________________
૨૬૦
શું સાધન બાકી રહ્યું ? સિદ્ધિ માંગીએ ! એટલે બધા ઈન્કમટેક્સ ઓફિસરોને બાટલામાં ઉતારી દઉં. આ જીવે કંઈ બાકી નથી રાખ્યું માંગવામાં.
(૧૧) અનંત કાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે.
અનંતકાળ સુધી તમે તમારા સ્વચ્છેદે વર્તીને ગમે તેટલો પરિશ્રમ કરશો, પુરુષાર્થ કરશો તો પણ તમે તમારાથી જ્ઞાન પામી શકશો નહીં અને જ્ઞાની મળ્યા પછી તમે તમારાથી જ જ્ઞાન પામી શકશો, જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પ્રગટ કરી લે છે.
(૧૨) શાસ્ત્રમાં કહેલી આશાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે, મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ. આ બધા શાસ્ત્ર પરોક્ષ છે. એ કહેવા નથી આવવાના. શાસ્ત્રમાં લખ્યું છે કે ચા પીવાથી નુક્સાન થાય છે, માટે આ છોડવી જોઈએ; પણ શાસ્ત્ર આ છોડાવા આવવાના નથી અને જ્ઞાની હશે તો કહેશે કે ભાઈ ! આ મૂકી દે. એટલે જીવ તરત મૂકી દેશે ને કામ થઈ જશે. તો, પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞાથી અનેક પ્રકારના અપલક્ષણો છૂટી જાય છે અને પછી કલ્યાણ ના થાય એમ બને નહીં.
(૧૩) આ જ્ઞાનમાર્ગની શ્રેણી કહી એ, પામ્યા વિના બીજા માર્ગથી મોક્ષ નથી. (૧૪) એ ગુપ્ત તત્ત્વને જે આરાધે છે, તે પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે.
પ્રત્યક્ષ અમૃત એટલે આત્માનો અતીન્દ્રિય આનંદ. ભલે સંસાર ઘટે કે ના ઘટે એ તો ઉદયછે, પણ સંસારની આસક્તિ ઘટવી જોઈએ. ઉદય હોય તો ના પણ છૂટે, ભરત મહારાજાને ૮૩ લાખ વર્ષ સુધી સંસારમાં રહેવું પડ્યું હતું, પણ આસક્તિપૂર્વક નથી રહ્યા. છ ખંડની ગાદી ઉપર બેઠેલા, પણ સાહેબ ! એમ કેવી રીતે હોય? તો કહે તમારી દુકાનમાં મહેતાજી છે એને જુઓ. એ તમારા ચોપડા લખે છે, કોઈ ગ્રાહક આવે તો માલ બતાવે છે, વેચે છે, કોઈની ઉઘરાણી ના આવી હોય તો ઠપકારે છે કે બાર મહિના થયા, જૂના માલના પૈસા પહેલા આપી જા, પછી નવો માલ લઈ જા.
પણ એ પૈસા ના આવે ને પેઢી ડૂબી જાય તો શેઠ રડે, મહેતાજી રડે નહીં. કેમ કે, મહેતાજીને આસક્તિ નથી, છતાં એ વહીવટ કરે છે. વહીવટ કરવા જેવો તો છે જ નહીં, પણ જો કરવો પડે તો આસક્તિ વગર વહીવટ કરો.