SearchBrowseAboutContactDonate
Page Preview
Page 681
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭૨ I મનુષ્યભવ મળ્યો છે, પ્રારબ્ધ છે. ‘“બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તોયે અરે ! ભવચક્રનો આંટો નહીં એક્કે ટળ્યો.’' ત્યાં પુરુષાર્થની ખામી બતાવી. જીવે પૂર્વે પુરુષાર્થ કરેલો, પુણ્યાદિ બાંધેલાં તે અત્યારે પ્રારબ્ધના નામથી ઓળખાય છે. તે તે ભવમાં તેનું નામ પુરુષાર્થ હતું. માત્ર કાળભેદ છે. બીજા ભવોમાં પુણ્ય બાંધવાનો પુરુષાર્થ કર્યો તો મનુષ્યભવ મળ્યો. જેણે પુરુષાર્થ નહોતો કર્યો તે કીડી, કાગડા, કૂતરારૂપે અવતર્યા છે. પહેલાંના પુરુષાર્થના ફળને અહીં પ્રારબ્ધ કહે છે. જે મોક્ષ થાય તેવો પુરુષાર્થ અત્યારે કરે છે, તે ખરા પુરુષાર્થી છે; તેના ભવ કપાય છે. જે પ્રમાદ સેવે, પાપ બાંધે તે અવળો પુરુષાર્થ કરી મનુષ્યભવ હારી બેસે છે અને ચાર ગતિમાં ભટકે છે. ત્યાં તેને કાગડા-કૂતરાના ભવરૂપે પ્રારબ્ધ ભોગવવું પડે છે. પ્રવેશિકામાં રાત્રિભોજનત્યાગ વિષેના પાઠમાં (પાઠ ૪૪-૪૫-૪૬) શિયાળનું દૃષ્ટાંત છે; તેમાં રાત્રે પાણી નહીં પીવાનો એટલે પાપમાં નહીં પ્રવર્તતાં, વ્રત પાળવાનો પુરુષાર્થ તેણે કર્યો તો મનુષ્યભવ તે પામ્યું અને ત્યાં મોક્ષ-પુરુષાર્થથી મુક્ત થયું. આવું પ્રારબ્ધ-પુરુષાર્થનું સ્વરૂપ છે. જેણે પ્રારબ્ધ બાંધ્યું છે તે તેને ફેરવી શકે, નાશ કરી શકે છે. નાશ ન થઇ શકે તો કોઇ મોક્ષે જાય જ નહીં. માટે જ્ઞાનીની આજ્ઞા આરાધવાથી મુક્તિ મળે છે એમ દૃઢ કરી આજ્ઞા-આરાધનનો પુરુષાર્થ મન-વચન-કાયાના ત્રણે યોગે કર્તવ્ય છે. (બો-૩, પૃ.૭૭૮, આંક ૯૯૨) પ્રારબ્ધ-આધીન દેહ છે. પુરુષાર્થ-આધીન આત્મકલ્યાણ છેજી. આળસ અને પ્રમાદ જેવા કોઇ શત્રુ નથી, તેમને સોડમાં રાખી સૂવું ઘટતું નથી; દુશ્મન જાણી દૂર કરવા છે. જિંદગીના પાછલા ભાગમાં જેટલું બળ કરી, કમાણી થાય તેટલી કરી લેવી ઘટે છેજી. (બો-૩, પૃ.૭૯૩, આંક ૧૦૧૭) જ્ઞ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ એ પ્રારબ્ધને આધીન છે. જેવું બાંધ્યું હોય તેવું દ્રવ્ય દેખીએ છીએ, તેવા ક્ષેત્રે રહેવું થાય છે, તેવો શાતા-અશાતાનો કાળ સહન કરવો પડે છે; પણ ભાવ તો આપણા પુરુષાર્થ પ્રમાણે પ્રવર્તે એમ છે અને તેને પ્રધાનપણે અવલંબી મહાપુરુષો મોક્ષ પ્રાપ્ત કરે છે કે સમાધિમરણ સાધે છે. મરણ વખતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ મુખ્યપણે વિપરીત હોવાનો સંભવ છે; પણ ભાવ સર્વોપરી થઇ જાય તો તે ગૌણતામાં એક બાજુ પડયા રહે છે અને ભયંકર લાગતું મરણ પણ પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા તેમ મૃત્યુ-મહોત્સવરૂપ પલટાઇ જાય છે. એ ભાવ, નિમિત્તાધીન અત્યારની દશામાં, આપણને પ્રવર્તે છે તેથી શુભ નિમિત્તોનું અવલંબન, સત્સંગ કે સત્સંગે થયેલી આજ્ઞા એ જ ઉત્તમ ઉપકારી છે. તે જાણવા છતાં વૃત્તિ પરમાં પ્રવર્તે છે, તેને વશ કરવા પ્રબળ પુરુષાર્થ અને સત્યને માટે - સમકિતને માટે ઝૂરણાની જરૂર છે. તે સદ્બોધની સ્મૃતિથી થવા યોગ્ય છે. (બો-૩, પૃ.૯૨, આંક ૮૪) D પ્રારબ્ધ અને પુરુષાર્થ એ બંનેમાં બળવાન પુરુષાર્થ છે અને તે હાલ આપણા હાથમાં છે. પ્રારબ્ધનો તો ઉદય વેદવો પડશે તે હાથમાં નથી, પણ સત્પુરુષાર્થ થઇ શકે તેટલો કર્તવ્ય છે. જેમ પ્રારબ્ધ વિપરીત હોય તો વિઘ્નરૂપે નડે છે, તેમ અનુકૂળ પ્રારબ્ધથી મનુષ્યભવ, ઉત્તમ કુળ, સત્સંગનો યોગ, સદ્બોધની પ્રાપ્તિ આદિ પ્રાપ્ત થયાં છે; અને જો સત્પુરુષાર્થનો જોગ હવે સદ્ગુરુકૃપાએ બને તો આ ભવ સફળ થઇ જાય તેવી સામગ્રી પ્રાપ્ત થઇ છે.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy