SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય ઉદ્યોતઃ ૧૯, ૨૦ ૧૯૫ (૨) કવિનું જે નીરસ કાવ્ય છે તે (તેને માટે) મોટો અપશબ્દ (ગાળ) છે. તે કારણે તે અકવિ જ રહે છે કે બીજા તેને યાદ ન કરે. (૩) (આ નિયમોનું ઉલ્લંઘન કરનારા) સ્વચ્છંદ વાણી વાળા જે પૂર્વકવિ કીર્તિને પામી ગયા છે એમનાં (ઉદાહરણ લઈને) બુદ્ધિશાળી (નવા કવિ) એ આ નીતિ નહીં છોડવી જોઈએ. (૪) (કેમકે) વાલ્મીકિ, વ્યાસ વગેરે જે પ્રસિદ્ધ કવિઓ થઈ ગયા તેમના અભિપ્રાયની વિરુદ્ધ નીતિ (માર્ગ) અમે દર્શાવ્યો નથી.- (તિ)- એ પ્રમાણે. કારિકા-૨૦ અને વૃત્તિ ઃ (વિરોધી રસાંગોના નિબંધનના નિયમ) “વિવક્ષિત (પ્રધાન) રસ (સારી રીતે) પ્રતિષ્ઠિત થઈ ગયા પછી વિરોધી રસોનું બાધ્યરૂપે (અર્થાત્ પ્રસ્તુત રસથી દબાઈ જાય એ રીતે) અથવા અંગરૂપે નિરૂપણ કરવામાં દોષ નથી. (કચ્છ- છલરૂપ નથી, દોષરૂપ નથી). ૨૦.૧ સ્વસામગ્રીથી પરિપોષ પામી ગયેલ (પ્રધાન) રસ વિવક્ષિત હોય ત્યાં વિરોધી રસનાં કે વિરોધી રસનાં અંગનાં બાધ્યો જો અંગભાવ પામ્યાં હોય તો, તેનું નિરૂપણ દોષરહિત છે. વિરોધી રસોનો બાધ તો જ થાય, જો વિવક્ષિત રસમાં તેમનો પરાભવ કરવાની શક્તિ હોય, તે સિવાય નહિ. તેનું નિરૂપણ પ્રસ્તુત રસના પરિપોષ માટે જ હોય છે. અંગભાવ પ્રાપ્ત થઈ જતાં તો તેમનું વિરોધિત્વ દૂર થાય છે. (એથી અંગભાવને પામેલા વિરોધી રસના વર્ણનમાં પણ કોઈ હાનિ નથી.) તે (વિરોધી રસાંગો)નો અંગભાવ પણ સ્વાભાવિક અથવા સમારોપિત (બે) રૂપે પ્રાપ્ત થાય છે. તેમાં જેનો સ્વાભાવિક (અંગભાવ) હોય તેના નિરૂપણમાં અવિરોધ જ છે. જેમકે વિપ્રલંભશૃંગારમાં વ્યાધિ વગેરે તેનાં (વિપ્રલંભનાં) અંગોનું કે તેનાં (વ્યાધિનાં) અંગોનું નિરૂપણ નિર્દોષ છે. પણ તેનાં અંગો ન હોય તેનું નિરૂપણ નિર્દોષ નથી. મરણ, તે (વિપ્રલંભશૃંગાર)નું અંગ બની શકે એમ છે, તેમ છતાં તેનું વર્ણન કરવું સારું નથી. કેમકે આશ્રય (આલંબન વિભાવ)નો વિચ્છેદ થતાં રસનો અત્યંત વિનાશ થઈ જશે. જો કોઈ કદાચ એમ કહે કે એવે સ્થાને (રસનો સંપૂર્ણ વિચ્છેદ નહીં થાય), કરુણ રસનો પરિપોષ થશે તો (જવાબમાં કહેવાનું કે) ના, ત્યાં (કરુણરસ) તે અપ્રસ્તુત હોવાથી અને (વિપ્રલંભશૃંગાર) પ્રસ્તુત છે તેનો વિચ્છેદ થાય છે. પણ જ્યાં કરુણરસ જ કાવ્યનો મુખ્યરસ હોય ત્યાં (મરણના વર્ણનમાં) વિરોધ નથી. અથવા શૃંગારમાં જ્યાં થોડીવારમાં જ તેમનો સમાગમ ફરી થઈ શકે એવાં સ્થાન પર મરણનું વર્ણન પણ અત્યંત વિરોધી થતું નથી. (પણ જ્યાં) દીર્ધકાળ પછી પુનઃ મિલન થઈ શકે ત્યાં તો વચમાં (રસ) પ્રવાહનો વિચ્છેદ થઈ જ જાય છે. માટે રસબંધમાં લીન કવિએ આ પ્રકારના ઈતિવૃત્તનું નિબંધન ત્યજવું જોઈએ.
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy