________________
૪૬૮
છ પદનો પત્ર
એમ ના થાય. આ તો વિજ્ઞાનનો સિદ્ધાંત છે. તમારા આત્મા ભેગા થાય એના કરતા સિદ્ધ ભગવાનના પહેલા થાય, જો થવાના હોત તો. કેમ કે, સિદ્ધ ભગવાનની એક અવગાહનામાં અનંતા આત્મા રહ્યા છે.
એક સોયની અણી ઉપર રહે એટલા કંદમૂળમાં અનંતા આત્માઓ છે. તમે તો આખા દેહમાં પથારો પાથરીને બેઠા છો. જો એ બધા ભેગા થઈ શકતા હોય તો ભેગા થઈ જાય. એમ ભેગા થતા થતા બધા આત્માનો નાશ થવાનો વખત આવે. કેમ કે, તમે મારા ભેગા મળી જાઓ તો તમારા અસ્તિત્વનો નાશ થઈ જાય. હું બીજામાં મળી જાઉં એટલે મારા અસ્તિત્વનો નાશ થઈ જાય. એમ કરતા કરતા ક્રમે કરીને બધાના અસ્તિત્વના નાશનો પ્રસંગ આવે. માટે, આત્માની કોઈ દિવસ સંયોગ દ્વારા ઉત્પત્તિ થઈ શકતી નથી. બે દ્રવ્ય મળીને એકરૂપે થઈ શકતા નથી. દરેકે દરેક દ્રવ્યનું અસ્તિત્વ સ્વતંત્ર છે. દરેક દ્રવ્ય પોતે પોતાના પ્રદેશમાં પોતાના સ્વરૂપથી ટકીને રહે છે. એ અન્ય રૂપે થઈ જાય એવું બનવાનું નથી. એટલે હવે આપણી જવાબદારી આપણા માથે આવી. આપણું કામ કોઈ કરી દે એમ નથી કે આપણું કામ કોઈ બગાડી દે એમ પણ નથી. આપણું કામ બગાડીએ છીએ તો આપણા રાગ, દ્વેષ અને અજ્ઞાનને આધીન થઈને બગાડીએ છીએ અને આપણું કામ થાય છે તો પણ આપણા જ્ઞાનભાવથી અને વીતરાગભાવથી થાય છે: એટલે કોઈ આપણું કામ બગાડી દેનાર નથી કે આપણું કામ સુધારી દેનાર પણ નથી.
બસ અહીં તો એક જ વાત છે કે ઉત્પન્ન નથી અને નાશ પણ નથી. માટે, કોઈપણ પદાર્થના નાશ થવાથી ગભરાશો નહીં. દ્રવ્યમરણથી ગભરાશો નહીં, પણ ભાવમરણથી ગભરાઓ. જ્ઞાનીપુરુષો ભાવમરણથી ગભરાય છે, દ્રવ્યમરણથી ગભરાતા નથી. કેમ કે, ભાવમરણ એ દ્રવ્યમરણનું કારણ થાય છે માટે ? જો ભાવમરણ અટકી જશે તો દ્રવ્યમરણ પણ અટકી જવાનું. આ સંયોગવિયોગની અવસ્થાઓ પણ નહીં રહે. દેહના સંયોગ-વિયોગ પણ ભાવમરણના કારણે થાય છે. જીવ વિભાવરૂપે પરિણમે છે. એટલે તેને આ દેહની પ્રાપ્તિ થાય છે. તે બદ્ધ નોકર્મ છે. નોકર્મની ઉત્પત્તિ થવાનું મૂળ કારણ પણ વિભાવ છે. વિભાવ ઉપ૨ જેણે કંટ્રોલ કરી નાખ્યો અને વિભાવના જ નાશનો, ભાવમરણના નાશનો પ્રયત્ન જેણે કર્યો તેના અનંતકાળના અસમાધિમરણ (દ્રવ્યમરણ) ટળી જાય છે. પાંચ પંદર ભવમાં એ જીવ મોક્ષે જતો રહે છે. પછી દેહ ધારણ કરવાનો રહેતો નથી. એટલે દેહના નાશનો પ્રસંગ પણ આવતો નથી.