________________
૫૧૮
છ પદનો પત્ર
થાય છે. તો કયા ભાવથી સંસાર થાય છે ? શુભાશુભ ભાવથી સંસાર થાય છે અથવા વિભાવભાવથી સંસાર થાય છે. તો ક્યા ભાવથી મોક્ષ થાય છે? વીતરાગભાવથી, જ્ઞાનભાવથી મોક્ષ થાય છે.
વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૯૦ બંધના કારણો પાંચ છે. - મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. મિથ્યાત્વ એટલે અજ્ઞાન તે તથા અવિરતિ અને કષાય જાય એટલે રાગ, દ્વેષ અને અજ્ઞાન ગયા. એનું નામ મોક્ષ છે. આત્માની શુદ્ધ અવસ્થા પ્રગટ થવી અથવા નિરાવરણ થવું એનું નામ મોક્ષ.
ચાર ઘાતી કર્મથી છૂટે તો ભાવમોક્ષ છે અને આઠે કર્મથી છૂટે તો દ્રવ્યમોક્ષ છે. માટે “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા.” આત્માની શુદ્ધતા પ્રગટ થાય એનું નામ મોક્ષ છે. આત્માની શુદ્ધતા શેમાં પ્રગટ થવાની છે? આત્માની અવસ્થામાં. આત્માની શુદ્ધ અવસ્થા પ્રગટ થવી એનું નામ મોક્ષ છે. અત્યારે સમયે સમયે અશુદ્ધ અવસ્થા ચાલે છે. એ અશુદ્ધ અવસ્થા મટી જાય, ચાર ઘનઘાતી કર્મો છેદાઈ જાય અને અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતઆનંદ, અનંતવીર્ય - આ અનંત ચતુષ્ટય પ્રગટ થાય એવી નિજ શુદ્ધ દશાને મોક્ષ કહેવામાં આવે છે અને સંપૂર્ણ મોક્ષ થાય છે ત્યાર પછી દેહનો, કર્મનો કે વિભાવોનો સંયોગ રહેતો નથી.
એક પરમાણુમાત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ, અમૂર્ત સહજાદરૂપ જો. અપૂર્વ. ૧૮
- શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક – ૭૩૮ - “અપૂર્વ અવસર' આ મોક્ષની વ્યાખ્યા. જેમ વ્યવહારથી જીવનું કર્મનું કર્તાપણું અને ભોક્તાપણું નિરૂપણ કર્યું એમ નિશ્ચયથી કર્મનું ટળવાપણું પણ છે. જો જીવ કર્મ બાંધ – બાંધ જ કરે અને ભોગવ - ભોગવ જ કરે અને તેથી નિવર્તન થઈ શકે જ નહીં તો તો કોઈનો મોક્ષ થાય નહીં. એવું નથી કે દરેક જીવ કાયમ માટે કર્મ બાંધ્યા જ કરે અને ભોગવ્યા જ કરે.