________________
પર૧
છ પદનો પત્ર કર્મનું ટળવાપણું પણ છે. જીવ કર્મ બાંધ-બાંધ જ કરે અને છોડી શકાય જ નહીં તો કોઈનો મોક્ષ થાય નહીં, પણ એવું નથી. કેમ કે, જે ભાવથી કર્મ બંધાય છે એ સાંયોગિક ભાવ છે, નૈમિત્તિક ભાવ છે. નૈમિત્તિક ભાવોથી જીવ બંધાય છે અને અનૈમિત્તિક ભાવોથી જીવ છૂટે છે.
જે જે કારણ બંધનાં, તેહ બંધનો પંથ; તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૯૯ જે બંધના કારણો છે એ બંધના કારણોને જે છેદે એવા ભાવ કરવાના છે. મિથ્યાત્વની સામે સમ્યક્ત્વ, અવિરતિની સામે વિરતિ, કષાયની સામે વીતરાગતા (અકષાયભાવ) અને યોગના સામે અયોગ. કષાયમાં પ્રમાદ આવી જાય છે એટલે આપણે ચાર લીધા.
મિથ્યાત્વ સામે સમ્યકૃત્વ સહિતનો પુરુષાર્થ હશે, અવિરતિના બદલે વિરતિપણામાં રહી અને પુરુષાર્થ હશે; (બાહ્ય વિરતિ અને અત્યંતર વિરતિ બેય) તો કર્મો એના કરતા વધારે રોકાશે અને નિર્જરા થશે. જેટલા જેટલા કષાયનો અભાવ-અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલન - સંજવલનનો અભાવ તો સીધો મોક્ષ અને કષાયનો અભાવ થયા પછી જે યોગ ક્રિયા છે એ યોગની ક્રિયા પણ અયોગમાં આવી જાય. યોગની ક્રિયાનું પણ રૂંધન થઈ જાય ત્યારે અ, ઇ, ઉ, ઝ, પાંચ હૃસ્વ સ્વર કહીએ એટલી વારમાં સંપૂર્ણ નિરાવરણ થઈ અયોગી ગુણસ્થાનકમાંથી આગળ જઈ સીધો સિદ્ધલોકમાં સિદ્ધ અવસ્થામાં બિરાજમાન થઈ જાય છે.
જ્ઞાની કહે છે કે ગભરાશો નહીં, રસ્તો છે. કર્મ ટળી શકે છે. ભૂલથી થયા છે, અજ્ઞાનથી થયા છે અને ભૂલ ટાળવાથી મટે છે. - કર્મ બાપડે કૌન? ભૂલ મેરી અધિકાઈ;
અગ્નિ સહે ઘનઘાત, લોહે કી સંગતિ પાઈ. જેમ અગ્નિ છે એ લોઢાની સંગત કરે છે તો એને ઘણના ઘા ખમવા પડે છે, એમ આત્મા શુભાશુભ ભાવોનો સંગ કરે છે એટલે એને કર્મોનો માર ખાવો પડે છે. બાકી એ બિચારા તો એમને એમ આવીને ચોંટ્યા નથી. મેં ભૂલ કરી છે ત્યારે એ આવીને ચોંટ્યા છે. માટે વાંક અમારો છે, અમારા અશુદ્ધ ઉપયોગનો છે, અમે જે કષાયભાવે પરિણમ્યા એનો છે. કષાયભાવથી બંધ પડે છે અને અપાયભાવથી કર્મ ટળે છે. કષાયથી સ્થિતિ અને અનુભાગનો બંધ પડે છે.