SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ કોઇ શબ્દ પોતાની ઇચ્છાએ સમજવા કે યોજવા યોગ્ય નથી; પરંતુ જ્ઞાનીની દૃષ્ટિએ સમજીને, યથાયોગ્ય પ્રયોગ થાય તો આત્મહિતનું કારણ છે એમ સમજી, તે પ્રમાણે ફરી તેવો પ્રયોગ ન કરવા નમ્ર વિનંતી છેજી. (બો-૩, પૃ.૫૦૫, આંક ૫૪૪) O પત્રના સરનામામાં ‘ગુરુ મહારાજ’ લખો છો, તેમ ન લખવું. શ્રીમદ્ રાજચંદ્રને ગુરુ માની પૂજવા. બ્ર. ગોવર્ધનદાસ એટલું બસ છે. (બો-૩, પૃ.૭૦૫, આંક ૮૪૮) D ‘આલોચનાદિ પદ સંગ્રહ'માં જિનવરદર્શન છેને ? તે મને લખવાનું મન થયું, પણ વિચાર આવ્યો કે મને દર્શન તો થયાં નથી, તો શું લખું ? દર્શન ન થાય ત્યાં સુધી મારે લખવું જ નથી, એમ કરી પડી મૂક્યું, અને રાત હતી તેથી સૂઇ ગયો; તો સ્વપ્ન આવ્યું કે હું બાંધણીમાં છું અને પરમકૃપાળુદેવ ત્યાં ઘરના મેડા ઉપર પધાર્યા છે. મને થયું કે પરવારીને પરમકૃપાળુદેવનાં દર્શન કરવા જઇશ. એટલામાં આંખ ઊઘડી ગઇ, તેથી ખેદ થયો. પછી ફરી સ્વપ્ન આવ્યું કે ઘરના મેડા ઉપર પરમકૃપાળુદેવ કફની પહેરીને પાટ ઉપર પદ્માસને બેઠા છે. સોભાગભાઇ સામે બેઠા છે. પહેલાં પરમકૃપાળુદેવ મને દેખાયા. પછી આંખ ઊઘડી ગઇ. મુમુક્ષુ ઃ પછી લખ્યું ? પૂજ્યશ્રી : હા, દર્શન થયાં એટલે લખ્યું. તેમાં પહેલું પ્રાસ્તાવિક પદ એ જ લખ્યું કે : ‘‘ધન્ય રે દિવસ આ અહો ! પ્રભુદર્શન આજ પમાય રે.'' (બો-૧, પૃ.૩૦૬, આંક ૫૯) પામો પાપ પ્રલય આજથી, વાસ હૃદયમાં રાજતણો; પરમ પ્રભુશ્રીની સાક્ષીએ, આનંદ આનંદ આજ ઘણો. આપનો લાંબો પત્ર મળ્યો હતો. તેમાં અધૂરા કામે જવાબ આપવો યોગ્ય નહીં લાગવાથી નિરાંતે પત્ર લખવા ધાર્યું હતું. ધીરજનાં ફળ મીઠાં હોય છે એમ કહેવાય છે અને આપે પણ તેવી શિખામણ લખેલી તે પ્રમાણે, પરમકૃપાળુદેવની કૃપાથી, જે થાય તે જોયા કરવું, એમ રાખ્યું હતું. વચ્ચે મન બધેથી ઊઠી ગયેલું અને જરૂર પડયે આશ્રમ છોડવાનો નિર્ણય કરી લીધો. પછી વિકલ્પો શમાયા અને તે વિક્ષેપમાં મન ન રહે તે અર્થે ‘મોક્ષમાળા પ્રવેશિકા' લખવાનું શરૂ કર્યું છે. પરમકૃપાળુદેવની કૃપાથી ટ્રસ્ટીઓની અસાધારણ સભા ભરાયેલી; તેમાં બધાંને નિવેદન વાંચી સંતોષ થયો છે, એમ જણાવી મને જણાવ્યું કે મુમુક્ષુઓનો અને અમારો અભિપ્રાય એવો છે કે તમે પ્રતિજ્ઞા ફેરવી શકતા હો તો આયંબિલ ન કરો; એટલે મેં જણાવ્યું કે તે સંબંધી હું સભામાં જાહેર કરીશ. પછી જણાવ્યું હતું કે હવે નમસ્કાર કે પૈસા મૂકવાનો પ્રસંગ આવતો નથી એટલે આયંબિલનું પણ કારણ રહ્યું નથી; તેમ છતાં બધાની સૂચના પ્રમાણે, આયંબિલ બાહ્ય તપ છે તેને બદલે કદી તેવો પ્રસંગ બનશે તો સ્વાધ્યાય કે તેવા રૂપમાં અત્યંતર તપ દ્વારાએ તે નિયમ પૂર્ણ કરીશ, એટલે હવે આયંબિલ નહીં કરું. બધાને સંતોષ થયો છે. આપે છેલ્લો પત્ર ઘણા હૃદયના ભાવસહિત લખેલો, તે વાંચતાં મારી આંખમાં પણ આંસુ એક-બે વખત આવી ગયેલાં. હૃદયનો ધર્મ એવો જ છે; પણ બધાથી ઉદાસ થઇ, હવે તો સમાધિમરણની તૈયારીમાં અપ્રમત્ત રહેવું આપણે ઘટે છેજી.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy