪૧ માં જણાવે છે, જેને લાગી છે તેને જ લાગી છે અને તેણે જ જાણી છે; તે જ “પિયુ પિયુ” પોકારે છે. એ બ્રાહ્મી વેદના કહી કેમ જાય ? કે જ્યાં વાણીનો પ્રવેશ નથી. વધારે શું કહેવું ? લાગી છે તેને જ લાગી છે. તેના જ ચરણસંગથી લાગે છે; અને લાગે છે ત્યારે જ છૂટકો હોય છે. એ વિના બીજો સુગમ મોક્ષમાર્ગ છે જ નહીં. તથાપિ કોઈ પ્રયત્ન કરતું નથી ! મોહ બળવાન છે ! સત્સંગ સાંભળો છો, સરસ વાતાવરણ છે, એકાંત છે, શાંતિ છે, બીજા કોઈ કામ કરવાના નથી, પણ જો પેટમાં ગરબડ હોય તો તમે બધુંય મૂકીને પહેલા એ કામ પતાવી આવશો. કેમ કે, લાગી છે તેમ આત્માને પ્રાપ્ત કરવાની ઝંખના લાગે તો બધાય કાર્યોને સાપેક્ષપણે ગૌણ કરીને એ પોતાનું કાર્ય કરી લે છે. તો, સાધક જીવ આ દોહરામાં પ્રભુને પ્રાર્થના કરે છે કે હજુ મને આત્માને પ્રાપ્ત કરવાની અચળ આસક્તિ થઈ નથી. એવી આસક્તિ થાય એ માટે હે પ્રભુ ! હું આપને પ્રાર્થના કરું છું. મારામાં એવી યોગ્યતા આવે એવું મને બળ આપો. નહીં વિરહનો તાપ; કૃપાળુદેવે પ્રભુશ્રીને લખ્યું હતું કે વિરહમાં પણ કલ્યાણ છે. કેમકે, વિરહમાં સત્પુરુષ વિશેષ સાંભરે છે અને એમના પ્રત્યેનો પ્રેમ વર્ધમાન થાય તો ઘણો હિતકારી છે. એવો વિરહાગ્નિ લાગવો જોઈએ. જેનો સતત મેળાપ છે, તેનો વિરહ નથી, તેનું સ્મરણ નથી, તેનું વિસ્મરણ થાય છે અને વિરહમાં સ્મરણ થાય છે. તો, સત્પુરુષને અને આત્માને પ્રાપ્ત કરવાનો તીવ્ર વિરહ રહેવો જોઈએ. વિરહ વેદાવો જોઈએ. વિરહમાં પણ કલ્યાણ છે. ગૌતમસ્વામીને મહાવીરસ્વામીનો વિરહ પડ્યો તો એ વિરહ કેવળજ્ઞાનનું કારણ થયો. તેઓ વિરહમાં ને વિરહમાં બોલ્યા કે હે મહાવીર ! તમે મને સાથે તો ન લીધો, પરંતુ સંભાર્યોયે નહીં. આમ કરવું તમને છાજતું નહોતું. પછી ઉપયોગ તરત જ પાછો ફર્યો કે ઓહો ! એ તો વીતરાગ, સર્વજ્ઞ ભગવાન !
SR No.023251
Book TitleDhyey Siddhi
Original Sutra AuthorN/A
AuthorGokulbhai C Shah
PublisherSahajatmaswarup Paramguru Trust
Publication Year
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy