________________
ભરતરાજાએ સાઈઠ હજાર વર્ષ છ ખંડની પૃથ્વી જીતવામાં ગાળ્યા, કયાંક યુધ્ધથી, કયાંક સુલેહથી પોતે જીત્યા, અયોધ્યા પાછા ફર્યા. ચક્રવર્તી તરીકે પ્રજાએ સ્વાગત કર્યું. પછી મુખ્યમંત્રીએ પરિવારનો પરિચય આપ્યો. તેમાં પ્રથમ સુંદરીને જોઈને ભરતરાજા હતપ્રભ થઈ ગયા.
તેઓ જયારે પૃથ્વી જીતવા નીકળ્યા ત્યારે સુંદરી ખરેખર નામ પ્રમાણે તે અતિ સુંદર હતી, અને હમણાં વૃદ્ધ ડોશી જેવી નિસ્તેજ જોઈને પ્રથમ તો ગુસ્સે થયા, અને મંત્રીને કહે તમે સુંદરીની સંભાળ રાખી નથી, શું રાજના રસોડે ભોજન સામગ્રી ખૂટી હતી ? દાસદાસીઓએ આટલા વર્ષ શું કાર્ય કર્યું. સુંદરીની આવી દશા કેમ થઈ ?
મંત્રીએ કહયું, મહારાજ, રાજ રસોડે ભોજનની ખોટ ન હતી, તેમની સેવામાં દાસ દાસીઓ હાજર હતા, પણ આપે પ્રયાણ કર્યું ત્યારથી સંસાર ત્યાગના મનોરથથી સુંદરીએ આયંબિલ તપ એક જ વસ્તુથી સાઠ હજાર વર્ષથી કર્યો છે, તેને કારણે તેઓ કુશકાય થયા છે.
ભરતરાજાએ વાત જાણી કહ્યું અહો મેં મોહથી સુંદરીને સંસારત્યાગની રજા ન આપી એ મારો ગુનો છે. અને તરત જ સુંદરીની માફી માંગી, રજા આપી અને ખૂબ મોટો મહોત્સવ કરી, સુંદરીને શણગારી પ્રભુના સમોવસરણમાં લઈ ગયા.
અતિ ઉલ્લાસભેર સુંદરીએ પ્રભુ પાસે મહાવ્રત ગ્રહણ કર્યું. અને મુક્તિનો માર્ગ સાધ્ય કર્યો.
સારાંશઃ ચક્રવર્તીનું સ્ત્રી રત્ન સાંસારિક સુખની ટોચ હોય છે, પરંતુ પરિણામ નરકગમન હોય છે. સુંદરીને સ્ત્રીરત્નના સુખમાં કંઈ રસ ન હતો, તેથી તેમણે સુંદર ઉપાય યોજી ભરતરાજાની મંજુરી મેળવી સંયમ માર્ગે પ્રયાણ કરી જીવન સાર્થક કર્યું.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો