________________
ક્ષમાપના
૩૯૯
વિષયોનો આનંદ તો વિષ કરતાં ય મહાભયાનક છે. જ્ઞાનીઓને એમાં મહાદુઃખ દેખાય છે. શ્રી બુદ્ધિસાગરજી મહારાજે કહ્યું છે,
વિષયારસ વિષ સરિખો લાગે, ચેન પડે નહીં સંસારે; જીવન મરણ પણ સરખું લાગે, આતમપદ ચિન્હ ત્યારે. અલખ નિરંજન આતમજયોતિ, સંતો તેનું ધ્યાન ધરો;
આ રે કાયા ઘર આતમ હીરો, ભૂલી ગયા ભવમાંહી ફિરો. તો ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય, બ્રહ્મચર્યમાં જ આનંદ અને શાંતિ છે.
એક વખત આચાર્ય શ્રી શાંતિસાગરજી મહારાજ સામાયિકમાં બેઠા હતા. તે સમયે એમના દ્વેષી લોકોએ એમના ઉપર ઉપસર્ગ કર્યો. ખૂબ માર્યા, પીટ્યા, ગમે તેમ બોલ્યા, ઘણું દુઃખ આપ્યું. એટલે શ્રાવકો પોલીસને બોલાવી લાવ્યા. પોલીસે આવીને બધાને પકડ્યા અને ઈન્સપેક્ટરે આચાર્ય મહારાજને કહ્યું કે તમે નિર્દોષ છો એ અમે સમજીએ છીએ. તમે તો મહાન આચાર્યછો. તમે તો ધ્યાનમાં બેઠેલા. તમે આ લોકો પ્રત્યે કોઈ ગુનો પણ કર્યો નથી, છતાં તેમણે તમને આવી રીતે હેરાન કર્યા છે, એટલે તેઓ સજાને પાત્ર છે. હવે, અમે એમને સજા કરવાના જ છીએ, પણ તમે કહો એવી સજા કરીએ. મહારાજશ્રીએ કહ્યું કે હું કહું એવી સજા કરશો? તો ઈન્સપેક્ટરે હા કહી, એટલે આચાર્યશ્રીએ કહ્યું કે એમને ક્ષમા આપીને છોડી દો. ઈન્સપેક્ટરે આશ્ચર્યસહિત પૂછ્યું કે અરે ! તમને આટલા બધા હેરાન કર્યા છે ને! આચાર્યશ્રીએ જવાબ આપ્યો, એમનો એવો ઉદય હતો કે એ કષાયના આવેગમાં આવી ગયા અને મારો પણ સામે એવો જ ઉદય હતો, તેઓ ફક્ત નિમિત્ત બન્યા છે. એમણે મને કોઈ નુક્સાન કર્યું નથી. એમાં મારા પરિણામ બગડ્યા હોત તો મને નુક્સાન થાત, પણ મારા પરિણામ બગડ્યા નથી, તો મને કોઈ નુક્સાન થયું નથી. તમે તેને છોડશો તો જ મને શાંતિ થશે, નહીં તો મને દુઃખ થશે. જુઓ ! આ સંતપુરુષો કેવા હોય છે ! આ સત્ય ઘટના છે. આ ઉદાહરણ વાંચીને મારી આંખમાં આંસુ આવી ગયા કે અહો ! આવું ક્ષમાનું માહાભ્ય છે પ્રભુ! આ કાળનું આ ઉદાહરણ છે. ચોથા આરાની વાત નથી. આટલું તો અપૂર્ણ દશામાં ક્વચિત્ જ હોય.
વેરથી વેર શમે નહીં જગમાં, પ્રેમથી પ્રેમ વધે જીવનમાં, એવા પ્રેમધર્મનો પરિચય પામી, નાગ રહ્યો શિરનામી.
મહાભયંકર એ મારગમાં વિચરે મહાવીર સ્વામી.