SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૧ છ પદનો પત્ર રહ્યો છે. ત્યારે ઘડામાં નિમિત્ત તરીકે કોઈ છે? કુંભારનો યોગ-ઉપયોગ છે. એનો યોગ એટલે મન-વચન-કાયાની ક્રિયા અને ઉપયોગ એટલે અશુદ્ધ ઉપયોગ. ઘડો થવામાં અશુદ્ધ ઉપયોગ નિમિત્ત થયો છે, આત્મા નથી થયો. આત્મા તો એમ ને એમ બેઠો છે, પણ અશુદ્ધ ઉપયોગમાં આ બધી ક્રિયા ચાલે છે અને શુદ્ધ ઉપયોગમાં જ્ઞાનક્રિયા ચાલે છે. જો શુદ્ધ ઉપયોગમાં આવે તો આ ઘડો બનાવવાનો વિકલ્પ આવતો નથી. શુદ્ધ ઉપયોગમાં કેમ નથી? અને ઘડો બનાવવાનો વિકલ્પ કેમ આવ્યો ? એ પ્રકારના કર્મનો ઉદય આવ્યો છે અને એમાં એ જોડાયો છે. એ પ્રકારનો ઉદય કેમ આવ્યો? આગળ અજ્ઞાન અને રાગ, દ્વેષના ભાવ કર્યા હતા એનો જે બંધ પડ્યો હતો, એનો જે ઉદય આવ્યો એમાં એ જોડાયો એટલે આવ્યો છે. આમ, અનાદિની આ પરંપરા ચાલી આવી છે. મૂળ દ્રવ્યનો કર્તા આત્મા નથી. મૂળ દ્રવ્ય એટલે કે માટીના પિંડથી ઘડો બન્યો છે એ માટીના પરમાણુ કાંઈ આત્માએ બનાવ્યા નથી. માટીના પરમાણુ જેમ આત્માએ બનાવ્યા નથી એમ ઘડો પણ આત્માએ બનાવ્યો નથી. બેય વખતે વાત એટલી સત્ય છે. એ જે પાછળ તેની દશા કહી તેને જૈનદર્શન કર્મ કહે છે અને વેદાંતદર્શન ભ્રાંતિ કહે છે. વાસ્તવ્ય વિચાર કર્યોથી આત્મા ઘટ-પટ આદિ તથા ક્રોધાદિનો કર્તા થઈ શકતો નથી. માત્ર નિજસ્વરૂપ એવા જ્ઞાન પરિણામનો જ કર્તા છે એમ સ્પષ્ટ જણાય છે. હવે વાસ્તવ્ય વિચાર કર્યેથી એટલે પરમાર્થથી સ્વભાવ પરિણતિએ આત્મા નિજસ્વરૂપનો કર્તા છે એ વાત આવે છે, જે શરૂઆતમાં પહેલી આવી એ વાત હવે છેલ્લી કહે છે. પરમશુદ્ધ નિશ્ચયનયથી જો વિચાર કરીએ તો આત્મા ઘટ-પટ આદિ કે ક્રોધાદિનો કર્તા થઈ શકતો નથી. કેમ કે, એ વ્યવહારથી છે, પરમાર્થથી નથી. માટે પરમાર્થથી, નિશ્ચયથી આત્મા ઘટ-પટ આદિ કે ક્રોધાદિનો કર્તા થઈ શકતો નથી, માત્ર નિજસ્વરૂપ એવા જ્ઞાન પરિણામનો જ કર્તા છે એમ સ્પષ્ટ સમજાય છે. માત્ર શબ્દ વાપર્યો છે. આત્મા માત્ર નિજસ્વરૂપ એવા જ્ઞાન પરિણામનો જ કર્તા છે, બીજાનો કર્તા નથી. અજ્ઞાની પણ અજ્ઞાનભાવ વખતે તો જ્ઞાનભાવનો જ કર્તા છે, પણ અજ્ઞાન વખતે એને એ ભાન નથી એટલે એ માને છે કે હું આનો કર્તા છું. અજ્ઞાની હોય કે જ્ઞાની હોય આત્મા તો બન્ને છે. બન્ને પરમાર્થથી તો જ્ઞાનના જ કર્તા છે પણ જ્ઞાની પોતે જ્ઞાનના કર્તા છે એમ સ્વીકારે છે અને અજ્ઞાની અજ્ઞાનતાના કારણે સ્વીકારતો નથી. નથી સ્વીકારતો એટલે એ કાંઈ કર્તા થઈ જતો નથી. અજ્ઞાની કહે છે કે ઘડાનો કર્તા હું છું, એટલે એ કાંઈ ઘડાનો કર્તા થઈ ગયો નથી. પણ એવી એની માન્યતા છે અને એ માન્યતાનો ત્યાગ કરવો એનું નામ જ જ્ઞાન છે.
SR No.023251
Book TitleDhyey Siddhi
Original Sutra AuthorN/A
AuthorGokulbhai C Shah
PublisherSahajatmaswarup Paramguru Trust
Publication Year
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy