________________
શું સાધન બાકી રહ્યું ?
૨૫૩
જેને જ્ઞાન પ્રાપ્ત કરવું છે તેને જ્ઞાનીનું માહાત્મ્ય આવે અને જેને પૈસા પ્રાપ્ત કરવા છે તેને મુકેશ અંબાણીનું માહાત્મ્ય આવે, તાતાનું માહાત્મ્ય આવે અને જેને રાજગાદીનું માહાત્મ્ય છે તેને મોદીના અથવા ટ્રમ્પ સાહેબના સપના આવે. તમે કોઈના ઘરમાં જશો તો તમને ખ્યાલ આવી જશે કે આ કેવી રુચિવાળો જીવ છે. એના ઘરમાં જો વિરાટ કોહલીનું ચિત્રપટ હોય તો સમજવું કે આ ક્રિકેટનો શોખીન છે. રાણાપ્રતાપનો ભાલાવાળો ફોટો હોય તો સમજવું કે આ શૂરવીરતાવાળો જીવ છે. દેવ-દેવીઓના ફોટા હોય તો સમજવું કે આ અજ્ઞાનીનો ભક્ત છે. પરમકૃપાળુદેવે કહ્યું છે.
દેવ-દેવીની તુષમાનતાને શું ઇચ્છો છો ? તુષમાનતા સત્પુરુષની ઇચ્છો.
દેવ-દેવી કદાચ તમારા પર તુષમાન થશે અને તમારા પુણ્યનો ઉદય હશે તો તે તમને ભૌતિક પદાર્થો કે ભૌતિક સુખ આપશે પણ મોક્ષ નહીં આપી શકે. જ્યારે સત્પુરુષ તમારા પર રીઝશે તો એ મોક્ષ આપશે. કારણ કે, તેઓ મોક્ષના દાતા છે. પરમકૃપાળુદેવે પત્રાંક - ૨૦૦ માં કહ્યું છે કે જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ, એ સ્વાભાવિક સમજાય છે, છતાં જીવ લોકલાદિ કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી, એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે. બહુ વિચારવા જેવું છે. આખો પત્ર બહુ સરસ છે તે વિચારીએ.
૧. જીવ પોતાને ભૂલી ગયો છે અને તેથી સત્સુખનો તેને વિયોગ છે, એમ સર્વ ધર્મ સમ્મત કહ્યું છે. બધા ધર્મવાળાને આ સમ્મત છે. આત્મા પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે એટલે તેને સાચા અતીન્દ્રિય સુખનો વિયોગ છે. સાચું સુખ આપણને કેમ નથી મળતું ? કેમ કે, આપણે આપણા સ્વરૂપને ભૂલી ગયા છીએ.
જેસ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. - શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧
(૨) પોતાને ભૂલી ગયારૂપ અજ્ઞાન, જ્ઞાન મળવાથી નાશ થાય છે, એમ નિઃશંક માનવું. જેમ પ્રકાશથી અંધકાર જાય, તેમ જ્ઞાનથી અજ્ઞાન જાય. જીવ પોતાને ભૂલી ગયો એ જ અજ્ઞાન છે. તારે દોષે તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે, તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું, પોતે પોતાને ભૂલી જવું.
—
· શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૧૦૮