________________
36 // ભક્તામર તુલ્ય નમઃ || મહાભારત અને રામાયણ જેવાં મહાકાવ્યોમાં વર્ણવવામાં આવેલાં હિંસાત્મક પદ્યોનો સંપૂર્ણ લોપ જોવા મળે છે. તેનું પ્રધાન કારણ જૈન ધર્મનો પાયાનો સિદ્ધાંત “અહિંસા પરમો ધર્મ છે અને પ્રભુ રાગદ્વેષથી રહિત છે તેથી વીરરસને તેમાં સ્થાન નથી. જૈન સ્તોત્ર-સાહિત્ય એટલા બધા વિશાળ પ્રમાણમાં રચાયેલું છે જેથી કરીને કાવ્યરચનાના જેટલા પણ પ્રકારો હોય છે તે સર્વ પ્રકાર અહીં રચાયેલાં સ્તોત્રોમાં મળી આવે છે. તે બાબત પણ આવાં અદ્ભુત સ્તોત્રોનું વૈશિષ્ટ સમજાવે છે. સ્તોત્રના પ્રકારો :
જૈન સ્તોત્રના અનેક પ્રકાર અસ્તિત્વમાં આવ્યા છે. સ્તોત્રની સંરચનાના આધારે રચનાકારના આધારે વિષયને અનુસાર, પ્રધાનતાના આધારે, પ્રકારો પડેલા જોવા મળે છે અને તેવા પ્રકારનાં સ્તોત્રો પણ ઉપલબ્ધ છે. વિવિધ વિદ્વાનો તેના જુદા જુદા પ્રકારો જણાવે છે.
સ્તોત્રના પ્રકાર વિશે શ્રી રદ્રદેવ ત્રિપાઠી જણાવે છે કે, “આ સ્તોત્રો પૈકી કેટલાંક સ્વયં ઇષ્ટદેવ વડે કહેલાં હોય છે, કેટલાંક પ્રમુખ સિદ્ધ આરાધકો વડે રચાયેલાં હોય છે અને કેટલાંક ભક્તો વડે બનાવેલાં હોય છે. તેમાં પણ વર્ણ-પ્રધાન, ભક્તિપ્રધાન અને રહસ્યનામ-પ્રધાન એવા ત્રણ ભેદો જોવા મળે છે."
શ્રી રુદ્રદેવ ત્રિપાઠીએ સ્તોત્રના રચનાકારના આધારે ત્રણ પ્રકારો ગણાવ્યા અને સ્તોત્રની વિષય-વસ્તુમાં જેની પ્રધાનતા રહેલી છે તેના આધારે ત્રણ પ્રકાર ગણાવ્યા છે. આ ઉપરાંત પણ સ્તોત્રના અનેક પ્રકારો જોવા મળે છે.
જૈન સ્તોત્રના પ્રકારો પર સંક્ષિપ્તમાં વિચાર કરતાં શ્રી હીરાલાલ કાપડિયાએ લખ્યું છે કે, “સ્તુતિ, સ્તોત્ર, સ્તવ, સંસ્તવ તથા સ્તવન એ સંસ્કૃતમાં એકબીજાના પર્યાયવાચી છે. એટલા માટે કોઈ કૃતિને સ્તોત્ર કહેવામાં આવે છે, તો કોઈકને બીજાં પર્યાયવાચક નામ દેવામાં આવે છે. આ પ્રકારનું જે જેન સાહિત્ય છે જેનો ભિન્ન ભિન્ન દૃષ્ટિથી વિચાર કરવાથી સ્તુતિ-સ્તોત્રના વિવિધ વર્ગ કરી શકાય છે. આમાંથી થોડાક પ્રકાર આ પ્રમાણે છે.
(૧) પદ્યાત્મક, ગદ્યાત્મક અને ઉભયાત્મક સ્તોત્ર; (૨) સંસ્કૃત, પ્રાકૃત, દ્રાવિડ તથા ફારસી ભાષાત્મક સ્તોત્ર; (૩) સ્વાશ્રયી તથા પરાશ્રયી; (૪) મૌલિક અને અનુકરણાત્મક; (૫) વ્યાપક અને વ્યાપ્ય.
આ લેખનપદ્ધતિ અને ભાષાની દૃષ્ટિએ કરવામાં આવેલા વિભાગો, જ્યારે વિષયની દૃષ્ટિથી એના વિભાગો, પેટાવિભાગો, ઉપપેટાવિભાગ બતાવ્યા છે. જેમાં ૧૦ પ્રકાર નીચે પ્રમાણે છે.