SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ગમે તે સ્થળ હિતકારી થવા સંભવ છે. આપણી પ્રબળ ભક્તિભાવના જાગી તો તે સમીપ જ છે, એમ સમજવું. (બો-૩, પૃ.૩૯૯, આંક ૪૦૮) પરમકૃપાળુદેવનાં વચનામૃતો છે તે વૈરાગ્યથી ભરેલાં છે, સજિજ્ઞાસુ જીવાત્માને સંસારથી તારનાર અને સત્પંથે દોરનાર, મોક્ષમાર્ગે ગમન કરાવનાર ભોમિયારૂપ છે; તો તે વચનામૃતોમાંથી જે જોઇએ તે મળી શકે છે. એ મહાન જ્ઞાનીપુરુષે સજિજ્ઞાસુઓ માટે અનંત, અનંત એવો ઉપકાર કરી કૃતાર્થ કર્યા છે, તો અમો-તમો-સૌ સજિજ્ઞાસુઓને એ જ શરણ રહો. (બો-૩, પૃ.૬૬૭, આંક ૭૯૭) પત્રમાં અંગ્રેજી અક્ષરો લખ્યા છે, તે ઉપરથી અંગ્રેજી ભણો છો, એમ અનુમાન થાય છે; પણ પરમકૃપાળુદેવનાં વચનોમાં વધારે કાળજી રાખી, વિચાર કરવાની મહેનત કરશો તો અંગ્રેજી પાછળ મહેનત કર્યા કરતાં વધારે લાભ થશે, તે સહજ જણાવું છું. હાલ પત્રાંક ૨૦૦ વારંવાર વાંચી મુખપાઠ કરશોજી તથા પત્રાંક ૨૬૨ પણ મુખપાઠ કરશો તો આત્માને હિત થાય તેવાં, તે વચનો છે. તે હાલ નહીં સમજાય તોપણ યોગ્યતા આવ્યે આગળ ઉ૫૨ બહુ લાભકારી નીવડશે. જેમ શિયાળામાં વસાણું, મેથીપાક વગેરે ખાધેલો, આખા વર્ષમાં બળ આપે છે; તેમ તે વચનો જીવતાં સુધી કામ આવે તેવાં છે; તો કાળજી રાખી, મોઢે કરી, રોજ બોલતા રહેવા વિનંતી છેજી. (બો-૩, પૃ.૧૫૫, આંક ૧૫૬) D હવે લખવા-વાંચવાનું ઓછું કર્યું છે એટલે હસ્તાક્ષરના કાગળની ઇચ્છા ગૌણ કરશો અને પરમકૃપાળુદેવનાં છપાયેલાં વચનોમાં જ વૃત્તિ રોકવા ભલામણ છેજી. તે વચનોનું અપૂર્વ માહાત્મ્ય છેજી. તેથી જે કંઇ શંકા હશે, તે વાંચતા-વાંચતા જ ખુલાસો મળી રહેશેજી. મનને પરમકૃપાળુદેવનાં વચનોના વિચારમાં રોકી, જગતને ભૂલી જવાનું શીખવાનું છેજી. (બો-૩, પૃ.૬૭૨, આંક ૮૦૬) D આપને આવી પડેલ વૈધવ્યના દુઃખદ સમાચાર જાણ્યા તથા તમે ધીરજસહિત ભક્તિભાવમાં કાળ ગાળો છો અને પૂ. આપની પાસે શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાંથી વાંચી સંભળાવે છે એમ જાણી, ધર્મસ્નેહને લઇને પત્ર લખવા વૃત્તિ ઊઠી. પરમકૃપાળુદેવનાં વચનો સર્વ પ્રસંગમાં અમૃતતુલ્ય છે,પરંતુ આફતના વખતે તો સાચા આધારરૂપ અને આશ્વાસન દેનાર છેજી; વૈરાગ્યરંગમાં જીવને તરબોળ કરી, સંસારનાં દુ:ખની વિસ્મૃતિ કરાવે તેવાં છે. અણસમજણને લીધે સ્વપ્ન જેવો અનિત્ય, અસાર, સંયોગ-વિયોગથી વ્યાકુળ સંસારસાગર, જીવને મૂંઝવે છે; પણ જેને સદ્ગુરુનો યોગ થયો છે, સદ્ગુરુનાં વચનોરૂપી અમૃત જેણે પીધું છે અને માયાનાં સુખને જેણે તજવા યોગ્ય અને દુઃખરૂપ જાણ્યાં છે, વિચાર્યું છે, માન્યાં છે; તેને આવા પ્રસંગો વધારે બળ પ્રેરે છે. જેવું સદ્ગુરુ ભગવાને સંસારનું દુઃખમય, ભયંકર સ્વરૂપ બોધ્યું છે તેવું જ તેને અનુભવમાં આવે છે અને સદ્ગુરુની શ્રદ્ધા વિશેષ દૃઢ થાય છે, સદ્ગુરુનાં સર્વ વચનોમાં તેની નિઃશંકતા વધે છે, પોતાના સ્વરૂપને જાગ્રત કરે તેવો વૈરાગ્ય અંતરમાં સ્ફુર્યા કરે છે અને આવા દુ:ખપૂર્ણ સંસારમાં ફરી જન્મવું ન પડે, તેવા ઉપાયમાં વૃત્તિ વાળે છે.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy