SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪ પડે છે. કોઇને સૂંઢ, કોઇને કેશવાળી તો કોઇને કાંટા જેવાં સિસોળિયાં લઇને ફરવું પડે છે. તેમ આ ભવમાં જે પ્રારબ્ધ અનુસાર સગાં, સંબંધી, બુદ્ધિ, બળ, રૂપ, ધન, વૈભવ પ્રાપ્ત થયું હોય કે થાય, તે વિષે હર્ષ કે ગર્વ યા શોક કે ખેદ કર્તવ્ય નથી; પણ જેમ રેતીમાંથી કાચ બનાવનારા કે ચીંથરામાંથી કાગળ બનાવનારા, પ્રાપ્ત વસ્તુનો સારો ઉપયોગ કરે છે, તેમ આપણને જે સામગ્રી મળી, તેથી આ ભવ અને પરભવ સુધરે તેવો પુરુષાર્થ કરવો; પણ આશા, તૃષ્ણા અને વાસનાની જાળમાં ગૂંચાઇ રહેવું નહીં. (બો-૩, પૃ.૪૫, આંક ૩૧) D જેમ દુકાન વગેરેની કાળજી રાખો છો, શરીર વગેરેની સંભાળ રાખો છો, તેમ આત્માની કાળજી, દેહ કરતાં અનંતગણી લેવા યોગ્ય છે એમ પરમકૃપાળુદેવે કહ્યું છે, તે નહીં ભૂલવા ભલામણ છેજી. સ્મરણમંત્રનો અભ્યાસ દિવસે-દિવસે વધારતા રહેતા હશોજી. ભઠ્ઠીમાંથી લોઢું બહાર કાઢીને તુર્ત ટીપે તો જેવો ઘાટ ઘડવો હોય તેવો ઘડાય, પણ જો પ્રમાદ કરી લુહાર વાતોમાં પડી જાય તો લોઢું ઠંડું પડી જતાં, પછી ગમે તેટલા ઘણના ઘા મારે તોપણ જોઇએ તેવો ઘાટ થાય નહીં. તે દૃષ્ટાંતે કાળજી રાખીને, જે જે ભાવો અહીંથી જતી વખતે ઉદ્ભવ્યા હોય, તે વૃદ્ધિ પામે તેમ વર્તવા ભલામણ છેજી. શ્રીમદ્ રાજચંદ્ર મંદિર બંધાવી, જે ખર્ચ અને પરિશ્રમ વેઠયો છે, તેનો લાભ પૂરેપૂરો લેવા ચૂકતા નહીં હો. પ્રમાદમાં ગયેલી એક પણ પળ પાછી મળવાની નથી, બને તેટલી કરકસર કરીને, જિંદગીની પળો બચે તેટલી ભક્તિભાવમાં, સ્મરણમાં, સત્સંગમાં, સત્પુરુષનાં વચનના આશય અનુસાર વર્તવામાં ગળાય, તેવી તાકીદ રાખવા સૂચના છેજી. (બો-૩, પૃ.૪૧૯, આંક ૪૨૬) સર્વ ભાઇબહેનોએ બહુ ચેતીને વખતનો દુરુપયોગ કરતાં બચી જવું ઘટે છેજી. શા માટે જન્મ્યા છીએ અને શું કરીએ છીએ ? એનો વિચાર વારંવાર મનમાં લાવી, સન્માર્ગમાં ઉત્સાહ વધે તેમ આપણે સર્વેએ હવે તો કમર કસીને, બને તેટલું બળતામાંથી બચાવી લેવું જોઇએ. ઘર લાગે ત્યારે માત્ર રડયા કર્યો કશું બચે નહીં, પણ હિંમત રાખી જેટલું બહાર કાઢી લીધું, તેટલું બચવા સંભવ છે. માટે જેટલી ક્ષણો જ્ઞાનીની આજ્ઞામાં, મંત્રસ્મરણ વગેરેમાં જશે, તેટલી બચી સમજી, તેનો વિશેષ અભ્યાસ રાખવા હવે સત્સાધન વિશેષ કરતા રહેવું ઘટે છે; તેવો નિશ્ચય દૃઢ કરી, તે પ્રમાણે વર્તવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૩૪૨, આંક ૩૪૩) ... છ કલાકની ઊંઘ સામાન્ય રીતે દરેક મનુષ્યને પૂરતી છે. તે પૂરી થયે જાગીને ધર્મપ્રવૃત્તિ કરવાની ટેવ રાખો તો થઇ શકે તેમ છે. થોડું ઓછું ઊંધાશે તેમાં હરકત નથી. ધન કે શરીરની જરૂરિયાતો માટે જાગૃતિકાળનો મોટો ભાગ પ્રવૃત્તિમાં ગાળવો પડે છે, તો આત્માને શાંતિ મળે તેવા થોડા કાળનો ફાળો જુદો કાઢી આત્મવિચાર, જ્ઞાનીની આજ્ઞા તથા દરરોજ થતાં કામમાં પોતાના દોષ જોવાનો અવકાશ રાખ્યો હશે તો દોષો સમજાશે, તેને દૂર કરવાનાં કારણ પણ સમજાશે અને દૂર કરવા પુરુષાર્થ કરવાનું મન થશે; પણ જો જીવન કેવું જીવવું છે, એના વિચાર કરવાનો વખત નહીં રાખો તો પશુની પેઠે ખાવા-પીવા, હરવા-ફરવા અને ઊંઘવામાં જિંદગી વહી જશે અને આખરે પસ્તાવું પડશે.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy