________________
86 ।। ભક્તામર તુર્થ્ય નમઃ II
ચૈત્યાલયોને નમસ્કાર કરતાં આચાર્ય પૂજ્યપાદ સ્તુતિ કરે છે કે, “જેમાં જિનેન્દ્રની પાંચસો ધનુષ્ય ઊંચી મણિ-સુવર્ણ અને ચાંદીથી જડાયેલી, કરોડો સૂર્યોની પ્રભાથી પણ અધિક પ્રકાશિત પ્રતિમાઓ બિરાજમાન છે, તે ચૈત્યાલયોને હું નમસ્કાર કરું છું. તે ભાનુના વિમાન સમાન દેદીપ્યમાન, અદ્વિતીય, યશ અને તેજના અધિષ્ઠાનરૂપ છે. એનાં દર્શનથી સમસ્ત પાપો નષ્ટ થઈ જાય છે.’’ તેઓ આગળ આનાથી પ્રાપ્ત થતાં ફળ વિશે જણાવે છે કે, જે પ્રાતઃ, મધ્યાહ્ન અને સંધ્યા આ ત્રણેય કાળ નંદીશ્વરની ભક્તિમાં સ્તોત્રપાઠ કરે છે, તે અનંત કાળ સુધી રહેવાવાળા શાશ્વત સુખને પ્રાપ્ત કરી લે છે.’
તાત્પર્ય કે આવા સુંદર પુણ્યબળની પ્રાપ્તિ કરાવનાર નંદીશ્વર દ્વીપની ભક્તિ કરવાથી મોક્ષલક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. તેથી તેની ત્રણેય કાળ પ્રાતઃકાળ મધ્યાહ્નકાળ અને સંધ્યાકાળની પૂજાસ્તુતિ-સ્તવના કરવી અતિ આવશ્યક છે.
૧૦. ચૈત્ય ભક્તિ
‘ચૈત્ય’ શબ્દ ‘ચિતિ’થી બન્યો છે. ‘ચિતિ’નો અર્થ છે ચિતા. ચિતા પર બનેલા સ્મૃતિ ચિહ્નોને ચૈત્ય કહેવાય છે. બહુ જ પહેલાં આ સ્થાનો પર વૃક્ષ લગાવવામાં આવતાં હતાં તે ચૈત્ય-વૃક્ષ કહેવાય છે.
આવાં ચૈત્યવૃક્ષો તીર્થ સ્વરૂપે હોય છે. મહાભારતમાં પણ ચૈત્યવૃક્ષને માહાત્મ્ય આપવામાં આવ્યું છે. તેમાં જણાવ્યું છે કે, “ચૈત્યવૃક્ષોને છોડીને બીજાં બધાં નાનાં નાનાં વૃક્ષોને કાપી નાંખવાં જોઈએ.'' અર્થાત્ ખંડિયા રાજા જેવાં અન્ય નાનાં નાનાં વૃક્ષો વચ્ચે ચૈત્યવૃક્ષો' ચક્રવર્તી સમાન શોભી રહ્યાં છે.
જૈન ધર્મની પરંપરામાં અનાદિ કાળથી ચૈત્યવૃક્ષ પવિત્ર અને પૂજ્ય મનાતું આવેલ છે. પ્રત્યેક તીર્થંકર ભગવાનની દેશના આપવા માટે રચાતા સમવસરણની રચનામાં ચૈત્યવૃક્ષનું એક મહત્ત્વનું સ્થાન હોય છે. વિવિધ ગ્રંથોમાં નિગ્રંથકારોએ ચૈત્યવૃક્ષનું વર્ણન કરેલું મળી આવે છે.
ચૈત્ય અને પ્રતિમા : શ્રી અભયદેવસૂરિએ ‘ભગવતીસૂત્ર'ની વૃત્તિમાં જિન-પ્રતિમાનો ઉલ્લેખ ‘ચૈત્ય' શબ્દથી કર્યો છે.
‘અભિધાન-રાજેન્દ્રકોશ’માં પણ જણાવવામાં આવ્યું છે કે, “નિત્ય પૂજાને માટે જે અરિહંતની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે તે ચૈત્ય કહેવાય છે.''
‘ચેત્ય’ શબ્દ જૈન ધર્મમાં જિન-પ્રતિમાઓ માટે પ્રયોજવામાં આવ્યો છે. તેથી જ ચૈત્યભક્તિનું માહાત્મ્ય જિન-પ્રતિમાની ભક્તિ કરવા જેટલું જ મહત્ત્વનું અને આવશ્યક છે.
ચૈત્ય અને આત્મા : આચાર્ય કુંદકુંદે શુદ્ધ જ્ઞાનરૂપ આત્માને પણ ચૈત્ય કહેલ છે, અને આવા આત્માને ધારણ કરવાવાળા, વીતરાગી મુનિને ચૈત્યગૃહ માન્યા છે.
જૈન ધર્મમાં પંચ-પરમેષ્ઠી કે જેઓએ શુદ્ધ આત્માસ્વરૂપ પ્રાપ્ત કરી લીધું છે અને આવા