________________
૨૮૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા પોતાનાથી ઉપરના ક્ષેત્રમાં જાય, પણ નીચેના ક્ષેત્રમાં તો ન જ જાય, એવો શાસ્ત્રીય નિયમ છે. તદુપરાંત, સાતક્ષેત્ર પૈકી કોઈપણ ક્ષેત્રનું દ્રવ્ય સાતક્ષેત્રની બહાર ન જાય તેવો પણ શાસ્ત્રીય નિયમ છે. આથી સંમેલનના ઠરાવ-૧૮ દ્વારા પૂર્વનિર્દિષ્ટ શાસ્ત્રીય નિયમનો-મર્યાદાનો સ્પષ્ટ ભંગ કરવામાં આવ્યો છે. કારણ કે, સાધુ-સાધ્વી ક્ષેત્રની ઉપજને સાતક્ષેત્રની બહાર જીવદયામાં લઈ જવાનું ઠરાવ્યું છે.
લેખકશ્રીએ પણ પૂર્વનિર્દિષ્ટ શાસ્ત્રીય નિયમના આધારે તે અંગે સ્પષ્ટતા કરવાની જરૂર હતી. અસ્પષ્ટ લખીને લોકોને મુંઝવણમાં મૂકવાની જરૂર નહોતી.
શાસ્ત્ર અને પરંપરા મુજબ પૂ. સાધુ-સાધ્વીજી મ.ના અંતિમ સંસ્કાર સંબંધી ઉપજ (૧) તેઓના સ્મારકમાં, (૨) તેઓના કાળધર્મનિમિત્તે તેમના સંયમજીવનની અનુમોદનાર્થે થતા જિનેન્દ્રભક્તિ મહોત્સવમાં (પ્રભાવના કે સાધર્મિક ભક્તિ સિવાય) કે (૩) જીર્ણોદ્ધારમાં વપરાતી આવે છે અને તે ઉચિત છે.
– અહીં ઉલ્લેખનીય છે કે, “પૂ.આ.ભ.શ્રી.રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા પણ અંતિમ સંસ્કાર સંબંધી ઉપજ દેવદ્રવ્યમાં જ જાય તેવું કહેતા હતા અને હવે એ રકમને ગુરુસ્મારક આદિ ત્રણમાં જાય એમ કહે છે, તેથી તેમની વિચારધારા-માન્યતા બદલાયા કરે છે” આવું જે લોકો પ્રચારે છે - કહે છે, તે પણ સત્ય નથી. કારણ કે, તેમની માન્યતા સ્પષ્ટ હતી. તેઓશ્રીએ ૨૦૪૪'માં પં.શ્રી ચંદ્રશેખર વિ.મ.સા. ઉપર લખેલા વિસ્તૃતપત્રમાં સ્પષ્ટ જણાવેલ છે કે,
મૃતકની ઉછામણીનું ધન દેવદ્રવ્યમાં જ જાય એવું વિધાન મેં કે આપણા વડીલોએ આજ સુધી કર્યું નથી કે તેવો આગ્રહ પણ રાખ્યો નથી.”
આથી તેઓશ્રીની માન્યતા ગુરુસ્મારકાદિ ત્રણમાં જાય તેવી જ હતી. આ વિષયની વિશેષ સમાલોચના પૂર્વે પ્રકરણ-૧માં કરી જ છે.