________________
પરિશિષ્ટ-૧૫
૪૧૯
જ્ઞાનમંદિરમાં તત્સમક્ષેત્રી અર્થાત્ જ્ઞાનમંદિર તુલ્ય કે જ્ઞાનમંદિરથી ઉચ્ચ ઉચ્ચતર કે ઉચ્ચતમ ક્ષેત્રીય ધાર્મિક અનુષ્ઠાનો તથા શ્રી જિનેન્દ્ર પરમાત્મા ભક્તિ મહોત્સવો શ્રી જિનાજ્ઞા અનુસાર ઉજવી શકાય. પરંતુ જ્ઞાનક્ષેત્રથી ઉતરતી કક્ષાના શ્રી જિનાજ્ઞાવિહિત અનુષ્ઠાનો પણ તે તારક સ્થાનોમાં કરી કે કરાવી ન શકાય. દૃષ્ટાન્તરૂપે આયંબિલ, એકાસણા, તપશ્ચર્યાના પારણા કે સાધર્મિક વાત્સલ્યાદિ જિનાજ્ઞાવિહિત પ્રસંગો હોવા છતાં અનન્તાનન્ત પરમતારક શ્રી જિનેન્દ્ર પરમાત્માથી અને શ્રી સમ્યજ્ઞાનથી ઊતરતી કક્ષાના હોવાથી શ્રી જિનમંદિર કે જ્ઞાનમંદિરોમાં કરાવી ન શકાય.
જ્ઞાનમંદિરમાં આયંબિલ, એકાસણા આદિ ન કરાવી શકાતા હોય તો પછી સીવણ, ગૂંથણ, ભરત, ખાખરા, પાપડ, વડી આદિ ગૃહઉદ્યોગો ચલાવવાની પ્રવૃત્તિઓ, સામાજિક કે વ્યાવહારિક અન્ય કોઈ સાંસારિક પ્રવૃત્તિઓ જેમ કે, પાઠ્યપુસ્તકાદિનું વિતરણ અને જ્ય-વિક્રય આદિની પ્રવૃત્તિઓ તો એકાન્ત મહાઅશુભ આશ્રવવાળી સાંસારિક પ્રવૃત્તિ હોવાથી તે પ્રવૃત્તિઓ જિનમંદિર કે જ્ઞાનમંદિરમાં શી રીતે કરાય? ન જ કરાય, પરંતુ ઉપાશ્રય, આયંબિલભવન આદિ ધાર્મિક સ્થાનોમાં પણ (તેવી મહા-અશુભ આશ્રવમય કોઈ પ્રવૃત્તિ) ન જ કરી શકાય.