________________
ભક્તિના વીસ દોહરા
કરશો ક્ષય કેવળ રાગ કથા, ધરશો શુભ તત્ત્વસ્વરૂપ યથા; નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો, ભજીને ભગવંત ભવંત લો.
– શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૧૫ બસ, આ જગતના પદાર્થો પ્રત્યેનો જે રાગ છે એ બધોય રાગ પરમાત્મામાં ટ્રાન્સફર કરો. જેવો દેહ, સ્ત્રી, પુત્રોમાં, જગતના પદાર્થોમાં રાગ છે એવો પ્રેમ ભગવાનમાં કરો, તો તમારો સંપૂર્ણ રાગ નાશ થઈ તમે વીતરાગ બનશો. વીતરાગી થવા ભગવાનમાં રાગ કરો. એ ભગવાનમાં કરેલો રાગ વીતરાગતામાં ટ્રાન્સફર થઈ જાય છે અને સંસારી પદાર્થમાં કરેલો રાગ એ આર્તધ્યાન, રૌદ્રધ્યાનમાં ટ્રાન્સફર થાય છે. પરમકૃપાળુદેવે કહ્યું છે કે રાગ કરવો નહીં અને કરવો તો પુરુષમાં કરવો. આમ તો ક્યાંય કરવા જેવો નથી, પણ એવી દશા સંસારી જીવોની નથી હોતી કે રાગ કર્યા વગર રહી શકે. માટે એમણે બતાવ્યું કે પહેલાં તમે સગુરુમાં રાગ કરો, પછી એ રાગ વીતરાગતામાં ટ્રાન્સફર થઈ જશે.
જૂઠાભાઈએ પરમકૃપાળુદેવને લખ્યું હતું કે મને તમારું એક ક્ષણ વિસ્મરણ થતું નથી. તમારા પ્રત્યે બહુ રાગ રહે છે. તમે બહુ સાંભરી આવો છો. હવે હું તમારાથી એક મિનિટ પણ અળગો રહી શકું એમ નથી. ત્યારે પરમકૃપાળુદેવે કહ્યું હતું કે તમે મારા પ્રત્યે રાગ કરો કે ન કરો એ તમારે જોવાનું છે, પણ મને તમારા પ્રત્યે જરીયે રાગ નથી. મને કોઈના પણ પ્રત્યે રાગ કરવાની કોઈ ભાવના થતી નથી. હવે આવું હોય? ભક્ત ભગવાનમાં રાગ કરે અને ભગવાન ભક્તને કહે કે મને તમારામાં જરાય રાગ નથી. જુઓ ! એ વીતરાગ છે અને વીતરાગ રહે તો જ ભક્તનું કલ્યાણ છે. ભક્ત ભગવાનમાં રાગ કરે એમાં તેનું કલ્યાણ છે, પણ ભગવાન વીતરાગ રહે એમાં ભગવાનનું તો કલ્યાણ થઈ ગયું છે, પણ એમાં ભક્તનું પણ કલ્યાણ સમાયેલું છે.
તો, આ પ્રમાણે ભક્ત ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન! હું અનાદિકાળથી અનેક પ્રકારના દોષો કરતો કરતો આ મનુષ્યભવમાં આવ્યો છું, હવે મારા ઉપર તમે કરુણા કરો, હું કરુણાનું પાત્ર છું. કેમ કે, હું તમારા શરણે આવ્યો છું. પાત્ર જીવ જ શરણે જાય છે. અહંકારી જીવ ભગવાનના શરણે જતો નથી. તો આ દોહરામાં પોતામાં દોષો હોવાની વાત કહી છે. હવે, ધીમે ધીમે પોતાના દોષોનું વર્ણન કરશે. આગળ બીજા દોહરામાં અન્ય દોષો બતાવે છે.