SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૫ મેં પૂછયું, ‘મહારાજ, એને બચાવવાના ઉપાયો શા છે ?' એટલે ગુરુ મહારાજે કહ્યું, ‘પેલા ઓરડાના ગોખનાં બારણાં પાસે પાંચ વિષય નામના ઝેરી ઝાડ છે; તે બહુ ભયંકર અને વિહ્વળ કરી દે તેવાં છે, ગંધથી પણ તેને ઘેન લાવી મૂકે છે. જોવામાં આવે તો દર્શનમાત્રથી ચપળ બનાવી દે છે, એનું નામ માત્ર શ્રવણ થતાં મરણતુલ્ય વેદના દે છે; તો પછી એને અડવામાં આવે કે ચાખવામાં (સ્વાદ લેવામાં) આવે તો એ બચ્ચાનો વિનાશ કરી મૂકે એમાં શું આશ્ચર્ય છે ! ઉપર જણાવેલા ઓરડાના ઉપદ્રવોથી ત્રાસીને, તે પેલાં વિષવૃક્ષોને આંબા જેવાં જાણી, અત્યંત રાજી થઇ તેમાં આસક્ત થાય છે; પાંચ બારીઓ દ્વારા તે બહાર નીકળી તે વૃક્ષો તરફ દોડે છે; તેનાં કેટલાંક ફળ સારાં માની લઇ તેના ઉપર ફિદા થઇ જાય છે અને કેટલાંક ફળ સારાં નથી એમ ગણી દ્વેષ કરે છે; વૃક્ષોની ડાળીઓમાં વારંવાર ભમે છે; ઝાડ નીચે કચરામાં આળોટે છે; ભોગસ્નેહ નામના વરસાદનાં ટીપાંથી તેનું શરીર ભીનું થયેલું હોવાથી કર્મપરમાણુ નામની પુષ્પપરાગ તેને શરીરે ચોંટી જાય છે. એ ઝેરી રજથી તેના શરીરે ગૂમડાં થાય છે, ઘારાં પડે છે; તેથી તે શરીરને બહુ વલૂરે છે; આખા શરીરે અને ખાસ કરીને મધ્યભાગમાં તેને બહુ બળતરા થયા કરે છે; પાછું ઓરડામાં તે આવે છે, પણ ત્યાંના ઉદ્રવોથી પાછું ઝેરી ઝાડો ઉપર જતું રહે છે. આવાં દુ:ખોમાંથી તેને બચાવવા સ્વવીર્ય નામના હાથમાં અપ્રમાદ નામનો આ દંડ તને આપું છું; તેથી તેને ડરાવીને ઓરડાની બહાર જતું અટકાવજે. એ ઓરડાની મધ્યમાં સારા ભાવોની શ્રેણીરૂપ દાદર છે, તેના ઉપર ચઢે એમ કરજે. એ વાંદરાનું બચ્ચું ધણા કાળથી ચક્રમાં પડી ગયું છે તે આ પ્રમાણે : ઉપદ્રવોથી કંટાળી તે ઝેરી ઝાડોને આંબા જાણી, તેનાં ફળ ભોગવે છે ત્યારે અને આળોટે છે ત્યારે ભોગસ્નેહની ભીનાશથી તેના શરીરે કર્મરજ ચોંટે છે તેથી ઘારાં પડે છે. તે પાછું ઓરડામાં આવે છે (કર્મના ફળસ્વરૂપે શરીરો ધારણ કરે છે) ત્યાં પાછા ઉપદ્રવો નડે છે, ઝેરી ઝાડોમાં ભમે છે, ફરી કર્મરજથી લેપાય છે અને ફરી પાછાં શરીરો ધારણ કરવારૂપ ઓરડામાં પેસે છે. આ ચક્રથી તેને બચાવવાની જરૂર છે. ચિત્તને શિખામણ આપવી કે હે ચિત્ત ! તારે આવી રીતે બહાર નીકળવામાં શો લાભ છે ? તું તારા પોતાના ખરા રૂપમાં (આત્મસ્વરૂપમાં) સ્થિર રહે, જેથી તું આનંદમાં લીન રહી શકે. આખો સંસાર બહાર નીકળવા જેવો છે, સંસાર જ દુઃખોથી ભરેલો છે અને મોક્ષ પોતાના સ્વરૂપમાં રહેવા જેવું છે, તે જ માત્ર અનેક સુખોથી ભરપૂર છે. "सर्व दुःखं परायत्तं सर्वं आत्मवशं सुखम् । वहेश्र्च ते पराधीनं स्वाधीनं सुखमात्मनि ||" વળી અજ્ઞાન અવસ્થામાં આત્માને દુઃખનાં કારણ, કર્મ બંધાવનાર બાબતો મનને પ્રિય લાગે છે અને જેથી શરીરને વસમું લાગે પણ આત્માને હિતકારી હોય તે મનને ગમે નહીં, તેને વિપર્યાસ કે ઊંધી સમજણ કહે છે; તેને લઇને જીવ પાંચ ઇન્દ્રિયોના વિષયો અને તેનાં સાધનો મેળવવામાં આ અમૂલ્ય માનવભવ ગાળે છે. તે વિષયો ભોગવતાં ભોગ પ્રત્યે આસક્તિરૂપ ચીકાશથી કર્મો બાંધે છે; તે ભોગવવા દેહ ધારણ કરવો પડે છે ત્યાં ઇન્દ્રિયો પ્રાપ્ત થાય છે; ઇન્દ્રિયના વિષયો વિપર્યાસને લઇને પ્રિય લાગે છે; તેમાં આસક્તિ રાખી પ્રવૃત્તિ કરે છે અને નવાં કર્મ બાંધે છે; તે ભોગવવા ફરી જન્મે છે.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy