________________
ગહન સ્તોત્રનો સર્વાગી અભ્યાસ
સર્જનકાળથી પ્રકાશનકાળ સુધીની ગતિવિધિનો સમગ્ર આલેખ ચિત્ત સમક્ષ હોય, ત્યારે કેવો અનુભવ થાય ? શ્રી રેખાબહેન વોરાએ શ્રી ભક્તામર સ્તોત્રના વિષય પર મહાનિબંધ લખવાનું શરૂ કર્યું, ત્યારથી આરંભીને એના આ ગ્રંથ-પ્રકાશન સુધીની સઘળી ગતિવિધિનો. હું એક સાક્ષી છું. કેટલાક શુભકાર્યમાં સાક્ષી બનવું, એનો પણ એક આનંદ હોય છે.
આ મહાનિબંધનાં વિષય-પસંદગીમાં રેખાબહેનની ધર્મપરાયણ માનસમૃષ્ટિનું પ્રતિબિંબ જોવા મળે છે. વળી આ કાર્ય તેઓ સર્વાંશે પૂર્ણ કરી શકે તે માટે તેમનાં માતુશ્રી શારદાબહેન વોરાએ સતત પ્રેરણા પૂરી પાડી અને એને પરિણામે આ કપરું કાર્ય શક્ય બન્યું. કપરું એ માટે કે સામાન્ય રીતે મહાનિબંધનો જેટલો વિસ્તાર હોય, એનાથી બમણો આ મહાનિબંધનો વિસ્તાર છે. આમ તો શ્રી ભક્તામર સ્તોત્ર વિશે ઘણા ગ્રંથો રચાયા છે, પરંતુ આ એક એવો ગ્રંથ છે કે જેમાં શ્રી ભક્તામર સ્તોત્રનો સમગ્રતયા સર્વાગી ખ્યાલ મળી રહે છે. આથી આમાં શ્રી ભક્તામર સ્તોત્ર વિશેની કોઈ વિગત બાકી રહે નહિ તેવો પ્રયત્ન એમણે કર્યો છે અને એમાં ડૉ. કલાબહેન શાહનું માર્ગદર્શન એટલું જ ઉપયોગી નીવડ્યું છે.
આચાર્યશ્રી માનતુંગસૂરિ-રચિત “શ્રી ભક્તામર સ્તોત્ર' એ પ્રભાવક, પરિવર્તનકારી અને આધ્યાત્મિક ઊર્ધ્વતાસાધક સ્તોત્ર છે. આ સ્તોત્રનો પ્રત્યેક શબ્દ અનેક અર્થછાયાઓ ધરાવે છે. એના એકેએક શબ્દની પસંદગીમાં મહાન આચાર્યશ્રીનું ગહન ચિંતન, આધ્યાત્મિક અનુભવ અને ધ્યાનસાધનાથી ઊર્ધ્વતાનો અનુભવ થાય છે. એથી બાહ્ય દૃષ્ટિએ આ સ્તોત્રમાં માત્ર તીર્થકર ભગવાનની ગુણસ્તુતિ લાગે, પરંતુ તેના અંતરાલમાં અનેક ગહન ભાવનાઓ રહેલી છે. કેટલાકને આ ચમત્કારિક કે જીવનમાં આવતી આપત્તિ દૂર કરતી સ્તુતિ લાગે છે, પરંતુ ભક્તામર સ્તોત્ર એ તો મંત્રગર્ભિત સ્તોત્ર છે. પરિણામે એના શબ્દોની એવી સાહજિક રચના કરવામાં આવી છે કે સ્તોત્રજાપ દ્વારા સહજ જ સર્વસિદ્ધિ સધાય છે અને તેને પરિણામે શ્રી ભક્તામર સ્તોત્રની સાથોસાથ એનાં ફળ, ઉપયોગ, આધિ, વ્યાધિ અને ઉપાધિનું નિવારણ સંકળાયેલાં છે.
આ સ્તોત્રની બીજી મહત્ત્વની બાબત સ્તુતિ દ્વારા પોતાની આત્મા સુધારણા છે. જે રીતે તીર્થકર ભગવાન શ્રી ઋષભદેવે યુગના પ્રારંભે સમાજનું ઘડતર કર્યું, એ રીતે ભક્ત પોતાના આંતર-ઘડતરની અભ્યર્થના સેવે છે અને તેથી જ સંવેગ અને બુદ્ધિના પ્રારંભિક તંદ્રને પાર કરીને તેઓ સ્તુતિમાં એકરૂપ બને છે. આમ કરવાથી પોતાના કષાયજનિત