________________
૩૬
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા (૫) વર્તમાનમાં “શ્રીજિનભક્તિ સાધારણ” તરીકે જે દ્રવ્ય પ્રસિદ્ધ છે, એ દ્રવ્ય શાસ્ત્રદષ્ટિએ પૂજા દેવદ્રવ્ય છે.
(૬) વર્ષ દરમ્યાન વપરાતી અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી વગેરે માટે (અષ્ટપ્રકારી પૂજા કરવા માટેના નહિ પરંતુ તેમાં ઉપયોગી સામગ્રી ઉપલબ્ધ કરવા માટે) જે ચઢાવા બોલાય છે, તેમજ તે અંગે જે ભેટ તરીકે અપાય છે, તેનાથી પ્રાપ્ત થયેલી જે રકમ છે તે પૂજા દેવદ્રવ્ય” છે. અહીં યાદ રાખવું કે, પ્રથમ-દ્વિતીય અષ્ટપ્રકારી પૂજા કરવા માટે જે બોલી બોલાય છે, તે બોલીની રકમ તો શુદ્ધ-પ્રસિદ્ધ દેવદ્રવ્યમાં ગણાય છે - લેવાય છે.
(૭) ચૈત્યપરિપાટી કે પૂજા વગેરેના પ્રસંગે અથવા ઉદ્યાપનાદિના દર્શનસંબંધી ઉપકરણો દ્વારા પ્રાપ્ત થયેલી રકમ પણ પૂજા દેવદ્રવ્ય' છે.
(૮) વર્તમાનમાં કેટલાક સ્થળે “દેવકું સાધારણ” નામના ખાતામાંથી અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી લાવીને તેનું વેચાણ કરવામાં આવે છે. તે વેચાણથી પ્રાપ્ત થયેલી નફાની રકમ પણ “પૂજા દેવદ્રવ્ય” છે.
અહીં ખાસ યાદ રાખવું કે, જે અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી વેચવા માટે લાવ્યા હોય, તે વર્તમાનમાં પ્રસિદ્ધ દેવદ્રવ્યમાંથી લવાયેલી ન હોવી જોઈએ અને કદાચ ભૂલથી લવાઈ હોય તો તેના વેચાણથી પ્રાપ્ત થતો નફો શુદ્ધ દેવદ્રવ્ય ગણાય અને મૂળરકમ + નફો બંને શુદ્ધ દેવદ્રવ્યમાં જમા કરવો જોઈએ. તેમાંથી ફરી પૂજાની સામગ્રી લાવવામાં ઉપયોગ કરાય નહીં. નિર્માલ્ય દેવદ્રવ્યઃ
પ્રભુજીની આગળ ચઢાવેલાં અક્ષત-ફળ-નૈવેદ્ય અને વસ્ત્રાદિના વેચાણથી પ્રાપ્ત થયેલી રકમને “નિર્માલ્ય દેવદ્રવ્ય' કહેવાય છે.
- તેમ જ પ્રભુની પૂજા વગેરેમાં વપરાયેલા વરખ આદિના ઉતારના વેચાણમાંથી પ્રાપ્ત થયેલી રકમ પણ નિર્માલ્ય દેવદ્રવ્ય' કહેવાય છે.