SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્ રીતે સમજવા માટેની સર્વ આવશ્યક સામગ્રી સમાવિષ્ટ થઈ જાય છે. અને એ જ રીતે, ગ્રંથના આરંભમાં જોડેલી સુદીર્ઘ અને વિસ્તૃત પ્રસ્તાવનામાં, ગ્રંથ અને ગ્રંથકાર અંગેના સર્વ જરૂરી મુદ્દાઓ તથા ગ્રંથના ચારેય ઉદ્યોતોમાં નિરૂપિત બધા જ નાના-મોટા સિદ્ધાંતોની સર્વાંગીણ અને સુવ્યવસ્થિત સમીક્ષા, આ બધું અનુસ્નાતક વિદ્યાર્થીઓ તેમજ અલંકારશાસ્ત્રના અભ્યાસીઓને નજર સમક્ષ રાખીને રજુ થયું હોવાથી, સારી રીતે અધ્યયન-સહાયક તો બન્યું જ છે, તુલનાત્મક વિશેષ અભ્યાસ માટે પ્રોત્સાહક બનવા સક્ષમ પણ છે. ગ્રંથને અંતે જોડવામાં આવેલાં પરિશિષ્ટો અને સંદર્ભગ્રંથ-સૂચિ ગ્રંથસંપાદનને શિષ્ટતા અને શાસ્ત્રીયતા અર્પે છે. આમ, એક અધ્યયન-ગ્રંથ તરીકે આ પુસ્તકની મૂલ્યવત્તા તો ઊંચી છે જ, પરંતુ સાચું અને સવિશેષ મહત્ત્વ તો એ છે કે શ્રી ગોવિંદભાઈ, ધ્વનિ-સંપ્રદાયના પ્રસ્થાપક આનન્દવર્ધનના, ધ્વન્યાલોક' જેવા એક પ્રશિષ્ટ-સંમાન્ય શાસ્ત્રગ્રંથના, પ્રબુદ્ધ અને દૃષ્ટિસંપન્ન વ્યાખ્યાકાર તરીકે અહીં ધ્યાનાર્હ બને છે. પાઠભેદ-ચર્ચા, હસ્તપ્રતો અને ગ્રંથની વાચનાઓ વગેરે પાંડિત્ય - પ્રર્શનનાં પ્રલોભનને તેમણે સભાનતાપૂર્વક ટાળ્યું છે, તેમ છતાં પોતાનાં નિરૂપણમાં તેમણે સ્વાધ્યાય-સંશોધન તથા સુરુચિ-શિષ્ટતાનાં પરંપરાગત સર્વ ઉચ્ચ ધોરણોને સતત અને સર્વાંગસૂત્ર જાળવી રાખ્યાં છે. પોતાના પ્રતિપાદનના સમર્થનમાં, ‘લોચન’‘દીદ્ધિતિ’ જેવી ટીકાઓ ઉપરાંત પુરોગામી વ્યાખ્યાકારોનાં તારણો અને અભિપ્રાયોને, આવશ્યકતા અનુસાર, નોંધીને, વાચકના અધ્યયન-ફલકનો તેમણે સમુચિત વિસ્તાર ર્યો છે, પરંતુ જરૂર જણાઈ ત્યાં તેમનાં ખંડન-નિરસન કરતાં પણ તેઓશ્રી અચકાયા નથી. આ રીતે, આવાં સંપાઠનોમાં ઈષ્ટ તથા અપેક્ષિત એવી તટસ્થતા અને વિવેકદૃષ્ટિને તેમણે અહીં સુપેરે સમન્વિત કરી છે. આવા સર્વોત્તમ અને પ્રશિષ્ટ પ્રકારના ગ્રંથના સંપાદન વિશે, ગમે તેવા સમર્થ વિવેચકો કે વ્યાખ્યાકારો પણ એવો દાવો ન કરી શકે કે એનાં અર્થઘટન અને વિવરણ વિશે જે કહેવા જેવું હતું તે બધું જ તેમણે કહી નાખ્યું છે. અને આચાર્ય ડૉ. શ્રી ગોવિંદભાઈ શાહ તો જેટલા નિષ્ઠાવાન એટલા જ નમ્ર પણ છે ઃ આ ‘ભગીરથ કાર્ય’ સંપન્ન થઈ શક્યું એનો સંપૂર્ણ યા તેઓશ્રી ઈશ્વરાનુગ્રહને જ આપે છે. આવી સારસ્વત સિદ્ધિ પરત્વેનો તેમનો આ નિતાંત આધ્યાત્મિક અભિગમ, આર્જવ-આભિજાત્ય-સૂચક હોવાથી, ખરેખર, પ્રશસ્ય છે. સંશોધનની શિસ્ત જાળવતા, આવા વિદ્યાકીય ઉપક્રમને પરિપૂર્ણ કરવા માટે શ્રી ગોવિંદભાઈને હું હાર્દિક ધન્યવાદ પાઠવું છું અને આ સંપાદનને ઉષ્માપૂર્વક આવકારું છું. અલંકારશાસ્ત્રના અભ્યાસમાં રસ ધરાવતા સહુ કોઈ માટે આ ગ્રંથ ઉપયોગી અને મદદરૂપ નીવડશે, એવી મને શ્રદ્ધા છે. રાજકોટ, નિજ આષાઢ પૂર્ણિમા (ગુરુપૂર્ણિમા), મંગળવાર, ૩૦ જુલાઈ, ૧૯૯૬. જયાનન્દ દવે
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy