SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસને આધારે (ઈ.સ. ૧૬૮૫), “હરિશચન્દ્રાખ્યાન' (ઈ.સ. ૧૬૯૨), 'મદાલસાખ્યાન' (ઈ.સ. ૧૭૦૯) છે. કવિ પ્રેમાનંદ ઉત્તમ હાસ્યરસના કવિ છે. તેમણે ટીખળ, ઉપહાસ, કટાક્ષ, વ્યંગનો ઉપયોગ પોતાની કૃતિઓમાં કર્યો છે. “રણયજ્ઞ'માં કુંભકર્ણને જગાડવાના પ્રયત્નો, મામેરું'માં નરસિંહ મહેતાની વહેલનું વર્ણન, કુંવરબાઈનાં વડસાસુએ લખાવેલી પહેરામણીની યાદી ઈત્યાદિ પ્રસંગોમાં પ્રેમાનંદ કુશળ હાસ્યકારની પ્રતિભાથી ચમકે છે. સત્તરમું શતક સર્વ દેશી ભાષાઓનો ગૌરવનો કાળ છે. આ કાળમાં શ્રેષ્ઠ કવિઓ થયા. હિંદી ભાષાના મુખ્ય નાયક તુલસીદાસ (સં. ૧૬૩૧ થી સં. ૧૬૮૦) પણ આ યુગમાં થયા. તેમણે રામાયણ આદિ ગ્રંથો લખ્યા. “કવિ પ્રિયા' અને રસિક પ્રિયાના' કર્તા કવિ કેશવદાસ(કવનકાળ સં. ૧૬૪૯ થી સં ૧૬૬૮) એક લોકપ્રિય કવિ હતા. આ ઉપરાંત અકબર બાદશાહના દરબારમાં કવિ ગંગ, બીરબલ, સેનાપતિ દાદૂ દયાલ, સુંદરદાસ, બનારસીદાસ જેવા હિન્દી કવિઓ થયા. તુલસીદાસે રામભક્તિની ધારા વહેવડાવી, જેની અસર જૈન કવિઓ પર પડી. નેમિનાથ-રાજુલ અને સ્થૂલિભદ્ર કોશાના વર્ણનમાં મર્યાદિત શૃંગાર વર્ણન સંસારથી વિરકત એવા જૈન શ્રમણોએ પોતાની કાવ્ય કૃતિઓમાં આલેખ્યાં છે. મહારાષ્ટ્રમાં મરાઠી કવિ વિષ્ણુદાસ, મુળેશ્વર (સં.૧૬૫૬ થી ૧૭૦૬), સંત એકનાથ(સં. ૧૬૦૫ થી સં. ૧૬૫૬), તુકારામ (સં. ૧૬૩૪ કે ૧૬૬૪ થી ૧૭૦૮), સમર્થ રામદાસ (સં. ૧૬૬૫ થી ૧૭૩૮), આદિ કવિઓ થયા. આ સર્વ સંતો અને મહંતોના દિવ્ય પ્રભાવથી મધ્યકાલીન યુગ અને મધ્યકાલીન સાહિત્ય તેજોમય બન્યું છે. આ સાહિત્ય રચનામાં ધર્મને જ વધુ મહત્વ અપાયું છે. મધ્યકાળનું જૈન સાહિત્ય પુરેપૂરું ધાર્મિક છે, તેમ જૈનેત્તર સાહિત્ય પણ બહુધા ધર્મમૂલક છે. જૈનેત્તર કવિઓમાં નરસિંહ મહેતા અને મીરાંબાઈ હરપળ પ્રભુમય હોવાથી તેમને સમાજે કવિ કરતાં ‘ભક્ત' તરીકે વધુ બિરદાવ્યા છે. સ્વામીનારાયણ સંતો તેમજ રવિદાસ આદિ કબીરપંથી સંતો પણ ભક્તિમાં તરબોળ હતા. પ્રેમાનંદ, દયારામ જેવા કવિઓએ પણ ઈશ્વરના જ કાવ્યો રચ્યાં. અખો, નરહરિ અને પ્રીતમ આદિ વેદાન્તી કવિઓએ પણ ધર્મરસથી ભરપૂર ભજનો લલકાર્યા છે. શ્રી કે.કા. શાસ્ત્રીના શબ્દોમાં કહીએ તો આ બ્રાહ્મણો જેવા બહુશ્રુત નહિ તેવો જૈન સમાજ, તે સમાજના શિક્ષક બનેલા જૈન મુનિઓએ સરસ્વતીનું આરાધન તે સમયની સમાજની ભાષામાં કરવા માંડ્યું. સંસ્કૃત કાવ્યો ઉપરાંત રાસાઓ લખ્યાં. છંદો ઉપરાંત દેશીઓ ગાઈ. જૂની કથાઓને રાગ રાગણીવાળા ગેય રાસાઓમાં ઉતારી ભાવિક વણિકોને ચરિત્રશીલ અને જૈન મતના અનુરાગી રાખવા સતત પ્રયત્નો કર્યા. તેઓ સાહિત્ય સર્જન દ્વારા સમાજમાં ફેલાયેલી વિકૃતિને દૂર કરનારા પાઠકો, જોશીઓ, વૈદ્યો અને શિક્ષકો હતા" મધ્યકાલીન સાહિત્યને વિરાટ સ્વરૂપ આપનાર રાસ સાહિત્યના સર્જકો જૈન મુનિઓ અને શ્રાવક કવિઓ સાહિત્ય, સંસ્કાર અને ધર્મના વારસાના રક્ષણની દ્રષ્ટિએ નોંધપાત્ર છે. હવે રાસ સાહિત્યનું સ્વરૂપ પ્રસ્તુત છે.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy